ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સૌરાષ્ટ્રમાં: રાજ્યપાલ-મુખ્યમંત્રીએ આવકાર્યા

જામનગરમાં આગમન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આવકાર્યા: દ્વારકા જગતમંદિર અને નાગેશ્ર્વરમાં શીશ ઝૂકાવ્યુ: સાંજે સોમનાથ મહાદેવના દર્શન કરશે, રાજકોટમાં એકાદ કલાકનું ટૂંકુ રોકાણ

અબતક, રાજકોટ

ઉપરાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળના અંતિમ દિવસોમાં આજે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એક દિવસ માટે સૌરાષ્ટ્રની મૂલાકાતે આવ્યા છે. તેઓ સૌરાષ્ટ્રના અલગ-અલગ ચાર જિલ્લાઓની મૂલાકાત લેશે. આજે સવારે એરફોર્સના ખાસ પ્લેન મારફત તેઓનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મુખ્ય સચિવ સહિતના અધિકારીઓએ તેઓને સૌરાષ્ટ્રની પાવન ભૂમી પર સહર્ષ આવકાર્યા હતાં.

જામનગરમાં આગમન થયા બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એરફોર્સ મથક પરથી સિધા જ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

અહીં ધ્વજા રોહણ પણ કર્યું હતું. પાદુકા પુજન કર્યું હતું. તેઓએ નાગેશ્ર્વર ખાતે જ્યોર્તિંલીંગના દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ પ્રથમ જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવના દર્શન-પુજન કરી ધન્યતા અનુભવશે. સોમનાથની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સાથે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

આજે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એક કલાક માટે રાજકોટની મુલાકાતે આવશે.

સોમનાથથી રાજકોટ આગમન થયા બાદ ઉપરાષ્ટ્રપતિ એરફોર્સના ખાસ વિમાનમાં રાજકોટથી નવી દિલ્હી ખાતે રવાના થશે. અહીં તેઓનું મેયર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ-અધિકારી ગણ દ્વારા સ્વાગત કરવામાં આવશે.