Abtak Media Google News

વેલકમ બેક કોરોના

લોકોએ દાખવેલી બેદરકારી હવે ભારે પડશે: હજુ પણ સમય છે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તકેદારી રખાશે તો કેસની સંખ્યા ઉપર નિયંત્રણ લાદી શકાશે

નેતાઓએ પણ ચેતવા જેવું, જે થયું તે થયું હવે પ્રજાના જવાબદાર પ્રતિનિધિ બનીને કાર્યાલયે કે કચેરીઓમાં થતા મેળાવડા બંધ કરી દેવા જોઈએ

બ્રેક મોડમાં રહેલા કોરોનાએ હવે ધીમે ધીમે ફરી રફતાર પકડતા પ્રજાના શ્વાસ ઉંચા થઈ ગયા છે. માંડ માંડ કરીને કેસો ઉપર નિયંત્રણ આવ્યું હતું અને છૂટછાટ મળી હતી. તેવામાં ફરી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ વણસે તેવી દહેશત સેવાઇ રહી છે. લોકોએ ખૂબ લાપરવાહી દેખાડી, નેતાઓએ પણ ચૂંટણીમાં મેળાવડાઓ જમાવીને કોરોનાને આમંત્રણ આપ્યું હવે સાચે કોરોના ફરી પાછો આવી ગયો છે. એવું સ્પષ્ટપણે કહી શકાય કે કોરોના આવ્યો નથી કોરોનાને લઈ આવવામાં આવ્યો છે. હાલ કોરોનાના કેસો વધતા સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. પહેલાની જેમ જ એક સાથે વધુ કેસોને પહોંચી વળવા માટે વ્યવસ્થા ગોઠવવાની ગળાડૂબ તૈયારીઓ થવા લાગી છે. અગાઉ કેસો ઘટયા હતા ત્યારે લોકોએ સાવચેત થવાની તાતી જરૂર હતી. આવતા દિવસોમાં છૂટછાટ યથાવત રહે તે માટે તકેદારી ખૂબ જરૂરી હતી. પણ લોકોએ બેપરવાહ બનીને સરકારી ગાઈડલાઈનના લીરા ઉડાડયા હતા. સામે નેતાઓ પણ સમ ખાઈને સરકારી ગાઈડલાઈનના ઉલાળીયા કરવા પાછળ પડી ગયા હતા. થોડા સમયમાં કરેલી ગંભીર ભૂલોના પરિણામ હવે આવતા થઈ ગયા છે. કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેને કારણે હવે ટૂંક સમયમાં છૂટછાટ ઉપર વધુ કાપ મુકાઈ તો નવાઈ નહિ.

Advertisement

જિલ્લામાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 24248એ શહેરમાં 17154 અને ગ્રામ્યમાં 7194 કેસ નોંધાયા: એક્ટિવ કેસની સંખ્યા 368

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. આજે બપોર સુધીમાં 34 કેસ નોંધાયા છે. શહેરમાં 24 કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત પણ નીપજ્યા છે. શહેર અને ગ્રામ્યમાં મળીને અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 24248 ઉપર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 293 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ફરીથી ચાર મહિના પહેલા જ જેવી સ્થિતિ થઈ છે. એક વર્ષ થયાના દિવસે જ નવા 112 કેસ આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. રાજકોટ શહેરમાં બુધવારે 88, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 24 સહિત કુલ 112 કેસ સામે આવ્યા છે. બીજી તરફ મંગળવારે જે દર્દીનું મોત નીપજ્યું હતું તેની પાછળ કોરોના જ જવાબદાર હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યુ છે. રાજકોટમાં નવા કેસની સંખ્યામાં વિસ્ફોટ થતાં જ એક્ટિવ કેસ 320થી વધીને 368ને પાર થયા છે. બીજી તરફ રાજકોટમાં 71 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં બુધવારની સ્થિતિએ શહેરમાં 17154 અને ગ્રામ્યમાં 7194 સહિત 24248 કેસ નોંધાયા છે.

તારીખકોર્પોરેશનગ્રામ્પકુલ કેસ
1 માર્ચ44650
2 માર્ચ45752
3 માર્ચ57865
4 માર્ચ451055
5 માર્ચ461056
6 માર્ચ51758
7 માર્ચ581371
8 માર્ચ35944
9 માર્ચ481058
10 માર્ચ651479
11 માર્ચ611677
12 માર્ચ581169
13 માર્ચ641377
14 માર્ચ61970
15 માર્ચ791695
16 માર્ચ80585
17 માર્ચ8824112

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જીમ અને સ્વિમિંગ પુલ કાલથી અચોક્કસ મુદત સુધી બંધ

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ ફરી પાછો ફૂફાડો માર્યો હોય તેમ સતતને સતત કેસ વધી રહ્યાં છે. ગઈકાલે રાજ્યમાં 1126 નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીના મોત નિપજયા હતા. જેને પગલે અમદાવાદમાં જીમ અને સ્વીમીંગ પુલ તેમજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસને ધ્યાને રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જીમ અને સ્વીમીંગ પુલને પણ આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી કોરોના ફરી પાછો શાંત ન પડે તેમ અચોક્કસ મુદત સુધી જીમ અને સ્વીમીંગ પુલ બંધ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 23 માર્ચથી નેશનલ કક્ષાની વોટર પોલો સ્પર્ધા યોજાવાની હતી તે પણ કોરોનાના કારણે રદ કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 મહિનાના હાઈએસ્ટ કેસ નોંધાયા

પાછલા 7 દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો નોંધાતા 66% નવા કેસ વધ્યા

રાજ્યમાં મંગળવારે નોંધાયેલા 954 કેસની સામે બુધવારે 1,122 નવા કેસ નોંધાયા છે, એટલે એક જ દિવસમાં 18%નો ઉછાળો નોંધાયો છે. 90 દિવસ પછી ગુજરાતમાં 1100 નવા કેસનો આંકડો ક્રોસ થયો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કેસ નીચા આવ્યા પછી ત્રીજી વખત આંકડા ઉપર જઈ રહ્યા છે. આ સાથે દિવાળીમાં જે રીતે કેસમાં વધારો નોંધાયો હતો તેના કરતા પાંચ ગણા ઝડપથી નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાંથી અમદાવાદ અને સુરતમાં પાછલા પખવાડિયાથી કેસની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેમાં સુરતમાં પાછલા 7 દિવસમાં નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે, જેની ટકાવારી 123% થાય છે. એટલે કે સુરતમાં 131થી 315 કેસ પહોંચ્યા છે, જ્યારે અમદાવાદમાં આ ટકાવારી 64% છે, અહીં 161 કેસથી 264 પર આંકડો પહોંચ્યો છે. પાછલા 7 દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો નોંધાતા 66% નવા કેસ વધ્યા છે. 10 માર્ચના રોજ 675 નવા કેસ નોંધાયા હતા જ્યારે 17 માર્ચે આ આંકડો 1,122 પર પહોંચી ગયો. જ્યારે દિવાળી પહેલાના સમયમાં આવેલા કેસના ઉછાળાની ટકાવારી 13% નોંધાઈ હતી. ગુજરાતમાં રેકોર્ડ હાઈએસ્ટ કેસ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આટલા ઊંચા કેસ નોંધાયા તે પહેલા અહીં 1,420 કેસ નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.