રાજકોટ જિલ્લાના ગામડાને પણ મળશે પ્રોપર્ટી કાર્ડ

હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થવાનું શરૂ થશે. આ માટેના પ્રોજેકટની જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ વિચારણા ચાલી રહી છે. જિલ્લાનો કોઈ એક તાલુકો પસંદ કરી પાયલોટ પ્રોજેકટ ચલાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે.

રાજકોટ શહેરમાં મિલકતના જે રીતે પ્રોપર્ટી કાર્ડ નીકળે છે. તે રીતે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવાની કામગીરી થોડા સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

હાલ તો આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા વિચારણા હાથ ધરી આ પ્રોજેકટને આગળ ધપાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ગ્રામીણ વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના અંતર્ગત રાજકોટમાં પ્રથમ કોઈ તાલુકાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવશે.  અને તેમાં સૌ પ્રથમ તેનો અમલ કરાશે.

જિલ્લા કલેક્ટર અરુણ બાબુએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવા માટે કેન્દ્ર સરકારની આ યોજનાને કેવી રીતે લાગુ કરવી તે અંગે વિચારણા કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં એક-એક તાલુકમાં તેનો કેવી રીતે અમલ કરવો તે અંગેની વિચારણા પણ કરવામાં આવી રહી છે.  જિલ્લામાંથી કોઈ એક તાલુકાને પસંદ કરવામાં આવશે.ક્યો તાલુકો લેવો તે હજુ નક્કી નથી કરાયું. પરંતુ એકાદ મહિનામાં તેનો નિર્ણય કરીને રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવશે.

પ્રથમ કોઈ એક તાલુકો નક્કી કરી ત્યાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બધા તાલુકાને તેમાં આવરી લેવામાં આવશે. આ કામગીરીમાં પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પંચાયત વગેરેની ટીમને પણ જોડવામાં આવશે.આ પ્રોજેકટ અંગે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરાશે. ત્યાંથી મંજૂરી આવ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  કેન્દ્ર સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે સ્વામિત્વ યોજના જાહેર કરવામાં આવી હતી. ભારત સરકારની આ મહત્વાકાંક્ષી યોજનામાં ડ્રોન ટેકનોલોજીથી માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે તેવી પણ ભૂતકાળમાં જાહેરાત થઈ હતી. જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સર્વે ઓફ ઇન્ડિયા એમ અલગ અલગ ત્રણ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવનાર છે.