Abtak Media Google News

ન્યાયપ્રણાલીમાં ‘તારીખ પે તારીખ’ને ભૂતકાળ બનાવી દેવા સુપ્રીમ તત્પર

એક કેસની સુનાવણીમાં હાજર રહેલા વકીલને જવાબ આપતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચુડે ફિલ્મ ’દામિની’નો ડાયલોગ ’તારીખ પે તારીખ’ યાદ કર્યો અને કહ્યું કે આ દેશની સર્વોચ્ચ અદાલત છે અને અમે ઈચ્છીએ છીએ કે આ કોર્ટને દેશના નાગરિકો સન્માન આપે.

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સમયસર ન્યાય મળવો જરૂરી છે. જે રીતે કહેવામાં આવે છે કે, ’ડીલે જસ્ટિસ, ડીનાઇડ જસ્ટિસ’ તે ઉક્તિને સમર્થન આપવા સમાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સમયસર ન્યાય આપવો તે કોર્ટની જવાબદારી છે અને લોકોનો મૂળભૂત અધિકાર પણ છે. જેનો સીધો અર્થ થાય છે કે, જ્યારે સમયસર ન્યાય ન મળે ત્યારે નાગરિકના મૂળભૂત અધિકારનો ઉલ્લંઘન થાય છે અને તારીખ પે તારીખ કલ્ચરનો ત્યાંથી જ જન્મ થાય છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે શુક્રવારે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે સુપ્રીમ કોર્ટ ’તારીખ પે તારીખ’ બને.  તેમણે આ વાત વકીલોના કેસને લંબાવવાની વૃત્તિના સંબંધમાં કહી હતી. જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીએ એક કેસની સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે વકીલે આ મામલે દલીલ કરવા માટે વધુ સમય માંગ્યો ત્યારે બેન્ચે કહ્યું કે, અમે આ મામલાને મુલતવી રાખીશું નહીં. વધુમાં વધુ અમે બોર્ડના અંતમાં આ મામલા લેવાની છૂટ આપી શકીએ છીએ પરંતુ તમારે આ બાબતે ચર્ચા તો કરવી જ પડશે. અમે નથી ઈચ્છતા કે સુપ્રીમ કોર્ટ ’તારીખ પે તારીખ’ કોર્ટ બને.  અમે આ ધારણાને બદલવા માંગીએ છીએ.

હિંદુ પૂજારી વતી સિવિલ અપીલમાં હાજર રહેલા વકીલના જવાબમાં જસ્ટિસ ચંદ્રચુડે ફિલ્મ ’દામિની’નો ડાયલોગ યાદ કર્યો અને કહ્યું કે આ દેશની સર્વોચ્ચ અદાલત છે અને અમે ઈચ્છીએ છીએ કે આ કોર્ટને સન્માન મળે. ખંડપીઠે કહ્યું કે એકતરફ ન્યાયાધીશો જ્યારે બીજા દિવસની સુનાવણીની તૈયારી કરી રહ્યા હોય, મધ્યરાત્રિ સુધી કેસની ફાઈલોનો અભ્યાસ કરે છે, બીજી તરફ વકીલો આવીને સીધી જ મુદ્દતની માંગ કરે છે. કોર્ટે આ મામલામાં મુદ્દત મંજુર ન કરી હતી.

અન્ય એક કેસમાં, જસ્ટિસ ચંદ્રચુડની ખંડપીઠે વકીલ વિરુદ્ધ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હાઈકોર્ટે કોર્ટ રૂમમાં અનુશાસન જાળવવું પડશે અને સર્વોચ્ચ અદાલત કોઈના ખોટા વર્તનની ટિપ્પણીઓને દૂર કરે તે યોગ્ય નથી.  બંધારણની કલમ 32 હેઠળ અરજી દાખલ કરવા પર ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ અરજીમાં માંગવામાં આવેલી રાહત આપી શકાય નહીં.  કલમ 32 મૂળભૂત અધિકારોના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં જવાના અધિકાર સાથે સંબંધિત છે.

સમયસર ન્યાય આપવો તે અદાલતની જવાબદારી

જે રીતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે વારંવાર મુદ્દતો પડવાથી મામલો લાંબા સમય સુધી ચાલતો હોય છે અને તેના લીધે ન્યાય પણ સમયસર આપી શકાતો નથી. ત્યારે સમયસર ન્યાય મેળવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને તે જવાબદારી અદાલતની છે. કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે, અમે ઇચ્છીએ છીએ કે, દેશની સર્વોચ્ચ અદાલતને સન્માન મળે અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે ન્યાય સમયસર મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.