Abtak Media Google News

મૈત્રી કરારથી પ્રેમી સાથે રહેતી યુવતીને પરિવારજનો ઢસડીને લઈ ગયા: છોડાવવા પડેલા પ્રેમીના પિતા અને બહેનને પણ માર માર્યો

વિસાવદર તાલુકાના રામપરા ગામે પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રી પર હુમલો થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મૈત્રી કરાર કરીને પ્રેમી સાથે રહેતી યુવતીને તેડવા આવેલા પરિવારજનો ઢસડીને લઈ જઈ રહ્યા હતા ત્યારે છોડાવવા પડેલા પ્રેમીના પિતા અને બહેનને પણ માર મારતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામપરા ગામે રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિકુંજ કાનજીભાઈ ભાડેલિયાએ જૂનાગઢ રહેતા પ્રકાશભાઇની પુત્રી કાજલ સાથે મૈત્રી કરાર કર્યા હતા. કાજલબેનના બે માસ પહેલા છૂટાછેડા થયા બાદ નિકુંજ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી.

પરંતુ ગઇ કાલે સાંજે જૂનાગઢથી કાજલના પિતા પ્રકાશ, ભાઈ અજય સહિતના 5-6 શખ્સો તલવાર, પાઇપ સહિતના હથિયારો વડે રામપરા ઘસી આવ્યા હતા. ત્યારે પ્રકાશ અને અજયે નિકુંજની પ્રેમિકાને માથામાં પાઇપ ફટકારતાં તે બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને છોડાવવા વચ્ચે પડેલા નિકુંજના પિતા કાનજીભાઈ ભાડેલિયા (ઉ.વ.45) પર પણ હુમલો કર્યો હતો. જેથી પિતાને છોડાવવા વચ્ચે પડેલી નિકૂંજની બહેન કાજલબેન કાનજીભાઈ ભાડેલિયા (ઉ.વ.28)ને તલવાર મારી દેતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ પ્રકાશ અને અજય નિકુંજની પ્રેમિકા કાજલબેનને માથામાં બોથડ પદાર્થનો ઘા મારી સાથે લઈ ગયા હોવાથી પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.