Abtak Media Google News

સામાકાંઠા વિસ્તારમાં કોંગ્રેસને વધુ મત મળતા હોવાથી ભાજપના શાસકો કિન્નાખોરી રાખી રહ્યાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

છેલ્લા ૧૦ દિવસથી લોકાર્પણની રાહ જોતા વોર્ડ નં.૧૫,૬,૧૪ અને ૭ને જોડતા ચુનારાવાડ વિસ્તારમાં આજી નદી પરના હાઈલેવલ ઓવરબ્રિજનું આજે કોંગ્રેસે લોકાર્પણ કરી નાખ્યું હતું. કોંગ્રેસે લોકાર્પણ કરતા કોર્પોરેટરોનું સ્થાનિક લોકો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે, શહેરમાં રામનાથપરા વિસ્તારમાંથી ચુનારાવાડ, દૂધસાગર રોડ વિસ્તારમાં આવવા-જવા માટે આજી નદી ઉપર બેઠો પુલ આવેલો છે તે પુલ શહેરના વધતા જતા વાહનો અને વાહનની અવરજવર માટે પુરતો ન હોય માટે વર્ષ ૨૦૧૩માં વોર્ડ નં.૧૬,૮ અને ૧૭ના કોર્પોરેટરો દ્વારા બ્રીજ બનાવવા માંગણી કરવામાં આવેલ હતી તેમજ છેલ્લા ૫(પાંચ) વર્ષથી સતત મ્યુનિસિપલ કમિશ્નર ઉપર લેખિત-મૌખીક રજુઆતો, આંદોલન-ધરણા અને ઉપવાસ ગાંધીચિંધ્યા રાહે દેખાવો કરી તંત્ર ઉપર પ્રજાની સુખાકારી અર્થે દબાણ લાવવા વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનોના સહકારથી આ ઓવરબ્રીજ વર્ષ ૨૦૧૬માં મંજુર કરાવી કોંગી કોર્પોરેટરોના પ્રયાસથી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આ બ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ બ્રીજનું કામ વર્ષ ૨૦૧૮માં પૂર્ણ કરવાનું હતું પરંતુ યેનકેન પ્રકારે આ કામ પ્રત્યે ભાજપના શાસકો અને અધિકારીઓ દ્વારા ઘ્યાન ન આપતા કોંગ્રેસના કોર્પોરેટરોએ વારંવાર કમિશ્નરને કરાય હતી.

છેલ્લા દસ દિવસથી બ્રીજના લોકાર્પણની રાહ જોતા કોંગ્રેસના આગેવાનો અને સામાકાંઠાના પ્રજાજનોને સાથે રાખી આ બ્રીજનું ઓપનીંગ આજે સવારે વોર્ડ નં.૧૫ના કોંગ્રેસ પ્રમુખ વાસુદેવભાઈ ભમ્ભાણી, વશરામભાઈ ચાંડપા, રામભાઈ હેરભા, અકબરભાઈ પતાણીના વરદ હસ્તે રીબીન કાપી આ બ્રીજ પ્રજાની સુખાકારી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આ તકે વિસ્તારના લોકો દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને ફૂલહાર પહેરાવ્યા હતાં અને લોકોમાં આંનદની લાગણી ફેલાઈ હતી આ પ્રસંગે કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઇ દાઉદાણી, પ્રવીણભાઈ સોરાણી દ્વારા લોકોને મોઢા મીઠા કરાવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.