Abtak Media Google News

પિતૃની સ્મૃતિનો શ્રધ્ધાભીનો અવસર છે: માબાપના ઘડપણની લાકડી થવાનો નવી પેઢીના સંતાનોને ગદગદ બોધ: પિતૃતર્પણ દ્વારા પૂર્વજોને જમાડયાનો સાંપડતો સંતોષ

‘ભૂલો ભલે બીજું બધુ મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ’ એ ભજનને આપણા સમાજે માનવજાતના મહામંત્ર તરીકે અપનાવ્યું છે.

‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ એ ગીતને પણ આપણે હૃદયપૂર્વક આપણા સમાજે હૃદયમાં મઢી લીધું છે.

‘માતૃવાત્સલ્ય’ અને ‘પિતૃ વાત્સલ્ય’ને આપણા કવિઓ સાહિત્યકારોએ અજોડ અને અનુપમ ગણાવ્યા છે.

સંતાનને જન્માવીને માતાએને ઘરનાં ઉંબરા સુધી આપમેળે હરતાં ફરતા શીખવી દે છે, પરંતુ એને ઘરની બહાર શેરીએ કે જગત વચ્ચે તો પિતા જ લઈ જાય છે.

કવિઓ-સાહિત્યકારો અને સંત-મહંતોએ માબાપને ઘરને આંગણે તિર્થ તરીકે ઓળખાવ્યા છે.

શ્રી કૃષ્ણે નંદ-જશોદાને અનન્ય માતા-પિતા તરીકે વર્ણવ્યા છે.

આવા માબાપનું પૂરેપૂરૂ ઋણ વાળવું અશકય છે.

ભાદરવા મહિનાને પિતૃપ્રિય મહિના તરીકે વર્ણવાયો છે.

આ મહિનાના સોળ દિવસ પિતૃતર્પણના હોવાનું આપણા શાસ્ત્રો અને પૂર્વજોએ પ્રસ્થાપ્યું છે.

જન્માષ્ટમી પર્વની ઉજવણી રંગેચંગે સંપન્ન થઈ ગઈ, શિવ આરાધનાની મૌસમ સમો શ્રાવણ માસ પણ વદાય થયો. ગણપતી બાપ્પા મોરીયાના નાદ પણ વિસર્જન બાદ શમી ગયા છે. હવે પિતૃ તર્પણનો અવસર એટલે કે શ્રાધ્ધ પર્વ આવશે શ્રાધ્ધાથી જે કંઈ આપવામાં આવે તે શ્રાધ્ધ શ્રધ્ધાના દિવસોમાં ખીર પૂરી બનાવીને કાગવાસ નાખવામાં આવે છે. અને એ રીતે પૂર્વજો જમાડયાનો સંતોષ મેળવાતો હોય છે. શ્રાધ્ધ સાથે વણાયેલી પૂર્વજોને જમાડયાના સંતોષની શ્રધ્ધા એ આપણી વિરલ સંસ્કૃતિની દેન છે. પરંતુ હાલની સ્થિતિ કંઈક જુદી છે. આજે શ્રાધ્ધની શ્રધ્ધા ઔપચારીકતામાં પલટાઈ ગઈ છે. હયાત હોય ત્યારે માતા પિતાના જીવતર ઝેર કરી દેનારા સંતાનો માવતરનાં મૃત્યુ પછી શ્રાધ્ધની વિધિ હરખભેર કરતા દેખાય છે. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ અને મોહ, આધુનિક જીવનશૈલી, સ્પર્ધાત્મક વાતાવરણ અને તુટતી જતી સંયુકત કુટુંબની પ્રથા સહિતની પરિબળોના કારણે આપણા સામાજીક જીવનમાં બદલા આવ્યો છે.

શ્રવણની સંસ્કૃતિના વારસદાર એવા આજના સંતાનો પગભર થાય એટલે પત્ની પ્રેમ, કારકીર્દી પ્રેમ અને પોતાની જાતને આધુનિક બનાવવાની કે બતાવવાની ઘેલછામાં સગ્ગી જનેતા અને જનકને રસ્તે રઝળતા કરી દેતા જરાય ખચકાતા નથી. અને આવા કળીયુગી કપાતરો શ્રાધ્ધના દિવસે હરખપદુડા થઈને કાગવાસ નાખતા હોય છે આ તે કેવી સાંસ્કૃતિક કમનસીબી….!!

હયાતીમાં હેતના બે બોલ પણ માવતરને ન આપી શકેલા કંગાળો માટે શ્રાધ્ધ પર્વ એ એક દેખાદેખી અને ઔપચારીકતાથી વિશેષ બીજુ કંઈ નથી. ઘણડા માં-બાપને ઘરડા ઘરને હવાલે કરી દેનારા આવા નપાવટ સંતાનો શ્રાધ્ધના દિવસોમાં પૂર્વજોના સંસ્મરણોને વાગોળવાનો દેખાડો કરીને શ્રધ્ધાની શ્રધ્ધાને અભડાવે છે. અને આવા માટીપગા સંતાનોને સમાજ મુંગા મોઢે સ્વીકારતો-આવકારતો રહે છે.કેવી સાંસ્કૃતિક પરવશતા…!

શ્રાધ્ધ-પિતૃતર્પણને લગતા શાસ્ત્રોકત વિધિવિધાન તો અવર્ણનીય છે, જેમા પિંડ, સરવણી અને કૌટુમ્બિક સંવેદનાઓનો સમાવેશ થાય છે.

પિતૃતર્પણની ધાર્મિક-શાસ્ત્રીય પ્રથા છે કે રામાવતારથી ચાલી આવી હોવાનો ખ્યાલ ઉપસે છે. શ્રી રામને ચૌદ વર્ષનાં વનવાસનો વચનપાલન અર્થેનો આદેશ આપ્યા બાદ અ ને રામ-લક્ષ્મણ -સીતા વનવાસ માટે સિધાવ્યા કે તૂર્ત જ આઘાત સહન નહી થતા પિતા દશરથ દિવંગત બન્યા હતા.

શ્રી રામને એની જાણ થયાબાદ તેમણે ગંગાસાગરમાં પિતૃતર્પણની વિધિ કરી હતી એવી નોંધ ધર્મગ્રંથોમાં છે…

અત્યારે કળિયુગ છે. દરેક સ્થળે એની વિભિન્ન અસરો પહોચી છે. ‘પિતૃતર્પણ’ની પ્રથા પણ કેટલેક અંશે એનાથી મુકત નથી.

‘કાગવાસ’ની વિધિ વખતે કાગડા કાં તો આવતા જ નથી, અથવા તો એકલદોકલ જ જોવા મળે છે.

કોઈએ એવી માર્મિક ટકોર કરી હતી કે, હવે કાગડા (શ્વાન)ને ‘ખીર-પુરી’ની એકની એક વાનગી નહિ ગમતી હોવાનો સંભવ છે.

કાગડાની નાતમાં સંખ્યા બેહદ ઘટી છે. અથવા મોટી સંખ્યામાં તે અન્યત્ર જતા રહ્યા હોવાનો ખ્યાલ ઉપસે છે.

એક તબકકે પિતૃઓની સ્મૃતિના અવસર સમા શ્રાધ્ધ પર્વમાં ઘરે-ઘરે પિતૃતર્પણના અને છાપરાઓ પર કે અગાસીઓમાં કાગવાસનાં દ્રશ્યો જોવા મળતા હતા. પ્રથમ પધારનાર કાગડાને તો પિતૃસમાન ગણીને વંદન કરવામાં આવતા હતા. હવે જીવતેજીવ મા-બાપનું જતન કરનારા સંતાનોની સંખ્યા ઘટી છે.

એક ટકોરમાં તો એમ કહેવાયું છે કે જે કમભાગી હાથ ઘડપણની લાકડી ન બની શકે એ હાથે પિતૃતર્પણ કેટલું શોભે, અને એવા હાથને દેખાવપૂરનું પિતૃતર્પણ કરવાનો અધિકાર પણ કયાં રહે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.