Abtak Media Google News

વાપી કોર્ટે દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા ફટકારી

૯ વર્ષની બાળકીને પિંખી મોતને ઘાટ ઉતારી દેનાર હેવાનને સજા-એ-મોત

વલસાડ જિલ્લાની વાપી કોર્ટે ૯ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા નિપજવવાના એક કેસમાં હેવાન આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં વાપી ટાઉન વિસ્તારમાં ધોરણ ૪માં અભ્યાસ કરતી એક બાળકીને પીંખી નાખનાર નરાધમ રાજેશ ગુપ્તાને મૃત્યદંડ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨માં ૧૬૫ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને તેમાંથી ૩૧% દોષિત જાતીય શોષણના ગુન્હા સાથે સંકળાયેલા હતા અને વાપી કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેના લીધે આ આંકડો ૧૬૬એ પહોંચી ગયો છે.

વર્ષ ૨૦૨૨માં દેશભરની અદાલતોમાં જે સજા-એ-મોત ફટકારવામાં આવી છે તે બે દાયકામાં સર્વાધિક ફટકારવામાં આવેલી મોતની સજા છે. હવે જ્યારે સર્વાધિક મોતની સજા ફટકારવામાં આવી છે ત્યારે એક તરફ ગુનેગારોને તેમના ગુનાહિત પ્રવૃત્તિ બદલ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે તેવી અનુભૂતિ થાય છે પરંતુ બીજી બાજુ આ બાબત ચિંતાજનક પણ છે. કારણ કે, વર્ષ ૨૦૨૨માં જેટલા પણ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેમાંથી એક તૃતીયાંશ ગુનેગારો જાતીય શોષણ સાથે સંકળાયેલા છે. એટલે કે દેશમાં ફાંસીની સજા પામનાર એક તૃતીયાંશ દોષિત ફક્ત જાતીય શોષણ કરનારા છે. હવે આંકડો વધતા ચિંતાજનક બાબત એ છે કે સુદ્રઢ સમાજ વ્યવસ્થા વિકસાવવાની વાતો વચ્ચે દિન પ્રતિદિન જાતીય શોષણના બનાવોમાં ધરખમ વધારો નોંધાતો જઈ રહ્યો છે.

સમાજમાં મહિલાઓ સુરક્ષિત હોય તો સુદ્રઢ સમાજ વ્યવસ્થા તરફ આગળ વધી શકાય પરંતુ જે રીતે અવાર નવાર દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. માસૂમ બાળકીથી માંડી વૃદ્ધ મહિલાઓ પર શારીરિક અત્યાચારના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે જે પ્રજા અને સરકાર બંને માટે અતિ ચિંતાજનક બાબત છે.

ઔદ્યોગિક નગરી  વાપીમાં ૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના દિવસે એક ધોરણ ૪માં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ તેના ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ધોરણ ચારમાં અભ્યાસ કરતી ૯ વર્ષની બાળકીનો મૃતદેહ તેના જ ઘરમાં પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ સનસનીખેજ હત્યાના મામલે વાપી પોલીસે રાજેશ ગુપ્તા નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મૃતક બાળકીની ચાલીમાં જ રહેતો હતો. આથી આરોપી એ પણ જાણતો હતો કે દિવસ દરમિયાન બાળકીના માતા-પિતા અને તેનો ભાઈ આખો દિવસ નોકરી ધંધે કંપનીમાં હોય છે.

સ્કૂલેથી છૂટયા બાદ બપોર પછી બાળકી એકલી જ ઘરમાં હોય છે. જેનો લાભ લઇ આરોપીએ મોકો જોઇ બનાવના દિવસે બપોરે જ બાળકીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ બુમાબુમ કરતા આરોપીએ નવ વર્ષીય માસૂમ બાળકીનું મોઢું દબાવી ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. ચોકાવનારી વાત એ છે કે સગીરા આરોપીએ બાળકીની હત્યા કર્યા બાદ પણ  હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી અને  બાળકીના મૃતદેહ સાથે પણ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ આરોપીએ બાળકીએ આપઘાત કર્યો છે તેવો ક્રાઇમ સીન ઊભો કરવા બાળકીના મૃતદેહને ગળે ફાંસો આપી ઘરના પંખા સાથે લટકાવી  હતી .

આ જઘન્ય અપરાધના મામલે વાપીમાં ફાસ્ટ કાર્યવાહી કરવામાં આવી છે. વાપી કોર્ટમાં પોકસો એક્ટ હેઠળના સ્પેશીયલ જજ કે જે મોદીએ ૯ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના મામલે આરોપી રાજેશ ગુપ્તાને ફાંસીની સજા ફટકારી છે. બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે બળાત્કાર કરી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ બાળકીની હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને રજૂ કરી હાલનો કેસ રેરેસ્ટ ઓફ રેરની કેટેગરીમાં ગણવાયો છે.

આવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો ગ્રાહ્ય રાખી આઇ.પી.સી ની કલમ.૩૦૨ નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ ૬માં દેહાંત દંડ તથા આઇપીસીની  કલમ-૨૦૧ નાં ગુનામાં સાત વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડના ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. વધુમાં આ ગુનાંમાં ભોગબનનારના માતા-પિતાને ૧૭લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે .

આ જધન્ય અપરાધીને અંતે ફાંસી આપવામાં આવી છે. પીડિતા બાળકી સાથે  ગુનહિત કૃત્ય કરનાર આરોપીએ બાળકીનો પાડોશી હોવાનો બહાર આવ્યું છે, ત્યારે કિશોર ઉમરના બાળકો સાથે થતા અપરાધોમાં મોટા ભાગ કેસમાં અપરાધી કોઈ સગો કે પાડોશી હોવાનો ખુલાસો થાય છે. ત્યારે આજના બદલાતા સમાજ અને ઇન્ટરનેટની આભાસી દુનિયામાં દરેક માતા પિતા એ પોતાનાના બાળકોને આવા લોકોને બચાવવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.