Abtak Media Google News

નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડુતોની માંગ

નર્મદા કેનાલના પાણી છલકાઈને લીલાપુર ગામની આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં ઉભો પાક અને ખળામાં આવેલો પાક તણાઈ જતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાઈ છે, અને તંત્ર દ્વારા નુકશાનનો સર્વે કરાવીને વહેલીતકે વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. લખતર તાલુકામાં નર્મદાની માઈનોર-સબમાઈનોર કેનાલોના પાણી તંત્રની બેદરકારીના કારણે અવાર-નવાર આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડુતોને પારાવાર નુકશાન સહન કરવું પડે છે.

આ બનાવની જાણવા મળતી વિગત એવી છેકે, લીલાપુર નજીક સૌરાષ્ટ્ર શાખા મુખ્ય નહેર પમ્પીંગ સ્ટેશન પાસે લીલાપુર (તા.લખતર) થી નર્મદા મુખ્ય નહેર તરફ લીલાપુર-કડુ જવાના માર્ગ ઉપર કેનાલ ચડતા જમણા હાથ ઉપર મુખ્ય નહેરની ઓવરફ્લો પાણીની સાંકળ (પીચકારી) 70976 ઉપરથી તા. 19/2/2023ના રોજ રાત્રે એક કલાકના સુમારે પી.એસ.-1 થી પી.એસ.-2 સુધી પાણી પહોંચાડવામાં આવતું હતું, ત્યારે પી.એસ.-2નું ટ્રાન્સફોર્મર બંધ થતા પી.એસ-2થી પાણી પાછુ પડીને લીલાપુર-કડુના માર્ગે આવેલ ઓવરફ્લો સેકશન ઉપરથી બહાર નીકળીને આજુબાજુના અનેક ખેતરોમાં ફરી વળ્યું હોવાનું ખેડુતો જણાવે છે.

અંદાજે 200 વીઘા ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યા હતા. ખેડુતોએ એરંડાનો પાક લણીને ખળામાં મુકેલ તે આશરે 3000 મણ એરંડા આ પાણીમાં તણાઈ જતા ખેડુતોના મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો હતો. ઉપરાંત બીજા ખેતરોમાં ઘઉં-કપાસના પાકને પણ ભારે નુકશાન થયુ હોવાનું જાણવા મળે છે. તંત્રની બેદરકારીથી લીલાપુર આજુબાજુના ખેતરોમાં આ તારાજી થતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. સ્થળ તપાસ માટે નર્મદા વિભાગના અધિકારીઓને ફોનથી જાણ કરવા છતાં બીજા દિવસે અગિયાર વાગ્યા સુધી અધિકારીઓ ન ફરક્તા ખેડુતોએ આક્રોશ વ્યક્ત કરેલ હતો.

તંત્રની બેદરકારીથી કેનાલમાં પાણી ઓવરફ્લો થઈને ખેતરોમાં ઉભા પાકમાં ફરી વળતા નુકશાન વેઠવું પડયુ હોવાથી તંત્ર દ્વારા વહેલીતકે નુકશાનીનો સર્વે કરીને ખેડુતોને વળતર ચુકવવામાં આવે તેવી માંગ ખેડુતોમાંથી ઉઠી હતી. આ અંગે લીલાપુર ગામના આગેવાનોના પંચ દ્વારા પંચ રોજકામ કરવામાં આવેલ હતું. લીલાપુર આજુબાજુના ખેતરોમાં ઓવરફ્લો થયેલી કેનાલના પાણી ફરી વળતા તારાજી ફેલાયાની જાણ થતા ધારાસભ્ય પી.કે.પરમારે સ્થળ ઉપર જઈને પરિસ્થિતીનો તાગ મેળવી ખેડુતોને હૈયાધારણ આપેલ હતી. ખેડુતોનું કહેવું હતું કે, કેનાલના ઓવરફ્લોનો નિકાલ નર્મદાની નહેર દ્વારા જ કરવામાં આવે તો આ સમસ્યા મહદ અંશે ઉકેલાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.