Abtak Media Google News

કોરોના વાયરસના સંક્રમણના સમયમાં રોજ કમાઈને પરિવારનું જીવન નિર્વાહ ચલાવતા લોકોને તકલીફ ન પડે અને આવા મહામારીના સમયમાં તેમને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મનરેગાના કામો શરૂ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના 41 ગામોમાં જળસંચયના કામો કરવામાં આવી રહ્યા છે.

આ અંગે વાત કરતા લખતર તાલુકા વિકાસ અધિકારી વી.એચ. મકવાણા જણાવે છે કે, લખતર તાલુકામાં અત્યારે મનરેગા યોજના હેઠળ 41 ગામોમાં જુદા જુદા વ્યક્તિગત અને સામૂહિક કામો ચાલે છે. આ ગામોમાં અત્યારે 1100 જેટલા મજુર રોજ કામ પર આવે છે. જેઓને આ યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.  આ શ્રમિકોને સમયસર મહેનતાણું પણ મળી રહે છે.        તાલુકામાં વિવિધ જળસંચયના કામો જેવા કે તળાવ ઊંડા કરવાના કામો, ગટરના કામો, વોકળા અને ચેકડેમને લગતા કામો કરવામાં આવી રહ્યા છે. સુજલામ સુફલામ યોજના અન્વયે જળસંચયની કામગીરી કરવાની થાય છે, જેના ભાગરૂપે તાલુકાના વિવિધ ગામોમાં જળસંચયના કામો ચાલુ કરવામાં આવેલ છે.

ગામમાં જ રોજગારી મળી રહે તેનો સંતોષ વ્યક્ત કરતા વડેખણ ગામના શામજીભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંદર દિવસથી મનરેગાનું કામ ચાલુ છે, કામ બહુ સારું ચાલે છે. અમારા પરિવારના ચાર વ્યક્તિ કામ પર આવીએ છીએ, જેનાથી અમને રોજીરોટી મળી રહે છે. કોરોનાની આવી વિપરીત પરિસ્થિતિમાં પણ અમને સરકાર દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે તે માટે સરકારનો અમે આભાર માનીએ છીએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.