Abtak Media Google News

શિક્ષણ મંત્રી ચુડાસમાના હસ્તે નિરમા યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરનું ઈ-લોકાર્પણ કરાયું

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોંડલની પ્રાંત કચેરી ખાતેથી “નિરમા યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન સેન્ટર” ઈ લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે આપણા ઉપયોગની વસ્તુઓ આપણે જ બનાવી શકીએ, એ જ સાચી આત્મનિર્ભરતા છે. આત્મનિર્ભર ક્ષેત્રે આગેવાની લેવા નિરમા યુનિવર્સિટીના સ્થાપકોને મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું અને કરસનભાઈ પટેલ તથા ગુજરાતના અન્ય ઉદ્યોગપતિઓની કોઠાસૂઝને બિરદાવી હતી.  મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં યોગનો ફેલાવો કરીને આપણે સાબિત કર્યું છે કે, ભારત વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ છે. ટેકનીકલ માણસો જ સંશોધન કરી શકે એ વાતને રાજ્યના અભણ ખેડૂતે ખોટી પાડી છે, એ બાબતના સંખ્યાબંધ ઉદાહરણો ટાંકતા મંત્રી ચુડાસમાએ જરૂરિયાતને જ શોધની જન્મદાત્રી ગણાવી હતી અને રોજીંદી બાબતોમાં સંશોધનવૃત્તિ કેળવવા તથા આ સંશોધનની પેટન્ટ લેવા પર ભાર મૂક્યો હતો. રજાના દિવસે પણ કાર્યરત રહેલી પ્રાંત કચેરીની મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ રાજ્ય સરકારની વર્ષ 2017 થી અમલમાં આવેલી “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી”  અંગે વિશદ છણાવટ કરી હતી. નિરમા યુનિવર્સિટીના સ્થાપક કરસનદાસ પટેલની દીર્ઘદ્રષ્ટિની સરાહના કરતાં તેમણે કહ્યું હતું કે રૂ. 62 કરોડના ખર્ચે નિરમા યુનિવર્સિટી ખાતે સ્થપાનારૂ રાજ્યનું આ નોવેશન સેન્ટર આવનારા દિવસોમાં સીમાચિન્હ રૂપ સાબિત થશે. અને સેન્ટર થકી ગુજરાતની ઇન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટીમાં ખૂબ વધારો થશે. “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી” હેઠળ નિરમા યુનિવર્સિટી ખાતે આજે શરૂ થયેલા 25 માં રાજ્યવ્યાપી સેન્ટર બદલ મંત્રી વિભાવરીબેને નિરમા યુનિવર્સિટીના સ્થાપક અને સંચાલક ગણને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.