Abtak Media Google News

પ્રથમવાર અવાજની વધુમાં વધુ ઝડપ ૩૬ કિમી નકકી કરાઈ: હીરા કરતા પણ ઘન પરમાણું હાઈડ્રોજનમાં અવાજની ગતિ વધુ ઝડપી: પાણી અને વાયુની સાપેક્ષે ઘનતત્વોમાં અવાજની ઝડપ વધુ હોય છે

અવાજની ઝડપ કેટલી ?? અલગ અલગ માધ્યમમાં અવાજની ઝડપ અલગ અલગ હોય છે. માધ્યમ આધારિત અવાજની ગતિ માપવી અઘરી છે. જેમ પ્રકાશની વધુમાં વધુ ઝડપ ૩ લાખ કિમી, સેક્ધડ છે. તેમ અવાજની વધુમાં વધુ ઝડપ હજુ સુધી મપાઈ શકી નહતી. પરંતુ તાજેતરમાં અવાજની આ વધુમાં વધુ ઝડપ ૩૬ કીમી, સેક્ધડ હોવાનું પ્રથમવાર નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતુ કે હીરામાંથી પસાર થતા ધ્વનિતરંગો જ તેની વધુ ઝડપ હતી પરંતુ હાલ વૈજ્ઞાનિકોએ સખત પદાર્થ હીરામાંથી પસાર થતા ધ્વનિ તરંગો કરતા પણ વધુ ઝડપથી પસાર થતા ધ્વનિ તરંગો શોધી કાઢ્યા છે.

દુનિયામાં સૌથી નકકર અને કઠોર પદાર્થ હીરાને માનવામાં આવે છે. જે કાર્બનનું જ એક ઘનસ્વરૂપ છે. અને અવાજની ગતિ ઘન સ્વરૂપનાં પ્રદાર્થોમાં જ સૌથી વધુ હોય છે. જયારે હવા અને પાણીમાંથી પસાર થતી અવાજની ગતિ ઘન તત્વની સાપેક્ષમાં ઘણી ઓછી હોય છે. ઘન તત્વમાંથી પસાર થતો અવાજ દૂર દૂર સુધી પ્રસરે છે. આથી તેની ગતિ વધુ છે. તેમ કહી શકાય. એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિષ કરીએ તો, ટ્રેનનો અવાજ વિમાનના ઉડ્ડાનના અવાજ કરતા પણ વધુ ઘોંઘાટ ભર્યો હોય છે. કારણ કે ટ્રેનએ રેલવેના પાટા પર દોડે છે. આથી તેના તરંગો તેમાંથી ટકરાવની સાથે નીકળતા તે વધુ પ્રસરે છે. જયારે વિમાન દ્વારા ઉત્પન્ન થતો અવાજ હવાના માધ્યમમાં હોવાથી તે ઓછો પ્રસરે છે. માધ્યમમાંથી ટકરાવની સાથે પસાર થતો અવાજ વધુ રણકાર ઉત્પન્ન કરે છે. વધુ કંપન ઘન તત્વમાં ઉદભવતું હોવાથી અવાજની ગતિ તેમાં વધુ હોય છે. અત્યાર સુધી અવાજની અલગ અલગ માધ્યમમાં થતી ગતિની ઝડપ મપાઈ તો હતી પણ તેની વધુમાં વધુ ઝડપ કેટલી ? તે અંગે કોઈ શોધ થઈ ન હતી પરંતુ હવે આ અંગે સ્પષ્ટતા થઈ જતાં અનેક ક્ષેત્રે સફળતા મળશે. અવાજની વધુમાં વધુ ઝડપ દર સેક્ધડે ૩૬ કિ.મી. પ્રતિ સેક્ધડ નોંધાઈ છે. આ શોધ ભૂકંપ દરમિયાન થતુ કંપન, બ્લેકહોલનાં તરંગો, સુપરસોનિક મિસાઈલો વગેરે ક્ષેત્રે ખૂબજ ઉપયોગી નીવડશે.

આ ઉપરાંત, આ શોધથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો લાભ થશે જ પણ વાણિજય દ્રષ્ટિએ પણ ઉપયોગી નીવડશે. લોકોની બહેરાશને લઈને નવા સંશોધનો કરવામાં સરળતા રહેશે તો અવાજ પ્રદુષણને પણ અટકાવવામાં મદદરૂપ થશે. કયાંક વધુ અવાજની જરૂર છે. તો કયાંક અવાજને શાંત કરવાની પણ એટલી જ જરૂર છે કે જેથી કરી અવાજ પ્રદુષણને રોકી શકાય લંડનની કવીન મેરી યુનિવર્સિટી, કેમબ્રિજની યુનિવર્સિટી તેમજ મોરિશિસની હાઈપ્રેશર ફિઝિકસ યુનિવર્સીટીના શોધકર્તાઓએ આ અંગે તાજેતરમાં એક અહેવાલ પ્રસ્તુત કરી અવાજની વધુમાં વધુ ગતિ ૩૬ કીમી, સેક્ધડ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ઘન અથવા તરલ પદાર્થોમાં અવાજની ગતિ વધુમાં વધુ કેટલી હોઈ શકે એ સીમા હજુ ખબર ન હતી. ઘન તત્વમાં અવાજની ગતિ અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ ખૂબ મહત્વ ધરાવે છે. ભૂકંપીય ઘટનાઓની પ્રકૃતિ, પૃથ્વીની આંતરિક રચનાના ગુણો વગેરે પર સંશોધન કરવા આ અવાજની ગતિને જ ઉપયોગમાં લેવાય છે. કેમ્બ્રિજ વિશ્ર્વ વિદ્યાલયના સામગ્રી વિજ્ઞાનના પ્રોફેસર ક્રિસ પિકાર્ડે જણાવ્યું કે, અભ્યાસ પરથી એ જાણવા મળ્યું છે કે અવાજની ગતિની ઉપરી સીમા બે પરિબળો પર આધાર રાખે છે. જેમાનું એક માધ્યમની સ્થિર સંરચના અને બીજુ પ્રોટોન ટુ ઈલેકટ્રોનનો રેશિયો છે. અવાજની ગતિ ઘન પરમાણું હાઈડ્રોજનમાં સૌથી વધુ છે. આ શોધ માટે અત્યાધુનિક કવાંટમ, યાંત્રિક ગણનાનો અભ્યાસ કરાયો અને જાણવા મળ્યું કે અવાજની ગતિની ઉપરી સીમા કઠોર પરમાણું હાઈડ્રોજનમાં સૌથી વધારે છે. જે સખત પદાર્થ હીરા કરતા બેગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.