Abtak Media Google News

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે કે કેમ તે અંગે ચર્ચા વહેતી થઇ હતી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રીએ બનાસકાંઠાના પાલનપુરમાં મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો કોઇ વિચાર નથી. માસ પ્રમોશન આપવું અઘરું બની જશે કારણ કે યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા યોજાતી હોય છે.

Advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં બનાસકાંઠાના પાલનપુરમાં કોરાનાની સમિક્ષા બેઠક યોજાઇ હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સ્થિતિ સામાન્ય બન્યા બાદ ધોરણ 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હાલ પરીક્ષાની કોઇ તારીખ નક્કી કરાઇ નથી. સાથે જ તેઓએ જણાવ્યું કે ધોરણ 12 પછી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પરીક્ષા હોય છે જેથી માસ પ્રમોશન આપવું અઘરું બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં મળેલી કોર કમિટીની બેઠક બાદ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. ધો.10ના 13.5લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.