Abtak Media Google News

માંડવીયાને ‘પછાડવા’ના ખેલમાં પડદા પાછળના ‘ખેલાડી’ કોણ?

જેતપુર ખાતેની એક પ્રચાર સભામાં મૌલાના અબ્દુલ સત્તાર હમદાણીને માંડવીયા સાથે બેસાડી સોશિયલ મીડિયામાં નકારાત્મક મેસેજ ફરતા કરાયા

’ઘર કા ભેદી લંકા ઢાહે’ આ કહેવત શતયુગથી માંડી કળયુગ સુધી અવાર નવાર સાચી ઠરતી આવી છે અને તેવો જ બનાવ ભાજપના પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા સાથે બનવા પામ્યો છે. જેતપુર ખાતેની એક સભામાં મનસુખભાઇ માંડવીયા ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે સ્ટેજ એક વિવાદાસ્પદ ચેહરો અબ્દુલ સતાર હમદાણીને બેસાડી દેવામાં આવ્યા હતા. આ મૌલાના ઉશ્કેરણીજનક ભાષણ અને 1993 મુંબઈ બ્લાસ્ટ સાથે સંકળાયેલો ચહેરો છે.

લોકસભા ચૂંટણી 2024નો જંગ ખુબ જ રોચક તબક્કામાં પહોંચી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એકતરફ વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ પરસોતમ રૂપાલા વિવાદોમાં ઘેરાયેલા છે. જેનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. અધૂરામાં પૂરું પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયાને વિવાદાસ્પદ ચહેરા સાથે બેસાડી ક્યાંક અલગ જ ખેલ પાડી દેવાનો તખ્ત તૈયાર કરાયો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યુ છે.

લોકસભા ચૂંટણી અનુસંધાને સૌરાષ્ટ્રને ધ્યાનમાં લેતા રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક અત્યંત મહત્વપૂર્ણ બેઠક છે. ત્યારે આ બંને બેઠકના લોકસભા ઉમેદવારને ઠેકાણે પાડી દેવા ક્યાંક ઘરના જ મેદાને હોય તેવું લાગી રહ્યુ છે. પરસોતમ રૂપાલા વિવાદમાં ક્યાંક ઘરના જ ઘાતકી નીવડ્યા હોય તેવા અહેવાલો અગાઉ સામે આવી ચુક્યા બાદ હવે મનસુખભાઇ માંડવીયાને વિવાદાસ્પદ ચહેરા સાથે એક મંચ પર બેસાડી સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો ખેલ રચી નાખવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર આશરે ત્રણેક દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે મનસુખભાઇ માંડવિયાના પ્રચાર અર્થે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઇ માંડવીયાની સાથે પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા પણ હાજર રહ્યા હતા. આ સભા દરમિયાન સ્ટેજ પર અબ્દુલ સતાર હમદાણીને બેસાડી દેવામાં આવ્યા હતા.

હવે આ મૌલાનાની જો વાત કરવામાં આવે તો મૌલાના અબ્દુલ સત્તાર હમદાણી મનસુખભાઇ માંડવીયા સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા. ઉપરાંત મૌલાના મનસુખભાઇનું સ્વાગત કરતા હોય તેવા ફોટો પણ વાયરલ થઇ રહ્યા છે. હવે મહત્વપૂર્ણ બાબત છે કે, મૌલાના સોશિયલ મીડિયામાં બે કોમ વચ્ચે વૈમનશ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક ભાષણ આપવા પ્રખ્યાત છે. ઉપરાંત મૌલાના 1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપી રહી ચુક્યા છે.

1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરડીએક્સ પહોંચાડવાના કૃત્યમાં મૌલાના આરોપી રહી ચુક્યા છે. પોરબંદરના ગોસાબારા ગામેથી આરડીએક્સનો જથ્થો ઝડપાયો હતો જેમાં મૌલાનાનું નામ ખુલ્યું હતું. ત્યારે હવે દેશવિરોધી કૃત્યમાં જેમનું નામ શામેલ હોય તેવા ચહેરા સાથે મનસુખભાઇ માંડવીયા બેઠા હોય તેવા ફોટો-વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી નકારાત્મક મેસેજ ફરતા કરવામાં આવ્યા છે.

હવે જયારે આ પ્રકારના મેસેજ ફરતા થયાં છે ત્યારે જાણી જોઈને મૌલાનાને મનસુખભાઇ સાથે સ્ટેજ પર બેસાડી ફોટો-વિડીયો ઉતારી સોશિયલ મીડિયા મારફત બદનામ કરી નકારાત્મક પ્રચાર કરનાર ઘરના ઘાતકીઓને ઓળખી કાર્યવાહી કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે.

સામેના ઉમેદવાર કરતા પક્ષમાં રહીને પક્ષ વિરોધી વાતાવરણ ઉભું કરનરાઓને ઓળખી લેવા જરૂરી

સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી બે કે તેથી વધુ ઉમેદવારો વચ્ચે લડાતી હોય છે પણ આ લોકસભા ચૂંટણી થોડી અલગ હોય તેમ ક્યાંક ઘરના ઘાતકી સમાન પક્ષમા રહીને જ પક્ષવિરોધી કૃત્ય કરતા લોકો સામે પ્રથમ લડવાની જરૂરિયાત ઉભી થઇ છે. મનસુખભાઇ માંડવીયાનવા જે રીતે મૌલાના સાથે એક મંચ પર બેસાડી સોશિયલ મીડીયામા મેસેજ ફરતા કરનારાઓને ઓળખી યોગ્ય કાર્યવાહી કર્યા બાદ સામેના ઉમેદવાર સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવવું પડે તેવી સ્થિતિ ઉદભવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.