Abtak Media Google News

જૂનાગઢ જિલ્લામાં હાલમાં મનપામાં વોર્ડ નંબર ૧૫ અને વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણીમાં ૨૧ ફેબ્રુઆરી રવિવારે મતદાન થવાનું છે. જેમાં મનપામાં વોર્ડ નંબર ૧૫ અને વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણીના મતદાન મથકો અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં જૂનાગઢમાં ૪૦ મતદાન મથકમાંથી ૨ સંવેદનશીલ, ૧૫ અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. આ મતદાન મથકોની યાદી કરી રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરને જાણ કરાઇ છે. જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ૬ અને ૧૫ ની પેટા ચૂંટણી યોજાનાર છે. આ સંબંધિત સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા ચૂંટણીને લઇ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. તે દરમિયાન વોર્ડ નંબર ૬ અને ૧૫ માં મળી કુલ ૪૦ મતદાન મથકો છે. આમાંથી ૨ મતદાન મથકો સંવેદનશીલ છે, જ્યારે ૧૫ મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. આમ, ૪૦ મતદાન મથકોમાંથી ૧૭ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી શાંતિપૂર્ણ રીતે મતદાન થઇ શકે.જુનાગઢ  મ્યુનિસિપલલ કોર્પોરેશનની પેટા ચૂંટણી દરમિયાન લોકો નિર્ભય પણે મતદાન કરે, તે માટે  પોલીસે લોકો વચ્ચે જઈને લોકો મતદાન પર્વને કોઈપણ જાતના સુલેહશાંતિના ભંગ વગર ઉજવે તે માટે લોખંડી બંદોબસ્ત જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવેલ છે. જુનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ શહેરમાં ખાસ કરીને વોર્ડ નં.૧૫ મા કોઈ અસામાજિક તત્વો દ્વારા ગરબડી કરવામાં ના આવે તે માટે સંવેદનશીલ મતદાન મથકમાં ખાસ પોલીસ સબ ઇન્સ તેમજ હથિયાર ધારી પોલીસ તેમજ એસઆરપી ખાસ ગોઠવવામાં આવેલ છે. આ વિસ્તારમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.વી.ડામોર, એચ.એસ.રતનું સહિત ત્રણ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સુપરવિઝન સોંપવામાં આવેલ છે. તેમજ રાઉન્ડ ધ ક્લોક મોબાઈલ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે.પેટા ચૂંટણીના બંદોબસ્ત માટે ડીવાયએસપી ૦૩, પીઆઇ ૦૫, પીએસઆઇ ૧૭, પોલીસ ૨૦૫, હોમગાર્ડ ૨૨૦, આશરે ૨૫ પોલીસ અધિકારીઓ તથા ૫૦૦ જેટલા પોલોસ હોમગાર્ડ જવાનો તેમજ એક કંપની એસઆરપી તૈનાત કરવામાં આવેલ છે. ઉપરાંત, આ વિસ્તારમાં સુપર કોપ બાઇક ઉપર પણ હથિયાર સાથેના પોલીસ જવાનોનું સઘન પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલ છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પીઆઇ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, સહિતના અધિકારીઓને પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ નજર રાખવા તૈનાત કરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર વિસ્તારમાં પાથરી દેવામાં આવેલ છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં આ વખતે મતદાન કરવા આવતા લોકોને ચેક કરી, પીધેલા મળી આવતા લોકોને પકડવા એક ખાસ મોબાઈલ રાખી, જેમાં પીએસઆઇ સહિતના કાફલાને તૈનાત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.