Abtak Media Google News

અમદાવાદથી પ્રદેશ કારોબારી મિટિંગ પૂરી કરી

પરત ફરતી વેળાએ બેટી ગામ પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા બે ઘાયલ 

રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષીને સાચી પુરવાર થઈ છે. જેમાં અમદાવાદથી કારોબારી બેઠક પૂરી કરી પરત ફરી રહેલા પૂર્વ ધારાસભ્ય અને કાર્યકરોને બેટી ગામ નજીક અકસ્માત નડતાં બે કોંગી અગ્રણીઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી તથા વિસાવદર કોંગ્રેસ ઉમેદવાર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ નારણભાઈ વાડોદરિયા, મહેન્દ્રભાઈ સાગર અને ભગવાનભાઈ રૂગનાથભાઈ કાનાબાર સહિતના લોકો અમદાવાદથી પરત જૂનાગઢ જઈ રહ્યા હતા.

તે દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને તેમની સાથેના લોકોએ ચોટીલા હોલ્ડ કરી ફરી જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું હતું. જે દરમિયાન તેમની કાર બેટી ગામ નજીક પહોંચી ત્યારે અચાનક ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કારની આગળ બેઠેલા ડ્રાઈવર અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષીનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે પાછળ બેઠેલા વિસાવદર કોંગ્રેસના ઉમેદવાર કરસનભાઈ વાડોદરિયાને ઇજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.