Abtak Media Google News

મનપાએ ગણેશજીની પીઓપીની પ્રતિમાઓનાં વેચાણ પર પ્રતિબંધ લાદયો પરંતુ હવે શું ચેકીંગ હાથ ધરાશે?

હિંદુ કેલેન્ડર અનુસાર ભાદ્રપદ મહિનાની શુકલ ચતુર્થીથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર શરુ થાય છે. આ દરમિયાન ભકતો દુંદાળા દેવને વાજતે ગાજતે ઘરે લાવે છે. અને અનંત ચર્તુદશીના દિવસે દુંદાળા દેવને વિદાય આપે છે. લોકો ગણપતિને આસ્થા સાથે ભાવભેર ઘરે લાવી પુજન અર્ચન કરે છે. પરંતુ હાલ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ બનાવવામાં આવે છે. જેના કારણે પાણી પ્રદુષિત થાય છે અને પર્વાવરણને નુકશાન થાય છે ત્યારે જામનગર મહાનગરપાલિકાએ પ્લાસ્ટર ઓફ  પેરીસના ગણપતિજીની મુર્તિના વેચાણ પર પ્રતિબંધ લાદયો છે.

જામનગર મહાનગર પાલિકાએ ઘણા દિવસો પહેલાં જ જાહેરાત કરી દીધી છે કે, શહેરમાં કયાંય પણ ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાનુ નિર્માણ કરવું નહીં, વેંચાણ કરવું નહીં અને સ્થાપના કરવી નહીં. જો આ પ્રતિબંધનો ભંગ કરવામાં આવશે તો આ પ્રતિબંધીત પ્રતિમાઓ કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવશે. આમ, છતાં અચરજની વાત એ છે કે, શહેરમાં છડેચોક પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશ પ્રતિમાઓનું વેંચાણ થઇ રહ્યું છે.

જામનગર મહાનગર પાલિકાએ ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમા વેંચાણ અને સ્થાપન અંગે પ્રતિબંધ જાહેર કર્યો ત્યારે વન વિભાગના કાયદાની કલમો ટાંકીને મોટી મોટી વાતો કરી હતી. પરંતુ શહેરમાં પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશ પ્રતિમાઓનું છડેચોક વેંચાણ થઇ રહ્યું હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેને કારણે નગરજનો કોર્પોરેશનની એસ્ટેટ શાખા સહીતના સમગ્ર તંત્રને શંકાની દ્રષ્ટીથી જોઇ રહ્યા છે.

કોર્પોરેશને આ પ્રતિબંધ જાહેર કર્યો ત્યારે એવી જાહેરાત કરી હતી કે, વન વિભાગના માર્ગદર્શન અનુસાર શહેરમાં દરેક સ્થળે ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવું જરૂરી છે. કોઇપણ શહેરીજન કે મૂર્તિકાર મૂર્તિનુ વેંચાણ કે ખરીદી કરે ત્યારે આ મૂર્તિઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગાઇડ લાઇન અનુસાર ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવે તે જોવુ જરૂરી છે. મૂર્તિકારોએ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ ન બનાવવી તેમજ તેનું વેંચાણ ન કરવું, આ સમયે કોર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે, ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના 12/07/2011ના ડાયરેકશન મુજબ પર્યાવરણ રક્ષણ એકટ 1986ના સેકશન નં. 5 તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના 2015ના એપ્લીકેશન નં. 102 હેઠળના હુકમ મુજબ વખતો વખત જે માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે જેનું સૌએ પાલન કરવાનું રહેશે.

આ પ્રતિબંધ જાહેર કરતી વખતે કોર્પોરેશને એમ પણ કહ્યું હતું કે, મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી અને ગારાનો જ ઉપયોગ કરવાનો રહેશે.

આ ઉપરાંત મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણ યુકત ટોકસીક અને વાતાવરણને પ્રદૂષીત ન કરે તેમજ પાણી અને જમીનને નુકશાનકર્તા ન હોય તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે.

મૂર્તિકારો લોકોને શું સમજાવે છે ?!

જામનગરના નગરજનો રણજીતસાગર રોડ સહીતના વિવિધ સ્થળોએ ગણેશજીની પ્રતિમા ખરીદી કરવા જાય છે ત્યારે મૂર્તિકારો તેઓને પ્રથમ પ્રશ્ર્ન એ પૂછે છે કે, તમારે ગણેશજીની પ્રતિમાનું જાહેરમાં સ્થાપન કરવું છે કે ઘરે બેસાડવા છે ? જો ઘરમાં ગણેશજી બેસાડવાના હોય તો માટીની મૂર્તિઓ લઇ જાવ કારણ કે તમારે વિસર્જન પણ ઘરે કરવાનું હોય છે. અને જે લોકોને જાહેરમાં ગણેશજીની સ્થાપના કરવાની હોય તેઓને આ મૂર્તિકારો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ પણ વહેંચે છે. મૂર્તિકારો કહે છે કે, આ પ્રકારના મંડળોએ દરિયાના ખારા પાણીમાં પ્રતિમાઓનું વિસર્જન કરવાનું હોય છે અને ખારા પાણીમાં પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમા ઓગળી જાય છે. તેથી તેનું વેંચાણ કરવામાં આ મૂર્તિકારોને કોઇ સમશ્યા નથી. ? આમ કોર્પોરેશનની મનાઇ છતાં મૂર્તિકારો છડેચોક પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓનું વેંચાણ કરી રહ્યા છે. છતાં કોર્પોરેશન દ્વારા આ પ્રતિમાઓ જપ્ત કરવામાં આવતી નથી. અને પ્રતિબંધના ભંગ બદલ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી લોકોમાં એવો પ્રશ્ર્ન છે કે, કોર્પોરેશન મૂર્તિકારો પાસેથી તોડ તો નથી કરતું ને ?!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.