Abtak Media Google News

મમતાનું મમત્વ: દીદીએ કોંગ્રેસના ફાડીયા કરવાના શ્રી ગણેશ કર્યા?

કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ નેતાઓએ આપેલા સૂચનો અને સલાહને બળવા તરીકે જુએ છે: ગુલામ નબીએ વ્યક્ત કરી નારાજગી

મમતા બેનર્જી કોંગ્રેસના ફાડીયા કરવામાં મિશન ઉપર નીકળી પડયા છે. ત્યારે ગુલામ નબી આઝાદ થકી તેઓએ તેમના મિશનના શ્રી ગણેશ કરી દીધા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. મમતા છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ સામે આક્ષેપો ઉપર આક્ષેપો કરી રહી છે. આ અરસામાં જી 23 સમૂહના નેતા ગુલામ નબી આઝાદે પણ સામે આવી કોંગ્રેસના નેતૃત્વ ઉપર સવાલો કરતા હવે એવો સવાલ ઉભો થયો છે કે શું ગુલામ નબીની “આઝાદી” જી-23ને મમતા સાથે જોડી દેશે?

Advertisement

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા જી-23ના સભ્ય ગુલામ નબી આઝાદે ફરી એકવાર ઈશારામાં રાહુલ અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે.  આઝાદે કહ્યું છે કે વર્તમાન પેઢી સૂચનોને ધ્યાન આપતી નથી. તેમણે એમ પણ કહ્યું કે આ સૂચનો ભલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા આપવામાં આવે, પરંતુ તેને માત્ર ગુના અને બળવા તરીકે જ જોવામાં આવે છે.

જી 23 એ કોંગ્રેસમાં સુધારાની હિમાયત કરનારા 23 નેતાઓના જૂથનો એક ભાગ છે. તેના સભ્ય ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, જ્યારે રાજીવજીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ઈન્દિરા ગાંધીએ અમને બંનેને બોલાવ્યા હતા અને રાજીવને કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ કદાચ કોઈ વાત માટે ના કહી શકે છે. પરંતુ તેનો અર્થ કોઈ અનાદર નથી, તે પક્ષ માટે સારું  જ હશે. પણ આજે આ મુદ્દો કોઈ સાંભળવા તૈયાર નથી. કોઈ વાતમાં ના કહેવાને કારણે હવે તમારું મહત્વ રહેતું નથી. તેમણે વધુમાં કહ્યું, અમે પક્ષના સર્વસમાવેશક સુધારા માટે સુધારાઓ આપીએ છીએ.  અમારામાંથી કોઈને પાર્ટીમાં પદ જોઈતું નથી. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે પાર્ટીનું પ્રદર્શન સુધરવું જોઈએ. આ એવો સમય છે જ્યારે શાસક પક્ષ મજબૂત છે અને વિપક્ષ નબળો છે.  નબળા વિપક્ષનો શાસક પક્ષને ફાયદો થાય છે.

તાજેતરમાં, જ્યારે આગામી લોકસભા ચૂંટણીમાં 300 બેઠકો નહીં જીતવાના કોંગ્રેસના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે આઝાદે કહ્યું, “અત્યાર સુધી, પાર્ટીને માત્ર એક જ વાર મોટી બહુમતી મળી જ્યારે ઈન્દિરા આગેવાની કરી રહી હતી. પોતાને કટ્ટર કોંગ્રેસી ગણાવતા આઝાદે પોતાની નવી પાર્ટી બનાવવાની અટકળોને ફગાવી દીધી હતી.  જો કે, તેમણે એમ પણ કહ્યું કે રાજકારણમાં ક્યારે શુ થશે તે કોઈને ખબર નથી.

શું મમતા ભરોસો જીતી શકશે?

બંગાળમાં ટેરેટરી સ્થાપવામાં સફળતા મેળવનાર મમતાએ હવે પોતાની ટેરેટરીના સીમાડા વટાવ્યા છે. તેઓ દેખીતી રીતે તો દેશભરમાં ટીએમસીને વિસ્તારવા નીકળી પડ્યા છે. પણ અંદરખાને શુ રંધાઈ રહ્યું છે તે હજુ સતાવર તો જાહેર થયું નથી. રાજકારણ ખૂબ ઊંડું હોય છે. એટલે હાલ જે જાહેર થયું છે કે મમતા કોંગ્રેસનો વિકલ્પ બનીને ભાજપ સામે લડવા નીકળી છે.  તે વાત તો અર્ધ સત્ય જ હશે એ સ્પષ્ટ છે.

હાલના મમતાના પ્રયાસો કોંગ્રેસને તોડવાના છે તે ચિત્ર પણ સામે આવી ગયું છે. પણ તે ભાજપ સામે લડવા આ કરી રહી છે કે ભાજપને ફાયદો કરાવવા આ પ્રશ્ન ગાઢ બન્યો છે. હવે મમતા કોંગ્રેસના ફાડીયા કરવામાં તેનાથી નારાજ નેતાઓનો વિશ્વાસ જીતી શકશે કે શું ? તેના ઉપર સૌની નજર મંડરાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.