Abtak Media Google News

નરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય નેતા સામે સ્વચ્છ છબી ધરાવતા નીતિશને વિપક્ષો આગળ કરે તેવી ધારણા: ૨૦૧૯ લોકસભા સુધીમાં અનેક પ્રકારની તોડજોડ થશે

૨૦૧૯ લોકસભા ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો કરી રહ્યાં છે. ચૂંટણીમાં મહાગઠબંધન સાથે જોડાવું કે ભાજપનો સાથ આપવો તે અંગે રાજકીય પક્ષોમાં ચિંતન ચાલી રહ્યું છે. કોંગ્રેસનું મહાગઠબંધન વડાપ્રધાન મોદી સામે ઉભો રહી શકે તેવા ચહેરા તરીકે રાહુલ ગાંધીને જુએ છે પરંતુ રાહુલ ગાંધી તમામ સ્થળે સ્વીકાર્ય નથી. ઘણા સ્થળે રાહુલ ગાંધીને સુકાન સોંપવાનો પ્રબળ વિરોધ થાય છે. માટે રાહુલની જગ્યાએ અન્ય વિકલ્પ કોણ હોઈ શકે તે પણ મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નના જવાબ તરીકે નીતિશકુમાર ઉભરી આવ્યા છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને ગત લોકસભા ચૂંટણીથી નરેન્દ્ર મોદીના હરીફ માનવામાં આવે છે. હાલ તો વિપક્ષો પાસે મોદી સામે ટકી શકે તેવા ચહેરાની ખોટ છે. આ ખોટ નીતિશકુમાર ભરી દે તેવી શકયતા છે. નીતિશકુમાર પણ લોકસભા ચૂંટણી નજીક આવતા પડખા ફેરવી રહ્યાં છે. હાલ તો નીતિશકુમાર બિહારની પ્રજાના નામે કેન્દ્ર સરકાર ઉપર માછલા ધુવે છે. બિહારમાં આવેલા પુરમાં રાહત માટે ૭૦૦૦ કરોડની માંગણી નીતિશકુમારે કેન્દ્ર સમક્ષ કરી હતી. જેમાંથી માત્ર ૧૨૦૦ કરોડ જ અપાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આગામી લોકસભા ચૂંટણીમાં લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી સામે સ્વચ્છ છબી ધરાવતો નેતા ઉતારવો પડશે માટે વિપક્ષો પાસે ઓછા વિકલ્પ છે. વિપક્ષો લોકસભા ચૂંટણી નજીક આવે ત્યાં સુધીમાં નીતિશકુમારને પોતાના કેમ્પમાં સમાવી લેવા પ્રયાસ શરૂ‚ કરશે. વિપક્ષ પાસે રાહુલ ગાંધીની આગેવાનીમાં ચૂંટણી લડવાનો પણ વિકલ્પ છે. જો કે રાહુલ ગાંધી સાઉ ઈન્ડિયા તેમજ અન્ય કેટલાક રાજયમાં નેતા તરીકે સ્વીકાર્ય ન હોવાનું ચર્ચાય છે. બીજી તરફ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા વધુ લોકસભા સીટો ધરાવતા રાજયમાં નીતિશને લોકો ઓળખે છે. માટે બેઠકોના હિસાબ-કિતાબ બાદ નીતિશને મોદી સામે ઉભા રાખવામાં આવે તેવી ધારણા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.