Abtak Media Google News

મધ્ય પ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસે પણ પ્રિયંકાને રાજયસભામાં મોકલવા તૈયારી દર્શાવી !

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસની છેલ્લા થોડા દાયકાથી માઠી બેઠી હોય તેમ સતત પીછેહઠ થઈ રહી છે. કોંગ્રેસ પક્ષ પર દાયકાઓથી નહેરૂ-ગાંધી પરિવારનો કબ્જો હોય પાર્ટીના વડામાં રાજકીય કુનેહ અને દીર્ધદ્રષ્ટિના અભાવના કારણે પક્ષમાં આંતરિક જુથબંધી ચરમસીમાએ પહોચી જવા પામી છે. પાર્ટી હાઈકમાન્ડમાં ચમચાગીરી કરનારા નેતાઓની ફોજનો દબદબો હોય પાર્ટીની નવી સક્ષમ કેડર બની શકી નથી જેના કારણે કોંગ્રેસ પાર્ટી હવે જયાં પણ જીતે છે ત્યાં પોતાના બળે નહીં પરંતુ ભાજપના વિકલ્પે જીતી રહી છે રાહુલના રાજીનામા બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા બનેલા સોનિયા ગાંધીની તબીયત નાદુરસ્ત રહેતી હોય પાર્ટીના નવા અધ્યક્ષ પદ માટે ગાંધી પરિવારના બે દાવેદારો રાહુલ કે પ્રિયંકાને બેસાડવાની કવાયત ચાલી રહી છે. દરમ્યાન પ્રિયંકાને સંસદીય કાર્યપ્રણાલીનો અનુભવ આપવા રાજયસભામાં સાંસદ તરીકે મોકલવા હાઈકમાન્ડ વિચારણા કરી રહ્યું છે. રાજયસભામાં સાંસદ તરીકે મોકલવા હાઈકમાન્ડ વિચારણા કરી રહ્યું છે.

રાજયસભાની ખાલી પડનારી બેઠકો માટે આગામી ૨૬મીએ ચૂંટણી યોજાનારી છે ત્યારે કોંગ્રેસ શાસીત મધ્યપ્રદેશમાં ચાર બેઠકો જયારે ભાજપ શાસીત ગુજરાતમાં ચાર બેઠકો પર ચૂંટણી યોજાનારી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તાજેતરમાં પ્રિયંકા ગાંધીને તેની એક બેઠક પર ચૂંટીને રાજયસભામાં મોકલવાની તૈયારી દર્શાવી હતી જે બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ પ્રિયંકાને ગુજરાતમાંથી રાજયસભામાં મોકલવા ઉત્સુકતા દાખવી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓએ પાર્ટી હાઈકમાન્ડને જાણ પણ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ જોઈએ તો કોંગ્રેસ ચારમાંથી બે બેઠકો જીતી શકે તેમ છે. જેથી પાર્ટીના પદાધિકારીઓએ દિલ્હી હાઈકમાન્ડને આ વિનંતી કરી છે.

2.Banna

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓએ પાર્ટી હાઈકમાન્ડ કરેલી વિનંતી પાછળ ઉદેશ્ય એવો છે કે પ્રિયંકાને ગુજરાતમાંથી રાજયસભામાં મોકલવામાં આવે તો તેમનું ગુજરાત સાથે સીધુ કનેક્શન જોડાઈ જાય જેથી પાર્ટીના નેતા કાર્યકરોમાં નવુ માનસીક મનોબળ સંચારીત થાય પાર્ટી હાઈકમાન્ડમાં ગુજરાતનો નવો અવાજ ઉભો થાય ઉપરાંત ભાજપપક્ષે વડાપ્રધાન અને ગૃહમંત્રી પદ ગુજરાતને આપ્યું છે ત્યારે પ્રિયંકાને ગુજરાતમાંથી રાજયસભામાં મોકલીને તેમના પર રાજકીય દબાણ ઉભગુ કરવાનો કોંગ્રેસ પક્ષનો વ્યૂહ છે. ઉપરાંત પ્રિયંકા ગુજરાતમાં સક્રિય થવાથી હાલ પ્રદેશ કોંગ્રેસમાં ચાલતી બેફામ જુથબંધી ઉપર કાબુ રાખી શકાય.

રાજયસભા ચૂંટણીને લઈ કોંગ્રેસમાં વધુ એક ભાંગતુટ અટકાવવા પ્રિયંકાને લડાવવાની યોજના

રાજયસભાની આગામી ૨૬મી માર્ચે યોજાનારી ૫૮ બેઠકોની ચૂંટણી માટે તા.૧૩મી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જેમાં ગુજરાતની ચાર બેઠકો પર ચૂંટણી યોજાનારી છે ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદનાં સમયકાળ પૂર્ણ થયા બાદ તે સ્થાનો પર નવા સાંસદો ચૂંટાશે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા રાજયસભામાં ભાજપ બે અને કોંગ્રેસ બે સાંસદોને ચૂંટીને મોકલીશકે છે. જો કોંગ્રેસ ગત રાજયસભાની ચૂંટણીની જેમ ભાંગતૂટ ન થાય તો જ કોંગ્રેસ બે બેઠકો જીતી શકે તેમ છે. જેથી આવી ભાંગતુટ અટકાવવા પણ પ્રિયંકાને ગુજરાતમાંથી લડાવવા પ્રદેશ કોંગ્રેસે માંગ કરી છે. આ અંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રિયંકા ગાંધીને રાજયસભામાંથી લડાવવાની માંગ કરી હોવાની રજૂઆત થયાની પુષ્ટી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.