Abtak Media Google News

56 નહિ 156ની છાતી?

યુનિફોર્મ સિવિલ કોડ બિલના સમર્થનમાં 63 મત અને વિરોધમાં 23 મત પડ્યાં

’એક દેશ એક કાયદો’ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ(સમાન નાગરિકત્વ ધારો)ની અમલવારી માટે દેશભરમાંથી માંગ ઉઠી ચુકી છે. અનેક વાર સમાન નાગરિકત્વ ધારા અંગેનો મુદ્દો રાષ્ટ્રીય મંચ પર ચર્ચાઈ ચુક્યો છે ત્યારે હવે સમાન નાગરિકત્વ ધારાની અમલવારીની દિશામાં પગલાં માંડી દેવામાં આવ્યા છે. રાજ્યસભામાં ભાજપના સાંસદે સમાન નાગરિકત્વ ધારાનું બિલ રજૂ કરી દીધું છે. જેના સમર્થનમાં 63 મત અને વિરોધમાં 23 મત પડ્યા હતા.

દેશભરમાં સમાન નાગરિકત્વ ધારો અમલી બનાવવાની એટલી જ જરૂરિયાત છે જેટલી કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવવી જરૂરી હતી. હાલ ’વિવિધતામાં એકતા’ના દેશ તરીકે ઓળખાતું ભારત દેશમાં અનેક ધર્મ અને સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે તમામ ધર્મના અલગ અલગ કાયદા અને કાનૂન હોવાથી અનેક વિસંગતતા ઉભી થતી હોય છે. ઉદાહરણ સ્વરૂપે વાત કરવામાં આવે તો હિન્દૂ મેરેજ એક્ટમાં રહેલી જોગવાઈઓની સામે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નિયમો બિલકુલ વિપરીત હોવાથી કાનૂની ભારે વિસંગતતા ઉભી થતી હોય છે ત્યારે હવે દેશભરમાં એકસમાન કાયદાની અમલવારી કરવી અત્યંત જરૂરી હોવાથી હવે કેન્દ્ર સરકાર સમાન નાગરિકત્વ ધારાની અમલવારી તરફ આગળ વધી રહી છે.

જો કે, સમાન નાગરિકત્વ ધારાની અમલવારી કેન્દ્ર સરકાર માટે ખૂબ આકરી પરીક્ષા સાબિત થાય તો નવાઈ નહીં. સમાન નાગરીત્વ ધારાનું બિલ રાજ્યસભામાં રજૂ થતાની સાથે જ વિરોધ વંટોળ શરૂ થઈ ગયો હતો. બિલનો પ્રસ્તાવ મુકતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ, જનતા દળ સહિતના પક્ષોએ ગૃહનું વોકઆઉટ કરી દીધું હતું. વિરોધ ઉભો થતા ગૃહના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વોઇસ વોટ કરવા જણાવ્યું હતું અને સમાન નાગરિકત્વ ધારાના સમર્થનમાં 63 મત જ્યારે વિરોધમાં 23 મત પડ્યા હતા.

યુનિફોર્મ સિવિલ કોડ પર પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ થયા બાદ રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. આ ખાનગી સભ્ય બિલ ભાજપના સભ્ય કિરોડી લાલ મીણાએ રજૂ કર્યું હતું. જો કે, તેમનું ધ યુનિફોર્મ સિવિલ કોડ ઇન ઇન્ડિયા બિલ, 2020 રાજ્યસભામાં વિપક્ષી સભ્યોના ઉગ્ર વાંધાઓ વચ્ચે મતોના વિભાજન પછી રજૂ કરવામાં આવ્યું હતું.

આ બિલ રજૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કિરોડી લાલ મીણા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવની તરફેણમાં 63 અને વિરોધમાં 23 મત પડ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસ, બીજુ જનતા દળ અને વાયસીઆરસીપીના સભ્યો વિભાજન પહેલા કશું બોલ્યા વિના ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખરે બિલ રજૂ કરવા માટે મીણાનું નામ બોલ્યું. ત્યારે વિપક્ષના ઘણા સભ્યોએ તેમનો વિરોધ કર્યો.

રાજ્યસભાના અધ્યક્ષ ધનખરે કહ્યું કે આ ગૃહ ચર્ચા માટે છે અને બિલ રજૂ કરવાનો અને પોતાના મનની વાત કહેવાનો દરેક સભ્યનો અધિકાર છે. તેમણે કહ્યું કે કેટલાક સભ્યોએ આ બિલની રજૂઆતનો વિરોધ કર્યો છે. પરંતુ બધું પ્રક્રિયા હેઠળ હશે. ગૃહના નેતા પીયૂષ ગોયલે વિપક્ષના વિરોધને ફગાવી દેતા કહ્યું કે આ બિલ બંધારણના નિર્દેશક સિદ્ધાંતોને અનુરૂપ છે. તેમણે કહ્યું કે વિપક્ષી સભ્યો બિલનો વિરોધ કરવા માટે બંધારણ સભાના સભ્યોના નામનો ખોટો ઉલ્લેખ કરી રહ્યા છે. એમડીએમકેના વાઈકોએ કહ્યું હતું કે ભારત ઘણા વિચારો અને ભાષાઓ અને ધર્મોનો દેશ છે. આ બિલ ભાજપનો એજન્ડા છે. આ સબમિશનને મંજૂરી આપવી જોઈએ નહીં. સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવે કહ્યું કે આ બિલ મૂળભૂત અધિકારો 26-બી અને 29-1ની વિરુદ્ધ છે.

  • સ્ત્રીના રજસ્તવના આધારે લગ્નની ઉંમર નક્કી ન કરી શકાય

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સગીર મુસ્લિમ યુવતીઓના મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નોટિસ જારી કરીને મુસ્લિમ યુવતીઓ કે જેઓ પુખ્ત વયે પહોંચતા પહેલા લગ્ન કરે છે તેવી યુવતીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે તેવું નોંધીને સુપ્રીમ કોર્ટ નોટીસ જારી કરી છે. આ મામલો ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની બનેલી બેંચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ પર્સનલ લો મુજબ યુવતી જ્યારે રજસત્વ પામી એટલે તે લગ્ન કરવા માટે સક્ષમ છે તેવું માનવામાં આવે છે અને તે મુજબ 15 વર્ષની તરુણાવસ્થામાં જ મુસ્લિમ યુવતીઓના લગ્ન કરી દેવામાં આવે છે પરંતુ સામે ભારતીય બંધારણ હેઠળ કોઈ પણ યુવતી 18 વર્ષની ઉંમરે જ પુખ્ત માનવામાં આવે છે અને ત્યારબાદ જ તેણીના લગ્ન કરી શકાય છે. અરજીમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યુવતી રજસત્વ પામી ચુકી છે તેના આધારે લગ્નની ઉંમર નક્કી કરી જ શકાતી નથી. તે બંધારણના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન છે. જે મામલે સુપ્રીમ કોર્ટએ નોટીસ ઇસ્યુ કરી 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

  • છૂટાછેડા અધિનિયમની કલમ 10એ રદ્દ કરતું કેરળ હાઇકોર્ટ
  • છૂટાછેડા માટે સહમતી હોય છતાં એક વર્ષનો સમયગાળો શા માટે?

Key Judicial Decisions On Divorce Cases In India - Ipleaders

કેરળ હાઈકોર્ટે શુક્રવારે મોટો નિર્ણય ચુકાદો આપ્યો છે.  કોર્ટે ખ્રિસ્તીઓને લાગુ પડતા છૂટાછેડા અધિનિયમ,1869ની જોગવાઈને ફગાવી દીધી હતી જેમાં છૂટાછેડા માટે અરજી કરતા પહેલા પતિ-પત્નીએ ઓછામાં ઓછા એક વર્ષ માટે અલગ-અલગ રહેવાની ફરજ પાડી હતી. કોર્ટે આ મામલે ચુકાદો આપતા કહ્યું હતું કે, જો પતિ અને પત્ની બંને સહમતીથી અલગ થવા માંગતા હોય તો પછી પણ એક વર્ષનો કુલિંગ પિરિયડ ફરજિયાત ઠોકી બેસાડવાનો અર્થ શું છે ? કોર્ટે કુલિંગ પિરિયડની વ્યાખ્યા કરતા જણાવ્યું છૂટાછેડાનો નિર્ણય આવેશ કે ક્ષણિકમાં ગુસ્સામાં આવીને ઉતાવળમાં ન લેવાય તેના હેતુથી કુલિંગ પિરિયડ રાખવામાં આવ્યો હતો પણ જયારે બે પુખ્ત લોકો આ નિર્ણય સહમતીથી લેતા હોય ત્યારે કુલિંગ પિરિયડની જરૂરીયાત રહેતી નથી.  ત્યારબાદ કોર્ટે છૂટાછેડા અધિનિયમની કલમ 10-એને ફગાવી દીધી હતી જે કલમ હેઠળ એક વર્ષ માટે અલગ રહ્યા વગર છૂટાછેડા માટે અરજી કરવાનું ગેરકાયદેસર બનાવ્યું હતું.  કોર્ટે સ્વીકાર્યું હતું કે આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ જ કાયદા હેઠળ છૂટાછેડા માટે અરજી કરતા પહેલા પતિ-પત્નીએ બે વર્ષ માટે અલગ રહેવું પડતું હતું, પરંતુ 2010 માં કેરળ હાઈકોર્ટે આ સમયગાળો ઘટાડીને એક વર્ષ કરી દીધો હતો. હવે હાઈકોર્ટે દંપતીની એક વર્ષની અલગ રહેવાની શરત રદ કરી છે. આટલું જ નહીં કોર્ટે કેન્દ્ર સરકારને લગ્નના વિવાદોમાં પતિ-પત્નીના સામાન્ય કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે દેશમાં લગ્ન માટેના કાયદા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

  • કોમન સીવીલ કોડની જેમ લગ્નની ઉંમર પણ એકસમાન કરવા સરકારને સુપ્રીમનું આહ્વાન

 

રાષ્ટ્રીય મહિલા આયોગે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને વિનંતી કરી છે કે તમામ ધર્મોમાં મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર એકસરખી હોવી જોઈએ.  અરજીમાં મુસ્લિમ પર્સનલ લોમાં મહિલાઓની લગ્નની ઉંમર વધારવાની માંગ કરવામાં આવી છે.રાષ્ટ્રીય મહિલા આયોગ(એનસીડબ્લ્યુ)એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે દેશમાં મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર એક હોવી જોઈએ. ભલે તેઓ કયા ધર્મના હોય અથવા તેમનો અંગત કાયદો શું હોય તે બાબત ગૌણ હોવી જોઈએ.  આ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં ભારતીય કાયદા અનુસાર મુસ્લિમ પર્સનલ લોમાં મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારવાની માંગ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે માંગ કરી છે કે તમામ સમુદાયો અને ધર્મોની તમામ છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું છે કે મુસ્લિમ પર્સનલ લો સિવાયના અંગત કાયદાઓ અનુસાર પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહિલાઓ માટે 18 વર્ષ છે. મુસ્લિમ પર્સનલ લો મુજબ છોકરી 15 વર્ષની ઉંમરે લગ્ન માટે લાયક બને છે.

  • મુસ્લિમ લો મુજબ છોકરીની લગ્નની ઉંમર 15 વર્ષ પણ પોકસો એક્ટ હેઠળ 18 વર્ષથી નીચેની યુવતી સાથે શરીર સંબંધ બાંધવો કાયદેસરનો ગુન્હો!!

રાષ્ટ્રીય મહિલા આયોગનું કહેવું છે કે છોકરીઓની બહુમતી હાંસલ કરતા પહેલા લગ્ન ન કરવા જોઈએ.  સગીર મુસ્લિમ છોકરીઓના લગ્ન રોકવા માટે શિક્ષાત્મક કાયદા લાગુ કરવા જોઈએ. ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખાસ કરીને છોકરીઓને જાતીય હુમલા જેવા ગુનાઓથી બચાવવા માટે પોકસો એક્ટ (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012) છે. આઈપીસી અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારિરીક સંબંધ એ “બળાત્કાર”ની શ્રેણી હેઠળ ગુનો છે. કોઈપણ જાતીય પ્રવૃત્તિ માટે સગીર છોકરીની સંમતિ કાયદાની દૃષ્ટિએ માન્ય નથી. બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 હેઠળ 21 વર્ષથી ઓછી ઉંમરના પુરૂષ અને 18 વર્ષથી ઓછી વયની સ્ત્રીના લગ્ન એ સજાપાત્ર ગુનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.