Abtak Media Google News
  • પિતા બન્યાના ગણતરીના કલાકોમાં જ યુવાને જીવન ટૂંકાવવા પરિવારમાં કરૂણાંતિકા સર્જાઈ
  • ફાયર બ્રિગેડના જવાનોની બે દિવસની જહેમત બાદ મૃતદેહ હાથ આવ્યો: પિતાએ બેરોજગાર પુત્રને ઘરમાંથી કાઢી મૂકતાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ

બે દિવસથી આજીડેમની ખાણમાં લાપતા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તુરંત તેને પીએમ અર્થે ખસેડ્યો હતો. ભીમરાવનગરમાં રહેતા યુવાને પોતાના નાના ભાઈને ફોન કરી આપઘાત કરવા જવાનું કહી નાના ભાઈની નજર સામે જ આજીડેમમાં ઝંપલાવ્યું હતું. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગ જવાનોએ દોડી જઇ બે દિવસથી લાપતા યુવાનને બહાર કાઢતા માત્ર મૃતદેહ જ હાથ આવ્યો હતો. મૃતક પિતા બન્યાના કલાકોમાં જ યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં કરુણાંતિકા સર્જાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડાડુંગર પાસે ભીમરાવ નગરમાં રહેતા વિશાલ દિનેશભાઈ કુકડિયા (ઉ.વ.25)એ બે દિવસ પહેલા તેના ભાઈને ફોન કરી “હું આપઘાત કરવા જાવ છું” તેમ કહી બાઈક લઇ નીકળતા તેના નાના ભાઈ સાગરે પણ મોટા ભાઈ કોઈ એવું પગલું ન ભરે તે માટે સમજાવવા જતા તેની નજર સામે જ પાણી ભરેલી ખાણમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ફાયર બ્રિગેડ સ્ટાફે બે દિવસની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી આજી ડેમ પોલીસે તપાસ હાય ધરી હતી.

Advertisement

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વિશાલ બે ભાઈમાં મોટો હોવાનું અને મજુરીકામ કરતો હોય સંતાનમાં બે પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. એએસઆઈ વી.બી.સુખાનંદીએ વધુ તપાસ કરતા વિશાલ છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોય અને ઘર ખર્ચના પૈસા આપતો ન હોય જેથી તેના પિતાએ છેલ્લા એક માસથી અલગ કરી દીધો હોય જેથી માઠું લાગી આવતા આ પગલું ભર્યાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં કરૂણતા એ છે કે મૃતક વિશાલના ઘેર બાળકનો જન્મ થયો હોવાના કલાકો બાદ જ આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.