ચોરવાડ નજીક રિક્ષા અને ટ્રેકટર અથડાતા મહિલાનું મોત: 17 ઘવાયા

અબતક દર્શન જોશી, જૂનાગઢ

ચોરવાડ નજીકના વિસણવેલ ગામના પાટિયા પાસે ખરખરાનું કામ પતાવી, પરત ફરતાા કાલીભડા ગામના  કોળી સમાજના લોકોની રિક્ષાને ટ્રેક્ટર એ હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા હતા જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું હતું.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કાલીભડા ગામે રહેતા દિનેશભાઈ મેણસીભાઈ રાઠોડના બનેવીના સંબંધીનું ચોરવાડ ગામે મરણ થતાં દિનેશભાઈ પોતાના સમાજના લોકોને લઈને છકડો રીક્ષા દ્વારા કાલે ચોરવાડ ગામે ગયેલ હતા અને ત્યાંથી ખરખરા નું કામ પતાવીને પરત ફરી રહ્યા હતાા, ત્યારે ચોરવાડથી ગડુ તરફ જતા રોડ ઉપર વિસણવેલ ગામના પાટિયા પાસે આગળ જતાં પથ્થર ભરેલા ટ્રેકટરની ઓવર ટેક  કરવા જતા ટ્રેકટર ચાલકે અચાનક કાવો માર્યો હતો અને તે દરમિયાન ટ્રેક્ટરનું આગલું વ્હીલ નીકળી જતા, પાછળ આવતી છકડો રીક્ષા ટ્રેકટર પાછળ જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના કારણે છકડો રિક્ષામાં બેઠેલા 17 જેટલા પુરુષો અને મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામતા તેમને તાત્કાલિક  સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 35 વર્ષીય જીજ્ઞાબેન રમેશભાઈ વાજા નામની મહિલાનું મોત થયું હતું.