Abtak Media Google News

પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં હવે સરકાર સામેની લડાઈ વધુ ઉગ્ર બનાવાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અમીતભાઈ ચાવડાના હસ્તે આજે મહિલા કોંગ્રેસનો નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પ્રદેશ મહિલા કોંગ્રેસ સમીતીના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં આગામી દિવસોમાં સરકાર સામેની લડાઈ વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી હતી.

આ તકે કોંગ્રેસના નેતાઓએ રાજ્યની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારની મહિલા વિરોધી નીતિના કારણે મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યાં છે. મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. ગેસ, ખાદ્યતેલ, જીવન જરૂરીયાતની વસ્તુના ભાવ સતત વધી રહ્યાં છે. જેનાથી મધ્યમ વર્ગના લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ભાજપના રાજમાં સંગ્રહાખોરો અને કાળાબજારીઓને રીતસર છુટોદોર આપી દેવામાં આવ્યો છે તેવો આક્ષેપ ગાયત્રીબા વાઘેલા અને શોભનાબેન શાહે ર્ક્યો હતો.

મંદી, મોઘવારી અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેંતરપિંડીનો ભોગ બની છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી ભાજપને સત્તા મેળવીને હવે જનતા સાથે છેંતરપિંડી કરી રહી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપના શાસનમાં ગેસ (જી), ડીઝલ (ડી) પેટ્રોલ (પી)ના ભાવો સતત વધી રહ્યાં છે. છેલ્લા 7 વર્ષમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં, દવા અને સારવારના ખર્ચમાં 400 થી 1600 ટકાનો તોતિંગ વધારો થયો છે. બેરોજગારી આસમાને પહોંચી છે.

સબસીડીનો લાભ લોકોને આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આર્થિક મંદીથી નાના વેપારીઓ પરેશાન છે અને જીએસટીના નામે તેઓને વધુ હેરાન કરવામાં આવી રહ્યાં છે.  ભાજપ સરકારે ગેસ સીલીંડર પરથી સબસીડી ગાયબ કરી 95 ટકા લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. જનતાને ફાયદો કરવાના બદલે સુટ-બુટવાળા મીત્રોને ફાયદો કરાવી રહી છે. મોંઘવારી, મંદી અને મહામારી વચ્ચે ગૃહિણીઓ હાલાકી ભોગવી રહી છે. આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં સરકાર સામેની લડાઈ વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.