Abtak Media Google News

૧૦ દિવસમાં સ્માર્ટ ટોયલેટ શરૂ થશે જશે: પાંચ રૂપિયાનો કોઈન નાખતા દરવાજો ખુલશે: ઓટોમેટીક ફલ્સ સિસ્ટમ અને સોલાર પેનલ સહિતની સુવિધાઓ: મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની જાહેરાત

સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૧૮ વોર્ડન ટોયલેટ બનાવવામાં આવ્યા છે. દરમિયાન શહેરના હાર્દસમા ત્રિકોણબાગ ખાતે વર્લ્ડ કલાસ સ્માર્ટ ટોયલેટ મુકવામાં આવશે જે આગામી ૧૦ દિવસમાં કાર્યરત થઈ જશે તેમ પત્રકારોને માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, આ સ્માર્ટ ટોયલેટ વર્લ્ડ કલાસ હશે જે સંપુર્ણપણે ઈલેકટ્રોનિકસ આધારીત હશે. કોઈપણ વ્યકિત પાંચ રૂપિયાનું કોઈન નાખશે ત્યારે જ આ સ્માર્ટ ટોયલેટનો દરવાજો ખુલશે. દર ત્રણ મિનિટે ઓટોમેટીક ફલ્સ થઈ જશે.

આશરે દોઢ લીટર જેટલું પાણી વપરાશે. વધુ સમય ટોયલેટમાં પસાર થશે તો સાડા ચાર લીટર સુધી પાણી ઉપયોગ કરી શકાય તેવી સિસ્ટમ પણ ઉભી કરવામાં આવશે. આ ટોયલેટ જાતે જ પાણીના વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ટોયલેટના ઉપર સોલાર પેનલ પણ ગોઠવવામાં આવશે. હાલના તબકકે શહેરમાં ત્રિકોણબાગ ખાતે પ્રથમ સ્માર્ટ ટોયલેટ મુકવામાં આવશે જે રાજકોટ-સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશનું પ્રથમ સ્માર્ટ ટોયલેટ હશે.

જેમાં કલીનીંગની વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ઓટોમેટીક રહેશે. સેન્સર બેઈઝ લાઈટીંગ સિસ્ટમ પણ રાખવામાં આવી છે. આ ટોયલેટ મુવેબલ હશે જે એક સ્થળેથી બીજા સ્થળે માત્ર બે થી ચાર કલાકમાં સ્વીફટ પણ કરી શકાશે. શહેરમાં ત્રિકોણબાગ ખાતે પ્રથમ મોર્ડન ટોયલેટ મુકાયા બાદ તેને સફળતા મળશે તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ સ્માર્ટ ટોયલેટ મુકવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.