Abtak Media Google News

ઝડપી વન ઊભા કરવા માટેની પદ્ધતિ ‘વન કવચ’ હેઠળ બે વર્ષ બાદ કોઈ પણ કાળજી વગર પરિપકવ છોડનો થશે આપબળે વિકાસ

ગુજરાત સરકાર દ્વારા 5 જૂનના ’વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી ’વન કવચ’ થીમ ઉપર થનાર છે. ત્યારે આ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં રાજકોટના ઇશ્વરિયા પાર્કમાં 0.75 હેક્ટર અને ગોંડલ તાલુકાના જામવાડીમાં જી.આઇ.ડી.સી.ની બાજુમાં એક હેક્ટર જમીનમાં ‘વન કવચ’ યોજના હેઠળ બે વનો નિર્માણાધીન છે. બે વર્ષ બાદ કોઈ પણ કાળજી વગર આ વનના પરિપકવ છોડનો આપબળે વિકાસ થવા લાગે છે. આ પદ્ધતિથી તૈયાર કરેલા વનો સામાન્ય વનો કરતાં 30 ગણાં ગાઢ અને 10 ગણા ઝડપથી વિકાસ પામે છે, અને પ્રદૂષણને અટકાવે છે, હવા શુદ્ધ બનાવે છે, તેમ નાયબ વન સંરક્ષક તુષાર પટેલે જણાવ્યું હતું.

ગુજરાત વન વિભાગ દ્વારા ઝડપી વન ઊભા કરવા માટેની પદ્ધતિ ‘વન કવચ’ યોજના અમલમાં છે, જે અન્વયે શહેરી વિસ્તારની પડતર જમીનમાં હરિયાળી વધારવા તથા હરિત ક્ષેત્રની જાળવણી કરવા માટે ઝડપથી ઘનિષ્ઠ વાવેતરથી નાનું વન બનાવવામાં આવે છે. આ વનો બે વર્ષની સામાન્ય માવજત બાદ આપબળે પરિપક્વ બનવા લાગે છે. અને કોઈ પણ પ્રકારની વિશેષ કાળજી વિના વિકાસ પામે છે. એકબીજાની નજીક વાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોના મુળ જમીનને પકડી રાખે છે અને આંતર સ્પર્ધાના કારણે તેઓ ઝડપથી વિકાસ પામે છે.

જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ વધારવા વન કવચ હેઠળ ત્રણ સ્તરમાં ગીચ વાવેતર કરવામાં આવે છે. પરસ્પર આંતર સ્પર્ધાના કારણે વનસ્પતિ અને છોડ ઝડપથી વૃદ્ધિ પામે છે. આ વનોમાં માટી કામ(ખાતર)ની સાત સ્તરીય પદ્ધતિ હોય છે. જેમાં માટી, કોકોપીટ, ઘઉંની ફોતરી, ભૂસુ, મકાઈની ફોતરી, છાણીયા ખાતર, ઘાસ, બાજરીના પુડા વગેરેથી જમીનને સમતોલ પોષણયુકત બનાવવામાં આવે છે, જેથી છોડની ફળદ્રુપતામાં વધારો થાય છે.

વન કવચ માટે એવો વિસ્તાર પસંદ કરવામાં આવે છે જે જમીનમાં કોઈ પ્રકારનો ઘન કે પ્રવાહી કચરો કે નકામા ઝાડી-ઝાંખરા ન હોય, આઠથી દસ કલાક સીધો સૂર્યપ્રકાશ મળી રહેતો હોય. આવા વનો વરસાદ ખેંચી લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. સીધા સૂર્યપ્રકાશથી પણ બચાવે છે, જુદા જુદા પશુ પંખીઓનું આશ્રયસ્થાન બની જાય છે. હરિત ક્ષેત્રની જાળવણી કરવા માટે વનવિભાગની આ મહત્વની યોજના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.