યોગમય ખોડલધામ: ખોડલધામ મંદિરે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

  • આજના દોડધામના સમયમાં યોગ જ આપણને તણાવથી બચાવી શકે છે: નરેશભાઈ પટેલ
  • ખોડલધામ મંદિરેથી યોગ, પ્રાણાયામ, આસન અને કસરતો રજૂ કરાયા: મોટી સંખ્યામાં લોકોએ યોગ કરીને માર્ગદર્શન મેળવ્યું

21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ.. યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય અને લોકો નિયમિત જીવનમાં યોગ અપનાવી શારીરિક અને માનસિક સ્વસ્થ રહે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા   નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 6 વર્ષથી વિશ્વ યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની મા ખોડલના સાનિધ્યમાં  ખોડલધામ મંદિરે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે મા ખોડલના વિશેષ શણગાર કરવામાં આવ્યા છે.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખોડલધામના આ પવિત્ર પરિસરમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મા ખોડલની કૃપાથી રળિયામણા અને કુદરતી સૌંદર્યની વચ્ચે ખોડલધામ દ્વારા યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે દેશવાસીઓને ખૂબ ખૂભ શુભકામના.   ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આજે દરેક વિષયો ઉપર કામ કરી રહ્યું છે ત્યારે યોગ અને યોગની સાથે સંકળાયેલી પ્રવૃત્તિને ખોડલધામ ખૂબ જ પ્રાધાન્ય આપે છે. આજના આ દોડધામના સમયમાં યોગ જ આપણને તણાવથી બચાવી શકે છે.

વશ્વ યોગ દિવસ નિમિત્તે  ખોડલધામ મંદિરે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે 6 કલાકે મા ખોડલ સહિત દેવી-દેવતાઓની આરતીથી કરવામાં આવી હતી. આરતી બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને ત્યારબાદ યોગ નિષ્ણાતો દ્વારા વિવિધ યોગ, આસન, પ્રાણાયામ અને કસરત રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે ખાસ કરીને યોગ, પ્રાણાયામ, આસન અને કસરતના માધ્યમથી શારીરિક અને માનસિક ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉઠવા-બેસવાની ટેવથી લઈને કંઈ રીતે યોગ્ય સ્થિતિમાં ઉભા રહેવું, સુવા માટેની યોગ્ય રીત કંઈ હોઈ શકે જેવા વિષયો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, ક્ધવીનર ભાઈઓ/બહેનો સહિત મોટી સંખ્યામાં લોકોએ  ખોડલધામ મંદિરે ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા. આ કાર્યક્રમ દેશ-વિદેશમાં વસતાં લોકો ઘરે બેઠા નિહાળી શકે અને યોગ કરી શકે તે માટે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.