Abtak Media Google News

૧ જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત: ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવશે

સમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરી, ૨૦૨૧થી બધા જ વાહનો માટે ટોલ બૂથ પર ફાસ્ટેગ ફરજિયાત કરાઈ રહ્યું છે. જેના પરિણામે ફાસ્ટેગ વગર હાઇવે ઉપર નહીં ફરી શકાય. જોકે, આ સુવિધા પ્રવાસીઓ માટે લાભદાયક રહેશે, કારણ કે તેમણે રોકડ ચૂકવણી, સમયની બચત અને ઈંધણ માટ ટોલ બૂથ પર રોકાવાની જરૂર નહીં પડે.

૧લી જાન્યુઆરીથી કાર અથવા મોટા વાહનો પર ફાસ્ટેગ લગાવ્યા વિના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર પહોંચશો તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. નેશનલ હાઈવે પરથી પસાર થતાં ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવશે. ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વગરના વાહનો માટે પણ એક લેન હશે, જ્યાંથી પસાર થતા સામાન્ય ટોલ જ વસૂલવામાં આવશે.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪માં જ ફાસ્ટેગ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અલબત્ત ગત વર્ષે જુલાઈ મહિનામાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ મામલે કરેલી જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકોએ ફાસ્ટેગ મેળવવાનું શરૂ કર્યું હતું ત્યાં સુધી ફાસ્ટેગ પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવતી હતી. ફાસ્ટ ઉપરાંત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મામલે પણ કેટલાક સુધારા કરવામાં આવ્યા છે જે વર્ષ ૨૦૨૧ ની પહેલી એપ્રિલથી લાગુ થશે.

ફાસ્ટેગ શું છે?

ફાસ્ટેગ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન પર આધારિત એક ટેગ છે, જે ગાડીની વીન્ડસ્ક્રીન પર લાગેલો હશે. વાહનો પર લાગેલો આ ફાસ્ટેગ ઈલેક્ટ્રોનિક રીતે વાંચી શકાશે. ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તેને સ્કેન કરી શકશે અને ટોલ પ્લાઝાની રકમ આપમેળે કપાઈ જશે. તમારે ટોલનાકા પર ફી ચૂકવવા રોકાવું નહીં પડે. ફાસ્ટેગ ઓનલાઈન પેમેન્ટ મોડથી મોબાઈલની જેમ રિચાર્જ કરાવી શકાશે. આ સિવાય ફાસ્ટેગને માય ફાસ્ટેગ એપ અથવા નેટબેન્કિંગ મારફત પણ રિચાર્જ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.