Abtak Media Google News
  • પોલીસ વિભાગને સંપૂર્ણ સજ્જ બનાવવા ગૃહમંત્રીની થોકબંધ જાહેરાત
  • રાજ્યમાં સાઇબર ક્રાઇમ અને નશાના કારોબાર પર અંકુશ લાવવા રેપિડ ફોર્સની જેમ સ્પેશિયલ એક્શન ફોર્સની રચના થશે

Gujarat News

રાજ્યમાં ડ્રગ્સ, ઓનલાઇન છેતરપિંડી, કોમી તોફાન, મહિલાઓ વિરુદ્ધના ગુન્હામાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી પોલીસ વિભાગને વધુ સમૃદ્ધ બનાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ થોકબંધ જાહેરાતો કરી છે. જેમાં તમામ પોલીસ મથકોમાં આઈટી નિષ્ણાંતની નિમણુંક, ડ્રગ્સના કાળા કારોબારની બદ્દી ડામવા એનડીપીએસ સેલની રચના, શહેરી વિસ્તારમાં કોઈ પણ ઘટના બને તો ફકત 10 મિનિટમાં પોલીસ પહોંચી શકે તેના માટે 1100 નવા વાહનોની ખરીદી, નવા પોલીસ સ્ટાફની ફાળવણી, 200 આઉટપોસ્ટને પીએસઆઈ કક્ષામાં અપગ્રેડ કરવા, રાજ્ય સ્તરીય સાયબર યુનિટની રચના અને કોમી તોફાન સામે લડવા સ્પેશિયલ એક્શન ફોર્સની રચના સહીતની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં સાઈબર ગુનાઓ રોકવા માટે રાજ્ય સરકાર રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની તર્જ પર સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ)ની રચના કરશે અને તેના વડા તરીકે એડીજીપી કક્ષાના અધિકારી તથા તેમના તાબામાં અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીની નિયુક્તિ થશે. આ ઉપરાંત ત્રિશૂળ યોજના હેઠળ સાઇબર ક્રાઇમ રોકવા 650 આઇટી અને સાઈબર એક્સપર્ટ્સની ભરતી થકી કોલ સેન્ટર કાર્યરત કરશે. માત્ર મુખ્ય ચાર શહેરો પૂરતું મર્યાદિત રહેવાને બદલે સાઈબર ગુનાઓને ડામવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ માટે યુનિટ તૈયાર કરાશે.

વિધાનસભા ગૃહમાં ગૃહવિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના વપરાશ અને તેની જપ્તી મામલે અંદાજપત્રની ચર્ચામાં વિપક્ષી સભ્યોએ સરકારને ભીંસમાં લીધી હતી. તેના જવાબમાં સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકારે ડ્રગ્સ વિરુદ્ધ હવે અભિયાન નહીં જંગ ચલાવવાનું નક્કી કર્યું છે અને નશીલા તત્ત્વોને જેર કરવા માટે ખાસ એનડીપીએસ સેલની રચના કરવામાં આવશે.

આ સેલ વિવિધ પોલીસ સ્ટેશનોને ડ્રગ્સના ગુના ઉકેલવામાં મદદ કરશે અને ઝડપથી ચાર્જશીટ તૈયાર કરાશે જેથી આરોપીઓ સામે કોર્ટમાં ખટલો તેજ ગતિએ ચાલી શકે. ગુનો બનશે તેની દસ મિનિટમાં પોલીસ પહોંચશે. ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી કે ગુના અંતર્ગત ખાસ ઇમરજન્સી સેવા 112 હેઠળ રિસ્પોન્સ ટાઇમ ઘટાડવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

આ નંબર પણ જાણ કર્યા બાદ શહેરી વિસ્તારમાં માત્ર 10 મિનિટમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ પહોંચી જશે. શોધ યોજના હેઠળ તમામ પોલીસ સબઇન્સ્પેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ફેરવાશે તથા ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ અથવા એએસઆઇ કક્ષાથી પોલીસ સબઇન્સ્પેકટર કક્ષામાં અપગ્રેડ કરી ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાઈકલની ફાળવણી કરવામાં આવશે.

ગૃહમંત્રીએ કહ્યું કે ત્રિશુલ પ્રોજેક્ટ હેઠળ એક નવા કોલ સેન્ટરની સ્થાપના કરાશે અને ઓપરેટર્સની નિમણૂક થશે જેથી કરીને સાઈબર ક્રાઈમથી પીડિતોના કોલ અનુત્તર ન રહે. ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને અન્ય રાજ્યોમાંથી ચાલતા કૌભાંડીઓને ટ્રેક કરવા માટે ગૃહવિભાગ દ્વારા નવું સોફ્ટવેર ખરીદવામાં આવશે. હાલમાં, શહેરી વિસ્તારોમાં સાઈબર પોલીસ સ્ટેશનો છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પણ આવા કેસો પર કામ કરે છે. પણ આ આખીય વ્યવસ્થાને અમે એકરૂપ બનાવીને ઉપરથી નીચે સુધી નવી જગ્યાઓ ઊભી કરાશે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષાથી પીઆઈ કક્ષાના કરવામાં આવશે. ચાલુ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનને પીએસઆઈથી પીઆઈ કક્ષાએ અપગ્રેડ કરાશે. તેમાં રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના કુલ 24 પોલીસ સ્ટેશન માંથી 5 પોલીસ મથક પી. આઈ. કક્ષાના છે જયારે 19 પોલીસ મથક પીએસઆઈ કક્ષાના છે જેણે અપગ્રેડ કરી પી.આઈ.ની નિમણુક કરવામાં આવશે.

કોમી તોફાનો રોકવા સ્પેશિયલ એક્શન ફોર્સ રચાશે

કોમી હુલ્લડો કે અન્ય સામૂહિક ગુન્હાઓ રોકવા સરકાર કેન્દ્રની રેપિડ એક્શન ફોર્સની પેઠે સ્પેશિયલ એક્શન ફોર્સની રચના કરવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. અમદાવાદ એસઆરપીએફ-2ને આ જવાબદારી સોંપવામાં આવશે. તેમને વિશેષ તાલીમ અને શસ્ત્રો તેમજ સાધનો પણ ઉપલબ્ધ કરાવાશે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 1100 નવા વાહનો ખરીદાશે.

મહિલા વિરુદ્ધના ક્રાઇમ રેટમાં ગુજરાત 33માં સ્થાને : બે વર્ષમાં 29 કેસમાં આજીવન કેદ અને ફાંસીની સજા કરાઈ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા મહિલા સુરક્ષા વિષયમાં ગંભીરતાપૂર્વક કામગીરી કરીને આશરે 29 જેટલા કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા સુધીના ચુકાદા લઇ આવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધના ક્રાઇમ રેટમાં ગુજરાતનું સ્થાન દેશભરમાં 33માં ક્રમે છે. જયારે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા મુજબ 36 રાજ્યોમાંથી હિંસાત્મક ગુન્હામાં ગુજરાતનું સ્થાન 31માં ક્રમે છે, બાળકો સામેના ગુનાઓમાં 27માં ક્રમે, શરીર સંબંધિત ગુનામાં 30માં ક્રમે, મિલ્કત વિરૂધના ગુનામાં 28માં ક્રમે, આર્થિક ગુનાઓમાં 33માં ક્રમે છે.

રાજ્ય પોલીસે 16 વર્ષમાં 56 હજાર ગુમ/અપહરણ થયેલા બાળકો શોધી કાઢ્યા

હર્ષ સંઘવીએ આપેલા આંકડા મુજબ સમગ્ર ભારતમાં બાળકો વિરૂધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક 27મો છે. વર્ષ 2023માં કુલ 751 બાળકો શોધી કાઢવામાં આવ્યા છઉં. વર્ષ 2007થી ડિસેમ્બર 2023 સુધીમાં એટલે કે 16 વર્ષના સમયગાળામાં કુલ 59,048 ગુમ/અપહરણ થયેલા બાળકો પૈકી 56,585 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે જેથી બાળકો શોધી કાઢવાની ટકાવારી 95.83% છે.

સરકાર વિધાનસભા સત્રમાં રજૂ કરશે બિલ

દારૂની હેરાફેરીમાં પકડાયેલ વાહનની જપ્તી બાદ હરાજી કરી નખાશે

રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે હાલના દારૂબંધી કાયદાને વધુ કડક બનાવવા માટે તેમાં મોટા સુધારાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત મુજબ કોઈપણ દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને કાયમી માટે જપ્ત કરવામાં આવશે અને તેની તાત્કાલિક હરાજી કરવામાં આવશે. આવા વાહનોની હરાજી દ્વારા એકઠા કરવામાં આવેલા રૂપિયા રાજ્યની તિજોરીમાં જમા કરવામાં આવશે. રાજ્યના ગૃહ, લો એન્ડ લેજિસ્લેટિવ અને સંસદીય બાબતોના વિભાગો એમ ત્રણ મુખ્ય વિભાગો દ્વારા સુધારા બિલના ડ્રાફ્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ત્રણેય વિભોગ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ બિલ હાલમાં ચાલી રહેલા રાજ્ય વિધાનસભાના સત્રમાં 29 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.