Abtak Media Google News

ડોડીયાપાડા તાલુકાના આદિવાસી ગ્રામ્ય વિસ્તાર કાકરાપાડા ગામના યુવાનોને વ્યસનમૂકત કરવા ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડનો નવતર પ્રયોગ

ગુજરાતના નર્મદા જિલ્લાના કાકરપાડા ગામના ૩૭ વર્ષીય પુંજાભાઈ દામણીયાનાં જીવનનો કિસ્સો માર્ગ ભટકેલ યુવાનો માટે ખુબ જ પ્રેરણાદાયી છે. પુંજાભાઈની આવક સીમિત હતી, દારૂનું વ્યસન, જેને પગલે પત્ની સાથે વારંવાર ઝગડાઓ થતા હતા. ખોટા વ્યસનની લતને કારણે તેમનું ગૃહસ્થ જીવન કોઈ દિવસ આનંદમય પસાર થયું નહતું. પરંતુ પુંજાભાઈ અને તેના જેવા વ્યસનની લતે ચડેલ અન્ય યુવાનો માટે ગુજરાત સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ કે પુંજાભાઈ અને તેમના જેવા વ્યસનની લતે ચડેલ અન્ય યુવાનો વ્યસનમુક્તિની રાહ અપનાવે તો તમામને વિના મુલ્યે એક ગાય અને એક બળદ આપવામાં આવશે.ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનાં આ મહત્વના નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વ્યસનને લીધે જીવનનો માર્ગ ભટકેલ યુવાનોને જીવન જીવવાના સાચા માર્ગે વાળવા અને ગ્રામીણ અર્થતંત્રને કુટીર ઉદ્યોગ તેમજ પશુપાલનનાં સહારે ફરી ધબકતું કરવાનો છે. ગાય-બળદનાં સહારે કૃષિ સહીત ગૌમૂત્ર, છાણનું ખાતર, દૂધ અને મુલ્યવર્ધક ડેરી પ્રોડક્ટસનાં ઉત્પાદન થકી આવકનો સ્ત્રોત વધારવામાં સહાયભુત થશે. ગુજરાતના આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોમાંથી વ્યસનરૂપી દાનવને નાથવા માટે આદિવાસી સમુદાયનાં મુનીશ્રી અવધૂત મહારાજ, આદિવાસી જન ઉત્થાન ટ્રસ્ટનાં શ્રી રતનભગત અને અગ્રણીઓ અને સ્થાનિક દૂધ સંગ્રહ સહકારી મંડળીઓના આગેવાનોએ ડો. વલ્લભભાઈ કથીરિયાને રજૂઆત કરી હતી.આદિવાસી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાં સેક્રેટરી મગનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખેતી સિવાય અન્ય કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી ખેતરોમાં મજુરી કરનારો વર્ગ વિશાળ સંખ્યામાં જોવા મળે છે. મોટા પ્રમાણમાં લોકો અશિક્ષિત હોવાથી ઘર દીઠ એક વ્યક્તિ વ્યસનનો શિકાર હોવાનું મોટા ભાગે જોવા મળતું હોય છે. જેને પગલે મહિલાઓ સાથે ઘરેલું હિંસાના કિસ્સાઓ પણ અનેક વખત પ્રકાશમાં આવતા હોય છે.જેના પગલે ડો. કથીરિયાએ તાત્કાલિક ધોરણે ડેડીયાપાડા તાલુકાનાં કાકરાપાડા ગામની મુલાકાત લઇ પંથકમાં જે લોકો ખોટા વ્યસનની લત છોડે તેમને વિના મુલ્યે ગાય અને બળદની જોડી આપવાની ઘોષણા કરી હતી. ૯ ઓક્ટોબરનાં રોજ કાકરાપાડા ગામની ગ્રામસભામાં લોકોએ આ યોજનામાં જોડાવા અંગે પોતાનો સંકલ્પ કર્યો હતો.   ડો. કથીરિયાએ કહ્યું હતું કે ગાય અને બળદ માત્ર ખેતી કાર્ય માટે જ ઉપયોગી નથી પરંતુ સજીવ ખેતીમાં પણ તેમનો ઉપયોગ આવકના અનેક દ્વાર ખોલી આપે છે. ઓર્ગેનીક પ્રોડક્ટ જેમ કે અગરબત્તી, સાબુ, આયુર્વેદિક શેમ્પુ તથા અન્ય વસ્તુઓ બનાવવામાં પણ અહીના સ્થાનીય મહિલા સમુદાયોને  ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ મદદરૂપ થશે.ડો. કથીરિયાનો આભાર વ્યક્ત કરતા પુંજાભાઈ દામણીયાએ જણાવ્યું હતું કે વ્યસનના કારણે કાકરપાડા ગામના અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગ્રામજનો પણ વ્યસનનાં દુષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  કાકરપાડા ગામના રહેવાસી પુંજાભાઈ પોતે ૨૧ વર્ષના હતા ત્યારથી વ્યસન ધરાવતા હતા.જેને કારણે પોતાની જિંદગીની કમાણીનો અડધો હિસ્સો વ્યસનમાં ખોયો હતો.  પુંજાભાઈએ આશા વ્યક્ત કરી હતી કે એક દિવસ કાકરપાડા ગામ અન્ય ગામના લોકો જે વ્યસનથી પીડાય છે તેમને માટે આ પ્રયોગ આદર્શરૂપ બનશે અને ખરા અર્થમાં આદર્શગામનાં નિર્માણમાં દિશાસૂચક બની રહેશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.