Abtak Media Google News

સાંજ પછી ફિલ્ટર પ્લાન્ટે ટેન્કર ભરવા જવાની મનાઈ છતાં રાત્રે કેમ પાણી ભરવા ગયા? ખુલાસો કરવા નોટિસ અપાઈ: સંતોષકારક જવાબ નહીં મળે તો બ્લેકલીસ્ટ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોટર ટેન્કર અને ટ્રેક્ટર વડે જરૂરિયાત મુજબના જે તે એરીયામાં પીવાનાં પાણીનું વિતરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીનું એક ટેન્કર ગત રાત્રે રૈયાધાર સ્થિત પાણીના ટાંકા ખાતે પાણી ભરવા પહોંચ્યું હોવાની ઘટનાનાં પગલે મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીનાં આદેશ અનુસાર ટેન્કરની કોન્ટ્રાક્ટર એજન્સી “શાંતિલાલ ગાંગજીભાઇ એન્ડ કંપની”ને રૂ. ૧ લાખના દંડની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

Advertisement

આ સંદર્ભમાં મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વોટર ટેન્કર એજન્સીના ડ્રાઈવર જી.આર.પી./૪૩૩૯ નંબરનું ટેન્કર લઈને ફિલિંગ પોઈન્ટ પરના સંબંધિતને જાણ કર્યા વગર પાણી ભરવા પહોંચ્યા હતાં. જે ગંભીર બાબત છે. જોકે ટેન્કરમાં પાણી ભરવામાં આવે એ પહેલા જ સંબંધિત નાયબ કાર્યપાલક ઈજનેર અને અધિક મદદનીશ ઈજનેર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હોય આ મામલે પુછતાછ કરી હતી.

મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ વધુમાં એમ કહ્યું હતું કે, આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટર એજન્સીને તેની પાસેથી રૂ.૧ લાખનો દંડ કેમ વસૂલ નાં કરવો અને તેને બ્લેક લીસ્ટ કેમ નાં કરવી તે બાબતે નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. આ ઉપરાંત સિક્યુરીટી એજન્સીને પણ નોટીસ આપી ખુલાસો પુઉછાવામાં આવેલ છે.

શહેરનાં વોર્ડ નં.૧નાં ભાજપનાં કોર્પોરેટરો દ્વારા ગઈકાલે રાત્રે શહેરનાં રૈયાધાર પમ્પીંગ સ્ટેશન ખાતેથી પાણીનું ટેન્કર ભરવામાં આવતું હોવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યા બાદ આજે ટેન્કર કોન્ટ્રાકટરને કોર્પોરેશન દ્વારા એક લાખ ‚પિયાનો દંડ શા માટે ન વસુલ કરવો તે અંગે બે દિવસમાં ખુલાસો કરવા શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી છે. જો આ નોટીસનો સંતોષકારક જવાબ નહીં મળે તો કોન્ટ્રાકટરને કાયમી ધોરણે બ્લેક લીસ્ટ કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણી ચોરી થતી હોવાની ફરિયાદ મળતાં ગઈકાલે રાત્રે મહાપાલિકાની વોટર વર્કસ સમિતિનાં ચેરમેન અને વોર્ડ નં.૧નાં કોર્પોરેટર બાબુભાઈ આહિર અને આશિષ વાગડિયાએ ઘટના સ્થળે જઈ પાણીનું ટેન્કર પકડયું હતું. ૧૦ હજાર લીટર પાણી બજારમાં રૂ.૧૦૦૦માં વહેંચાતું હોવાનું માલુમ પડયું હતું.

દરમિયાન કાલે રાત્રે જ આ ટેન્કર અને ડ્રાઈવરને વિજિલન્સ શાખાને હવાલે કરી દેવામાં આવ્યા હતા. આજે વેસ્ટ ઝોન કચેરીનાં સિટી એન્જીનીયર હારૂન ડોડીયાએ ટેન્કર કોન્ટ્રાકટર શાંતીલાલ ગાગજીભાઈ એન્ડ કંપનીને એક લાખ ‚પિયાનો દંડ શા માટે વસુલ ન કરવો તે અંગે બે દિવસમાં ખુલાસો કરવા નોટીસ ફટકારી છે. સામાન્ય નિયમ મુજબ ટેન્કર કોન્ટ્રાકટર સાંજે ૬:૦૦ વાગ્યા પછી એક પણ ફિલ્ટર પ્લાન્ટ ખાતે ટેન્કર ભરવા માટે જઈ શકતા નથી ત્યારે શાંતીલાલ ગાગજીભાઈ એન્ડ કંપનીનું ટેન્કર રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતે રાત્રે કેમ ગયું હતું તે અંગે ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.