Abtak Media Google News

સંસદસભ્ય, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેકટર, વિકાસ અધિકારી વગેરેએ સઘન આયોજન  માટે  વીડીયો કોન્ફરન્સ યોજી

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં કરાઇ રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પર યોજાશે, જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ તાલુકાઓના વહીવટી અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કરે ઉપસ્થિતોને આવકાર્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જે.કે પટેલે ત્રિદિવસીય યાત્રા દરમ્યાન યોજાનારા તમામ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. કલેકટર અરૂણ મહેશ બાબુએ નિયત સમય મર્યાદામાં વિકાસકામોની વિગતો સંબંધિત વિભાગને પુરી પાડવા માટે સરકારી વિભાગોને તાકીદ કરી હતી, જેથી સમયસર આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું સફળતાપૂર્વક આયોજન થઇ શકે.

આગામી તા. 18 થી 20 નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ દ્વારા યોજાનારી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતના 1090 ગામડાંઓમાં સરકારી વિકાસ રથ ભ્રમણ કરશે, અને ગ્રામ્ય નાગરિકોને સરકારી યોજનાના લાભો અંગે જાણકારી આપશે, વિવિધ વિકાસકામોના લોકાર્પણ/ખાતમૂહૂર્ત કરવામાં આવશે. પશુપાલનના કેમ્પ યોજાશે, જાહેર સ્થળો ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. તથા ગ્રામ્ય નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભો એનાયત કરાશે.

સંસદસભ્ય  રામભાઈ મોકરીયા, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ તથા  લાખાભાઈ સાગઠીયા જિલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઇ બોદર વગેરેએ આ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને સામેલ કરી તેમના સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવા માટેના આયોજનમાં જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારીઓ  ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી, વીરેન્દ્ર દેસાઈ, રાજેશ આલ, પ્રીયંક ગલચર વગેરે આ વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.