Abtak Media Google News

આગ્રા-જયપુર હાઇવે પર હંતારા નજીક વહેલી સવારે બસ પાછળ ટેલર અથડાતા સજાર્યો જીવલેણ અકસ્માત

બાપા સિતારામ મઢુલી ગૃપની હરિદ્વાર યાત્રા અંતિમ યાત્રા બનતા દિહોર ગામમાં શોક છવાયો

રાજસ્થાનના પ્રભારી તરીકે રહી ચુકેલા સાંસદ ભારતીબેન શિયાળ ભરતપુર અને ભાવનગર કલેકટરના સતત સંપર્કમાં

તળાજા તાલુકાના દિહોર ગામનું બાપા સિતારામ મઢુલી ગ્રુપના શ્રધ્ધાળુઓની ખાનગી લકઝરી બસને રાજસ્થાનના ભરતપુર નજીક હંતારા પાસે વહેલી સવારે નડેલા ગમખ્વાર અકસ્માતમાં પાલીવાર બ્રાહ્મણ સમાજના પાંચ અને કોળી સમાજના છ વ્યક્તિઓ કાળનો કોળીયો બની જતા ભારે કરુણાંતિકા સાથે અરેરાટી મચી જવા પામી છે. કાર્તિક ટ્રાવેલ્સની બસમાં યાંત્રિક ખામીના કારણે હંતારા પાસેના બ્રીજ પર ઉભી હતી ત્યારે યાત્રાળુઓ બસ નીચે ઉતર્યા હતા તે સમયે જ કાળ બનીને ઘસી આવેલું ટેલર બસ પાછળ ધડાકાભેર અથડાતા બસ અને ટેલર વચ્ચે દબાતા ગંભીર રીતે ઘવાયેલા પાંચ પુરુષ અને છ મહિલાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

ટેલરની ઠોકરના કારણે બસ બ્રીજ પરથી પલ્ટી ખાઇ ગઇ હતી. ગોજારા અકસ્માતના કારણે આગ્રા-જયપુર હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મૃતકના પરિવારને દિલસોજી પાઠવી ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. અગાઉ રાજસ્થાનના પ્રભારી તરીકે રહી ચુકેલા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે રાજસ્થાનના ભરતપુર અને ભાવનગર કલેકટરના સતત સંપર્કમાં રહી ઘવાયેલા યાત્રાળુઓને સારવારની વ્યવસ્થા કરાવી રહ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના દિહોરા ગામના શ્રધ્ધાળુઓ કાર્તિકભાઇની જી.જે.04વી.7747 નંબરની લકઝરી બસમાં એક સપ્તાહ પુર્વે હરિદ્વાર યાત્રાએ નીકળ્યા હતા. બસ રાજસ્થાનમાં ફરીને મથુરા-વૃંદાવન તરફ જઇ રહી હતી ત્યારે આગ્રા-જયપુર હાઇવ પરના ભરતપુર નજીક હંતારા ગામ પાસે પહોચી ત્યારે વહેલી સવારે બસમાં યાંત્રિક ખામી સર્જાતા બસ ઉભી રાખી હતી. બસ ઉભી રહેતા યાત્રાળુઓ બસ નીચે ઉતર્યા તે દરમિયાન પાછળથી પુર ઝડપે ઘસી આવેલું ટેલર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસમાં 53 યાત્રાળુઓ પૈકી 11 શ્રધ્ધાળુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને 13 ગંભીર રીતે ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ગોજારા અકસ્માતના બનાવની જાણ ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળને જાણ થતા તેઓએ રાજસ્થાનના ભરતપુર જિલ્લા કલેકટરનો સંપર્ક કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત સાથે ટેલિફોનિક વાતચીત કરી ઘવાયેલાઓને તાકીદે સારવાર માટે અનુરોધ કર્યો હતો.

મૃતકોનાં નામ

  • અંતુભાઇ લાલજીભાઈ ગયાણી
  • નંદરામ ભાઇ મથુરભાઇ ગયાણી
  • લલ્લુભાઇ દયાભાઈ ગયાણી
  • ભરતભાઈ ભીખા ભાઈ
  • લાલજીભાઈ મનજી ભાઇ
  • અંબાબેન જીણાભાઈ
  • કંબુબેન પોપટભાઇ
  • રામુબેન ઉદાભાઈ
  • મધુબેન અરવિંદભાઇ દાગી
  • અંજુબેન થાપાભાઇ
  • મધુબેન લાલજીભાઇ ચૂડાસમા

મૃતકના પરિવારને મુખ્ય મંત્રીએ દિલસોજી પાઠવી

ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજસ્થાન માં જયપુર નેશનલ હાઇવે પર તળાજાની  ખાનગી પ્રવાસી બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓ  પ્રત્યે સહાનભૂતિ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ આ મૃતકો ના પરિવારજનો પ્રત્યે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી. ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તે માટે પણ  ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે

પીએમ મોદીએ મૃતકના પરિવારને બે લાખ અને ઘાયલોને રૂ.50 હજારની સહાય જાહેર કરી

તળાજા તાલુકાના દિહોર ગામના યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપુર નજીક નડેલા ગમખ્વાર અકસ્માતમાં 11 મૃતકોના પરિવારને રૂ.2-2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.