Abtak Media Google News

તબીબોએ ઓપરેશન વખતે  ફોટા પાડેલ તે  વાઈરલ થતા સમિતિ રચના કરાઈ: સમિતિનો  રિપોર્ટ ન  આવે ત્યાં સુધી બે તબીબોને  રજા ઉપર  ઉતારી દેવાયા

જામનગરની જી. જી. હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગમાં એક મહીલા દર્દીના મગજના ઓપરેશન વખતના ઓપરેશન થીયેટરના ફોટા તબીબો દ્વારા વાઇરલ કરવામાં આવ્યા હતાં. જેને પરિણામે જામનગર સહીત સમગ્ર રાજયમાં ચકચાર મચી ગઇ છે. દર્દી અથવા દર્દીના પરિવારજનની સહમતી વિના દર્દીના ફોટા અથવા તેના કેસ પેપર સાર્વજનિક કરી શકાતા નથી. આ બાબત મેડિકલ એર્થીકસના નિયમોની વિરૂદ્ધ છે. જેને કારણે આ કસુરવાર તબિબો વિરૂદ્ધ આરોગ્ય સત્તાવાળા દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને જયાં સુધી આ તપાસ સમિતીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ તબિબોને ફરજીયાત રીતે રજા ઉપર ઉતારી મુકવામાં આવ્યા છે. આ મામલાને કારણે જામનગરના તબિબિ વર્તુળમાં ચકચાર મચી ગઇ છે.

આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે, ચાર દિવસ પહેલાં એક મહીલાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. અને તેણીને સારવાર માટે જી. જી. હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં એડમીટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બે દિવસ પહેલાં ન્યુરો સર્જરી વિભાગના ઓપરેશન થીયેટરના રાત્રીના સમયે આ મહીલાના મગજનું ઓપરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ઓપરેશન કરી રહેલા બે તબિબોને એવો મોહ જાગ્યો કે આપણે મગજનું પણ ઓપરેશન કરી શકીએ છીએ તો શા માટે પ્રસિદ્ધી ન લેવી ? આ મોહને કારણે મહીલાના ખુલ્લા મગજ સાથેના ફોટાઓ આ બન્ને તબિબોએ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતાં. આ આખો મામલો મેડિકલ કોલેજના ડિન અને હોસ્પિટલના તબિબિ અધિક્ષક સુધી પહોંચતાં આ સમગ્ર મામલાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ બન્ને તબિબોને ફરજીયાત રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે.

ન્યુરો સર્જરીના આ ઓપરેશનમાં ડો. પ્રતિક અને ડો. ઇશ્ર્વર પોતાની ફરજો પર હતા આ ઉપરાંત અન્ય કેટલાક તબિબો અને આસીસ્ટન્ટ પણ ઓપરેશન થીયેટરમાં હતા તે સમયે આ ફોટાઓ કોઇએ વાઇરલ કર્યા હતાં. અત્રે નોંધનીય છે કે, મેડિકલ વ્યવસાયના એથીકસનો એક એવો નિયમ છે કે, કોઇપણ દર્દીનો ફોટો અથવા તે દર્દીના કેસ પેપર દર્દી અથવાનો દર્દીના પરિવારજનની સહમતી વિના જાહેર કરી શકાય નહીં. આ બન્ને તબિબોએ આ કેસમાં આ નિયમનો ભંગ કર્યો હોવાની ચર્ચા ઉઠતા જામનગરના આરોગ્ય સત્તાવાળાઓએ ત્રણ સિનિયર તબિબની તપાસ કમિટીની રચના કરી છે. દરમિયાન મેડિકલ કોલેજના ડિન નંદીની દેસાઇએ જણાવ્યું છે કે, આ કેસમાં કોઇ તબિબ કશુરવાર સાબિત થશે તો તેમની વિરૂદ્ધ યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.