Abtak Media Google News

દિલમાં સાચી ઈચ્છા હોય અને જો સાચી દિશા મળે તો વયના વાડા પણ નડતા નથી. આવુ જ કંઈક કરી બતાવ્યુ છે અમદાવાદની ત્રિશા ભોગાયતાએ માત્ર 13 વર્ષની નાની વયે ત્રિશાએ નૃત્ય કલામાં નિપુણતા મેળવી ભરત નાટ્યમની દીક્ષા મેળવી છે અને અનેક મહાનુભાવો-નિષ્ણાંતો તેમજ લોકો સમક્ષ આરંગેત્રમ રજૂ કરીને સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા છે.

મુખ્યમંત્રી, રાજ્યપાલ, મોરારીબાપુ, પૂર્વ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોથી માંડી હેમામાલીની સહિતના નૃત્ય વિશારદોએ ‘આફરીન’

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા સમઉત્કર્ષ ખાતે તાજેતરમાં ત્રિશા ભોગાયતાનો આરંગેત્રમ સમારોહ યોજવામા આવ્યો હતો.જેમાં ગુજરાત સહિત દેશમાં અને વિદેશમાં જાણીતા એવા શિવકથા વક્તા અને કથાકાર તેમજ ધર્મોપદેશક પરમ પૂજ્ય ગિરિબાપુએ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિશાને આશિર્વાદ આપ્યા હતા.

છ વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમકડાંથી રમતા હોય છે અને ખેલકુદ કરતા હોય છે ત્યારે ત્રિશાએ માત્ર છ વર્ષની ઉંમરે અમદાવાદના કલાગુરૂ પાસે ભારતીય શાસ્ત્રિય નૃત્ય શીખવાનું શરૂ કરી દીધુ હતું. પિતા રમેશ ભોગાયતા અને માતા કૃપા ભોગાયતા સમક્ષ બાળકીની ઈચ્છા અને આત્મવિશ્વાસ રજૂ થતા તેઓએ હોંશભેર ત્રિશાને આ દીશામાં પદાર્પણ કરવા માટે પ્રેરણા આપી. દરરોજ સ્કૂલે જવા સાથે નૃત્યની 3થી4 કલાકની તાલીમ મેળવી અને સતત સાત વર્ષની અથાગ સાધના બાદ ત્રિશાએ ભરત નાટ્યમની નિપુણતા મેળવી આરંગેત્રમ રજૂ કર્યુ હતું.

ત્રિશાને નાની વયની આ સિદ્ધી બદલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક રાજકીય નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ શુભેચ્છા આપી છે. એટલું જ નહીં, વિશ્ર્વ પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ, દેશના જાણીતા કથક ડાન્સર કુમુદીની લાખીયા, મલ્લીકા સારાભાઈ તેમજ ભારતીય સિને જગતની લોકપ્રિય અભિનેત્રી હેમામાલીની, બોલીવુડના ખ્યાતનામ કોરીયોગ્રાફર ગણેશ આચાર્ય સહિતના અનેક મહાનુભાવો તેમજ વિવિધ ક્ષેત્રેની ખ્યાતનામ હસ્તીઓએ ત્રિશાને શુભેચ્છા આપીને પ્રેરણા પુરી પાડી છે.

આરંગેત્રમએ ઈન્ડિયન કલાસિકલ ડાન્સ એટલે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં વર્ષોની તાલીમ તથા સાધના બાદ ફલશ્રુતી રૂપે યોજાતો દીક્ષા સમારોહ છે. જેમાં સૌપ્રથમવાર રંગમંચ પર જાહેરમાં લોકો સમક્ષ નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિલ ભાષામાં આરંગુ એટલે રંગમંચ અને એત્રલ એટલે આરૂઢ થવુ. અરંગેત્રલ ઉપરથી આરંગેત્રમ નામ પડ્યુ છે. ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરત નાટ્યમનું સ્થાન મોખરે છે. વર્ષોની સાધનાનું સમર્થ ફળ જ્યારે તાલીમના અર્થે મળે છે અને ગુરૂ સમક્ષ દિક્ષા રૂપે રજૂ થતુ આ નૃત્યએ માત્ર આરંગેત્રમ જ નહીં પરંતુ ખરા અર્થમાં ઈશ્ર્વરની આરાધના સમાન છે.

આ કાર્યક્રમમાં ગીરી બાપુ, વિજય રૂપાણી, સુરેન્દ્ર પટેલ ( કાકા, અમિત ઠાકર ધારાસભ્ય વેજલપુર,અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશ્નર વડોદરા, સંજય શ્રીવાસ્તવ (આઇપીએસ),  ડી.બી. વાઘેલા (આઇપીએસ), એમ.એસ. ભરાડા (આઇપીએસ), બિપીન આહિરે (આઇપીએસ), આલાપ પટેલ (આઇપીએસ) દિલ્લી, રોનક પટેલ, (હું તો બોલીશ) એબીપી ન્યૂઝ, આરજવ શાહ ( ડે. મ્યુનિસિપલ કમિશનર), ભરત જોશી (કલેક્ટર ગાંધીનગર), પદ્મશ્રી જોરાવરસિંહ જાધવ (વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી દિલ્હી), તુષાર શુક્લ (કવિ), માધવ રામાનુજ (કવિ) સહિતનાએ હાજરી આપી ત્રિશાને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.