Abtak Media Google News

જન્મથી જ જો બાળક સાંભળી ન શકે તો તે બોલવામાં પણ અશક્ત જ રહે છે. કુદરતી રીતે જ સાંભળી ન શકતા બાળકો માટે ટેક્નોલોજીના સહારે શ્રવણશક્તિ આપતી આધુનિક કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી રાજકોટની પી.ડી.યુ.હોસ્પિટલ(સિવિલ) ખાતે નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. ઈ.એન.ટી. વિભાગમાં વર્ષ 2016 થી શરુ કરવામાં આવેલી આ સર્જરી થકી હાલ સુધીમાં 177 બાળકોને સાંભળતા બોલતા કરી આપવામાં આવ્યા હોવાની માહિતી સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ આપી છે.

શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક સર્જરી: હાઈરિસ્ક પ્રેગ્નન્સી, કમળો, વાયરલ ઈન્ફેકશન કે મગજનો તાવ બાળકોની બહેરાશ માટે જવાબદાર

સિવિલ હોસ્પિટલ ખાતે વસીમભાઇના ચાર વર્ષીય ટવીન્સ પૈકી અલી હસનની જયારે અન્ય બાળક અલી હુસૈનની  કોક્લીયર સર્જરી સાથે એક સપ્તાહમાં 5 બાળકોની સર્જરી કરવામાં આવી છે.    સામાન્ય પરિવારમાંથી આવતાં બાળકોના પિતા રીક્ષાચાલક હોઈ તેમના સંતાનોની સાંભળવાની ક્ષમતા પરત લાવવા ખાનગી હોસ્પિટલમાં સંપર્ક કરેલો. પરંતુ તેનો ખર્ચ 25 લાખથી વધુ હોઈ તેઓને આ ખર્ચ પરવડે તેમ નહોતો. સિવિલ ખાતે આ પ્રકારની સર્જરી અંગે જાણવા મળતા તેઓએ અહીં સારવાર માટે સંપર્ક કરતા સર્જરી સાથે તેમના બાળકોની શ્રવણ શક્તિના દ્વાર પણ ખુલ્યા હોવાનું પરિવારજનોએ ખુશી સાથે જણાવ્યું હતું.

177 Children Who Were Deaf Since Birth Became Able To Hear: Civil Superintendent Dr. Trivedi
177 children who were deaf since birth became able to hear: Civil Superintendent Dr. Trivedi

કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી

એક સર્જરીમાં સામાન્ય રીતે 3 કલાકની સર્જરીનો સમય લાગતો હોય છે, ત્યારે એક જ દિવસમાં 3 બાળકની સર્જરીના કરનાર સિવિલના એસોસિએટ પ્રોફેસર ડો. સેજલ મિસ્ત્રી અને  ડો. પરેશ ખાવડુ જણાવે છે કે, જે બાળકો નાનપણથી સાંભળી શકતા નથી, તેમના માટે આ સર્જરી આશીર્વાદ સમાન છે. આ સારવાર હેઠળ બાળકના કાનની પાછળ એક સર્જરી કરવામાં  આવે છે. જેમાં એક ચિપ બેસાડવામાં આવે છે. ત્યાર બાદ બહારના ભાગે એક મશીન મુકવામાં આવે છે. જે લોહચુંબક સમાન હોવાથી એ ચિપ સાથે જોડાયેલું રહે છે. તેમજ ઇલેક્ટ્રોડને આંતરિક કાનમાં દાખલ કરવામાં આવે છે.

આ સર્જરી કરતા પહેલા વિવિધ મેડિકલ રિપોર્ટ્સ જેવા કે, સીટી સ્કેન, એમ.આર.આઈ. 2-ડી ઈકો તેમજ લોહીના રીપોર્ટસ કરવામાં આવે છે. આ તમામ રીપોર્ટ નોર્મલ હોય તો જ બાળકની સર્જરી કરવામાં  આવે છે. સર્જરી બાદ અંદાજે દસ દિવસ સુધી બાળકને સારવાર હેઠળ રાખવામાં આવતા હોવાનું ડો. સેજલ જણાવે છે.

કાનની બહેરાશના કારણો

બાળક સાંભળવાની અશક્તિના મુખ્યત્વે બે કારણો હોઈ શકે, જે અંગે વિગતે વાત કરતા ડો. સેજલ જણાવે છે કે, જન્મથી જ સાંભળી ન શકતા બાળકના માતા-પિતા બહેરાશ ધરાવતા હોય તો તેમના સંતાનોમાં જિનેટિકલી આ ખામી આવી શકે. અથવા અમુક કિસ્સામાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, પીળો કમળો, વાયરલ ઇન્ફેક્સન કે મગજમાં તાવ આવી જવાની સારવારની સાઈડ ઈફેક્ટને કારણે બહેરાશ આવી શકે છે,

બાળક સાંભળી શકે  છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે. સામાન્ય રીતે બાળક એકથી દોઢ મહિનાનું થાય એટલે તે અવાજ પ્રત્યે રીસ્પોન્સ આપે છે. બાળક સૂતું હોય અને કોઈ મોટો અવાજ થાય અને ઝબકી જાય તો તેની શ્રવણ શક્તિ કામ કરે છે. જો બાળક આવો કોઇ રીસ્પોન્સ ન આપે તો કાનના ડોક્ટર પાસે પરીક્ષણ કરાવવું જરૂરી છે.

બાળકની સર્જરી બાદ તેને બોલતા કરવામાં સૌથી મોટો રોલ સ્પીચ થેરાપીનો છે. રાજ્ય સરકાર દ્વારા તેના  માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સર્જરી બાદ બાળકને નક્કી કરાયેલા સેન્ટર પર નિ:શુલ્ક સ્પીચ થેરાપી આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા બહેરાશ ધરાવતા બાળકોની સાંભળવા, બોલવાની ક્ષમતા પુન:પ્રસ્થાપિત કરી સામાન્ય બાળકોની જેમ તેઓ સામાન્ય જીવન જીવી શકે તે માટે યથાર્થ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.