Abtak Media Google News
  • છ વર્ષ પહેલા અમદાવાદના ઇનપુટના આધારે એસ.ઓ.જી.એ દરોડો પાડી લાખોની કિંમતનો નશાકારક જથ્થો પકડાયો‘તો
  • અદાલતે પ્રથમ વખત ઇલેક્ટ્રોનીક પુરાવાએ મજબુત સાંકળ રચી કેસને સજા તરફ દોરી ગયો: એક-એક લાખનો દંડ: એકને શંકાનો લાભ

Rajkot News

જંગલેશ્વર વિસ્તારમાં છ વર્ષ પહેલા એસ.ઓ.જી.ના દરોડો પાડી આઠ કિલો ચરસનો જથ્થા ઝડપી પાડ્યાના ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશો ચાર શખ્સોને 20-20 વર્ષ સખ્ત કેદની સજા અને એક-એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે એક શખ્સને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. ધાક બેસાડતા ચુકાદાથી નશીલા પદાર્થની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા. 9/ 09/ 2018ના નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરો, અમદાવાદે એક ઈસમને “ઈન્ટરસેપ્ટ” કરતા જાણવા મળેલ કે શકીલ અને સોહીલ નામના વ્યકિત રાજકોટ ખાતે મહેબુબ નામની વ્યકિતને ચરસ ડિલિવર કરી ગયેલ છે. એસ.ઓ.જી. પીઆઇ એસ.એન.ગડુ અને પીએસઆઇ એચ.એમ.રાણા સહિતના સ્ટાફે માહિતી મળતા વિવિધ ઈસમોના ફોન કોલ રેકર્ડ તપાસતા માલુમ 5ડેલ કે મહેબુબ ઠેબા નામની વ્યકિત જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને ચરસનો જથ્થો ત્યાં ડિલિવર થયેલ છે.

જંગલેશ્વર વિસ્તારના કોઈ શેરી નંબર કે મકાન ઉપરના નામ અંગે કોઈ જ માહિતી ન હોવાથી એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એન. ગડુ અને પીએસઆઇ એચ.એમ.રાણા સહિતના બે ટીમ બનાવી જંગલેશ્ર્વર વિસ્તારમાં ગુપ્ત રાહે તપાસ કરાવતા માલુમ પડેલ કે મહેબુબ ઠેબા જંગલેશ્વર વિસ્તારના શેરી નં. 13/19 ના ખૂણે આવેલ મકાનમાં રહે છે. આ માહિતી મળતા પોલીસે વિડિયોગ્રાફર સાથે મહેબુબ ઠેબાના આ મકાનમાં પંચોની હાજરીમાં રેડની કાર્યવાહી શરૂ કરેલ. જેમાં મહેબુબ ઠેબાના મકાનમાં રેડ કરી  પહેલા રૂમમાં આરોપી ઈલ્યાસ હારૂન સોરા માદક પદાર્થ ચરસના 1.010 કિલોગ્રામ ગઠ્ઠા સાથે, મકાનના ઉપરના ભાગે જાવેદ ગુલમહમદ દલ બાથરૂમમાં રેકઝીનના થેલામાંથી 2.08 કિલોગ્રામ ચરસના ગઠ્ઠા સાથે ત્યારબાદ શેરી નં. 11ના ખૂણે આવેલ ઓરડીમાં રફીક હબીબભાઈ લોયા થેલામાં 5.09 કિલોગ્રામ ચરસ સાથે સહિત કુલ આઠ કિલો ગ્રામ ચરસ સાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓની પૂછપરછમાં આ ચરસનો જથ્થો શકીલ શહીદ સૈફી નામની વ્યક્તિએ પહોંચાડેલ હોવાનું જણાવતા, પોલીસે  શકીલની પણ ધરપકડ કરી હતી.

આ બનાવમાં પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ ચાર્જશીટ મૂકવામાં આવતા, આ કેસ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો, જેમાં  સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ  એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે આરોપીઓ સામેની રેડનું વિડીયોગ્રાફરે શરૂઆતથી અંત સુધીનું રેકોર્ડિંગ કરેલ હોવાથી અદાલતને આ રેકોર્ડિંગ વાળી ડી.વી.ડી. ખરાઈ અંગેના પ્રમાણપત્ર સાથે રજુ કરવામાં આવી છે, જે સમગ્ર ડી.વી..ડી.માં ફિલ્મી સ્ટાઈલથી રેકોર્ડિંગ થયેલ હોય આ રેકોર્ડિંગ ઓપન કોર્ટમાં જોવામાં આવેલ છે. આ સમયે કોઈપણ આરોપીએ પોતાની ઓળખ અંગે કે મકાનના લોકેશન કે રાસાયણીક પૃથ્થકરણની પ્રક્રિયા વિગેરે બાબતે કોઈ જ તકરાર લેવામાં આવેલ ન હોવાથી આ કેસને “ઓપન એન્ડ શટ” એટલે કે બિનવિવાદાસ્પદ રીતે પૂર્ણ થયેલો ગણવામાં આવે. આ કેસમાં દલીલો માટે આરોપી પક્ષે પાંચ માસ સુધી ફક્ત મુદતો માંગવામાં આવતી હતી.

પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ કેસ ચોકકસ સમયમર્યાદામાં પુરો કરવાનો આદેશ આપેલ હોવાથી સેશન્સ અદાલતે વધુ મુદતો આપવાનો ઈન્કાર કરી આ કેસને જજમેન્ટ ઉપર મુકેલ હતો. આ કેસમાં ચરસનો જથ્થો આરોપીઓને પુરો પાડનાર પાંચમો આરોપી શકીલ સહીદ સૈફીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે. જયારે મહેબુબ ઓસમાણ ઠેબાને ચરસ મંગાવવા બદલ અને ઈલ્યાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફીક હબીબભાઈ લોયાને ચરસ રાખવા બદલ એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમો હેઠળ તકસીરવાર ઠરાવી સ્પેશિયલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી. બી. જાદવે ચારેય શખ્સોને 20 – 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અને પ્રત્યેકને રૂપિયા એક – એક લાખ દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતા.

ડીજીપી એસ.કે. વોરાએ ફાંસી સહિત સજાની સદી ફટકારી

અનેક ચકચારી કેસમાં ચમરબંદીને જેલના સળીયા પાછળ ધકેલાયા

જિલ્લા સરકારી વકીલ તરીકે આઠ વર્ષથી ફરજ બજાવતા  સંજયભાઈ કે. વોરાએ 100 મા કેસમાં સજાનો હુકમ મેળવી વિક્રમ સ્થાપેલ છે. વોરાના જણાવ્યા મુજબ તેઓએ આઠ વર્ષ દરમ્યાન સગીર બાળાઓ ઉપરના દુષ્કર્મના કેસોમાં 100 આરોપીઓને આજીવન કેદની સજાઓ, તેમજ ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળના કેસોમાં 30 આરોપીઓને ત્રણ થી દશ વર્ષની જેલની સજાઓ, ખૂનના કેસોમાં 20 આરોપીઓને આજીવન કેદની સજાઓ, સાપરાધ મનુષ્યવધના કેસોમાં 20 આરોપીઓને 10 વર્ષ સુધીની જેલની સજાઓ, નારકોટીકસના 13 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજાઓ તથા બનાવટી ચલણી નોટોના 10 વર્ષ સુધીની જેલની સજાઓ અપાવેલ છે તેમજ મગફળી કાંડમાં મગન ઝાલાવડીયાની, પેશકદમી અને હત્યાની કોશીષના ગુન્હાઓમાં બલી ડાંગર અને તેની ગેંગના સભ્યોની, ત્રણ વર્ષની બાળકી ઉપરના રેપ અને ખૂનના ગુન્હામાં આરોપીને ફાંસીની સજા, ગોંડલ વિસ્તારના નિખીલ દોંગા સહિત તેની ગેંગના 12 સભ્યો અને જામનગરના જયેશ પટેલ ગેંગના 14 આરોપીઓની તમામની જામીન અરજીઓ દરેક તબકકે રાજકોટની અદાલતોમાં રદ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.