Abtak Media Google News
  • ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપનાર તમામ મહાનુભાવો વાયા રાજકોટથી જશે
  • હીરાસર એરપોર્ટ ઉપર સવારે 11:25 કલાકે વિશેષ વિમાનમાં 3 હેલિકોપ્ટરના કાફલા સાથે પહોંચશે, ટંકારાનો કાર્યક્રમ પતાવ્યા બાદ સાંજે 4 વાગ્યે દિલ્હી પરત જવા રવાના થશે
  • રાષ્ટ્રપતિ માટે સિવિલમાં અલયદો વોર્ડ ઉભો કરાયો, સુરક્ષા જવાનોનું આગમન : કાલથી 4 દિવસ રાજ્યપાલ માટે સર્કિટ હાઉસ બુક 

Rajkot News

Advertisement

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ હાજરી આપવાના છે. તેઓ તા.12એ વાયા રાજકોટ થઈને ટંકારા જવાના છે. જેને લઈને કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ટંકારામાં આગામી તા.10થી 12 દરમિયાન મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ નિમિત્તે ત્રી દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.10ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મહોત્સવને ખુલ્લો મુકવામાં આવનાર છે. આ માટે મુખ્યમંત્રી પણ વાયા રાજકોટથી ટંકારા જવાના છે. વધુમાં તા.11ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજરી આપવાના છે. તેવું આર્ય સમાજ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારબાદ તા.12ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજરી આપવાના છે. તેઓની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જવા માટે દ્રૌપદી મુર્મુ તા.12ના રોજ સવારે 11:25 કલાકે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ખાસ વિમાન મારફતે આવી પહોંચશે. અહીં તેઓની સાથે 3 હેલિકોપ્ટરનો કાફલો પણ આવશે. વધુમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અહીંથી ટંકારા જવા રવાના થશે. જ્યાં હાજરી આપી તેઓ પરત હીરાસર એરપોર્ટ ખાતે પહોંચશે. અહીંથી તેઓ સાંજે 4 વાગ્યે ખાસ વિમાન મારફત દિલ્હી પરત જવા રવાના થશે.

રાષ્ટ્રપતિની ટ્રાન્ઝિટ વિઝિટને લઈને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તમામ વિભાગો દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે સુરક્ષા જવાનોનું પણ આગમન થઈ ચૂક્યું છે. ટંકારા ખાતે આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિનો સમગ્ર કાર્યક્રમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યની અધ્યક્ષતામાં યોજાનાર છે. તેઓ ત્રણેય દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. માટે રાજકોટનું સર્કિટ હાઉસ આવતીકાલથી જ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યુ છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યપાલ ત્રણેય દિવસ ટંકારા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રાતવાસો સર્કિટ હાઉસમાં જ કરવાના છે.

ગૃહમંત્રી અમિત શાહ પણ 11મીએ આવશે : સત્તાવાર કાર્યક્રમની જોવાતી રાહ

આર્ય સમાજ સંસ્થા દ્વારા જણાવાયુ છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ નિમિતે આયોજિત મહોત્સવમાં બીજા દિવસે એટલે કે તા.11ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આવવવાના છે. જો કે કલેકટર કચેરી ખાતે આ બન્ને કેન્દ્રીય નેતાઓનો કોઈ સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી. હાલ બન્ને નેતાઓના સત્તાવાર કાર્યક્રમની રાહ જોવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.