Abtak Media Google News

અન્ય નોટની સાપેક્ષે 2 હજારની નોટનું સર્ક્યુલેશન ઓછું હતું, જેટલી નાની નોટ એટલું સર્ક્યુલેશન વધુ થતું હોવાથી આરબીઆઈનો આ નિર્ણય અર્થતંત્ર માટે ફાયદારૂપ

આરબીઆઇએ 2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે નિર્ણયને હાલ નોટબંધી સાથે સરખાવવામાં આવી રહ્યો છે. જો કે આ નિર્ણયમાં નોટને પાછું ખેંચવાનું જાહેર કરાયુ છે. નોટને રદ બાતલ કરવાનું જાહેર કરાયુ નથી. એટલે કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ ચલણમાં રહેશે. ત્યાર સુધીમાં લોકોએ નોટને બેંકમાં જમા કરાવી દેવી પડશે.

Advertisement

ભારતીય રિઝર્વ બેંક એ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે . પરંતુ હાલ મોટા મૂલ્યની આ ચલણી નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે, એવી આરબીઆઇએ જાહેરાત કરી હતી. મધ્યસ્થ બેંકે લોકોને સલાહ આપી છે કે, છ વર્ષ પહેલા નોટબંધીની કવાયત દરમિયાન રૂ. 500 અને રૂ. 1000ની નોટો પાછી ખેંચી લેવાયા બાદ રજૂ કરવામાં આવેલી રૂ. 2000ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવી શકાશે અથવા એક્સચેન્જ કરાવી શકાશે.

નવેમ્બર 2016ની નોટબંધી બાદ મુખ્યત્વે રૂ. 500 અને રૂ. 1000ની નોટોની કાનૂની ટેન્ડર સ્થિતિને પાછી ખેંચી લીધા પછી અર્થતંત્રની ચલણની જરૂરિયાતને ઝડપથી પૂરી કરવાના ઉદ્દેશ્યથી આરબીઆઇએક્ટ, 1934ની કલમ 24(1) હેઠળ નવેમ્બર 2016માં રૂ. 2000ની નોટ રજૂ કરવામાં આવી હતી. હવે આ ઉદ્દેશ્યની પરિપૂર્ણતા સાથે અને એકવાર અન્ય મૂલ્યોની નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થયા પછી, 2018-19માં રૂ. 2000ની નોટોનું છાપકામ બંધ કરવામાં આવ્યું હતું.

આરબીઆઈએ માર્ચ 2017 પહેલા રૂ. 2000 મૂલ્યની મોટાભાગની નોટો જારી કરી હતી; આ નોટોનું આયુષ્ય અંદાજિત 4-5 વર્ષનું છે. મોટા મૂલ્યની આ ચલણી નોટોનો સામાન્ય નાણાંકીય વ્યવહારો માટે ઉપયોગ થતો નથી; આ ઉપરાંત, ચલણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અન્યમ મૂલ્યની બેંક નોટનો પૂરતો સ્ટોક છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને અને ભારતીય રિઝર્વ બેંકની ‘ક્લીન નોટ પોલિસી’ના અનુસંધાનમાં રૂ. 2000 મૂલ્યની બેંક નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

વર્ષ 2017-18 દરમિયાન દેશમાં 2000ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.  મહત્વનું છે કે 2019 બાદ રૂ.2000ની એક પણ નોટ છપાઈ નથી.

હાલ 2000ની નોટોનું પ્રમાણ ઓછું, એટલે સ્થિતિ સામાન્ય

2016ની જેમ આ વખતે બેંક શાખાઓમાં અરાજકતા અને લાંબી કતારો જોવા મળે તેવી શક્યતા નથી. 2018-19માં રૂ. 2000ની નોટોનું છાપકામ બંધ કરવામાં આવ્યું હતું, અને તે હવે સામાન્ય રીતે લોકો પાસે જોવા મળતી નથી. ઉપરાંત 500 અને 1000ની નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય અચાનક જાહેર કરવામાં આવ્યો હતો, જેનાથી લોકોને આશ્ચર્ય થયું હતું. 2000ની નોટો બદલવાની કામગીરી 23 મેથી એક્સચેન્જ શરૂ થશે, જેથી બેંકો અને જનતા પાસે પૂરતો સમય છે.

23 મેથી 30 સપ્ટે. સુધી 2 હજારની નોટ બદલી શકાશે

બેંકોને તૈયારી કરવા માટે સમય આપવા માટે આરબીઆઇએ નોટો બદલવા માટે 23 મેથી બેંકોમાં કાર્યવાહી કરવાનું જાહેર કર્યું છે. નોટ બદલવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. જે દરમિયાન આ નોટ ચલણ તરીકે ચાલુ જ રહેવાની છે.

એક સમયે મહત્તમ 10 નોટ બદલાવી આપવાની મર્યાદા

એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધી 2000ની નોટ બદલી શકાશે. આ માટે પોતાની બેંકમાં જવાની જરૂર નથી. બિન-ખાતા ધારક વ્યક્તિ પણ કોઈપણ બેંક શાખામાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીમાં 2000ની નોટ બદલાવી શકે છે. 2000 રૂપિયાની નોટને એકાઉન્ટ ધારક માટે દરરોજ 4000 રૂપિયાની મર્યાદામાં બદલાવી શકે છે.

જેટલી નોટ મોટી એટલું કાળા નાણાંનું જોખમ વધુ!

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે મોટી કરન્સી રાખવીએ અર્થતંત્ર માટે હિતાવહ નથી. કારણકે જેટલી નોટ મોટી એટલી જ કાળા નાણાંનું જોખમ વધી જાય છે. કારણ કે તેના સંગ્રહ માટે મોટી નોટ વધુ સરળ રહે છે. માટે 2000ની નોટ પાછી ખેંચાઇ તે અર્થતંત્ર માટે ફાયદારૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.