Abtak Media Google News

વર્ષ ૨૦૧૪માં ગુજરાતમાં થયું હતું ૬૩.૬૬ ટકા મતદાન આ વખતે માત્ર ૦.૦૭ ટકાના

વધારા સાથે ૬૩.૭૩ ટકા મતદાન: રાજયની ૨૬ પૈકી ૧૪ બેઠકો પર મતદાનનું પ્રમાણ

વઘ્યું: ૧૨ બેઠકો પર મતદાન ઘટયું: ૨૩મીએ ૩૭૧ ઉમેદવારોનાં ભાગ્યનો ફેંસલો

લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકામાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે ગઈકાલે એકદમ શાંતીપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. વર્ષ ૨૦૧૪માં દેશભરમાં નરેન્દ્ર મોદીની લહેર વચ્ચે ખુદ મોદીનાં હોમ સ્ટેટ એવા ગુજરાતમાં ૬૩.૬૬ ટકા મતદાન થયું હતું. પાંચ વર્ષ બાદ રાજયમાં આ પેટર્ન પર ગઈકાલે મતદાન થયું હતું. માત્ર ૦.૦૭ ટકાના સામાન્ય વધારા સાથે ૨૬ બેઠકો પર સરેરાશ ૬૩.૭૩ ટકા મતદાન થયું છે.

રાજયની ૨૬ પૈકી ૧૪ બેઠકો પર મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે તો ૧૨ બેઠકો પર મતદાન ઘટયું છે. ૩૭૧ ઉમેદવારોનાં રાજકિય ભવિષ્યનો ફેંસલો આગામી ૨૩મી મેએ થશે. જે રીતે રાજયમાં ૨૦૧૪ની પેટર્ન મુજબ મતદાન થયું છે ત્યારબાદ ચોરે અને ચોટે એક જ ચર્ચા ચાલી રહી છે કે, રાજયમાં ૨૦૧૪નાં પરીણામનું પુનરાવર્તન થશે કે ગુજરાતવાસીઓ પરીવર્તનનાં મુડમાં છે.

લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકાનાં મતદાનમાં ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી. ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે શાંતીપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. જે લોકશાહીની સૌથી મોટી જીત છે. વર્ષ ૨૦૧૪માં જયારે દેશભરમાં મોદીની લહેર હતી અને લોકો નિશ્ચિત પરિવર્તન ઈચ્છી રહ્યા હતા ત્યારે ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પર સરેરાશ ૬૩.૬૬ ટકા જેટલું જ મતદાન થયું હતું. આ વખતે એવી કોઈ લહેર ન હતી અને મંગળવારે આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ રહી હતા છતાં લોકો કાળઝાળ ગરમી સહિતનાં કારણો એકબાજુ છોડી સ્વયંભુ મતદાન માટે ઉમટી પડયા હતા. રાજયની ૨૬ બેઠકો પર સરેરાશ ૬૩.૭૩ ટકા મતદાન થયું છે. વર્ષ ૨૦૧૪ કરતાં આ વખતે મતદાનની ટકાવારીમાં માત્ર ૦.૦૭ ટકા જ વધારો નોંધાયો છે.

રાજયની બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત અને નવસારી બેઠક પર મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે. જયારે કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઈસ્ટ, અમદાવાદ વેસ્ટ, રાજકોટ, જુનાગઢ, વડોદરા, ભરૂચ, બારડોલી અને વલસાડ બેઠક પર મતદાનની ટકાવારી ઘટી છે. ઓવરઓલ જોવામાં આવે તો રાજયની મોટાભાગની બેઠકો પર ૨૦૧૪ની પેટર્ન માફક જ મતદાન થયું હોય આવામાં સહજ છે કે લોકોનાં મનમાં એ પ્રશ્ર્ન ઉઠે કે ગુજરાતવાસીઓ ૨૦૧૪નાં પરીણામનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે કે પરીવર્તનનાં મુડમાં છે. રાજયની ૨૬ બેઠકો પર ચુંટણી લડી રહેલા ૩૭૧ ઉમેદવારોનાં રાજકીય ભાવીનો ફેંસલો આગામી ૨૩મી મેના રોજ થશે.

મોદી લહેર વચ્ચે ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપે ઈતિહાસ સર્જતા તમામ ૨૬ બેઠકો પર ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ વખતે ખુદ ભાજપ પણ આવા પરીણામની આશા રાખતું નથી. અલગ-અલગ સર્વેમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે, ગુજરાતની ૨૬ પૈકી ૪ થી ૬ બેઠકો ભાજપનાં હાથમાંથી સરકી રહી છે પરંતુ ગઈકાલે જે રીતે ગુજરાતનાં કરોડો મતદારોએ વર્ષ-૨૦૧૪ની પેટર્ન પર જ મતદાન કર્યું તે પરથી હાલ તમામ મોઢે એક જ ચર્ચા ચાલી રહી છે કે શું રાજયમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીનાં પરીણામનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે કે પરીવર્તન થશે ? જોકે આ વાત પરથી પડદો એક માસ પછી ઉંચકાશે.

લોકસભાની ૫૪૩ બેઠકો માટે ૭ તબકકામાં મતદાન યોજાવાનું છે જે પૈકી ૩ તબકકાનું મતદાન પૂર્ણ થતાં દેશમાં લોકસભાની ૩૦૩ બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. હવે અલગ-અલગ ૪ તબકકામાં ૨૪૦ બેઠકો માટે મતદાન યોજાશે અને તમામ ૫૪૩ બેઠકો માટે એકી સાથે ૨૩મી મેએ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડશે કે દેશમાં સતાનું પુનરાવર્તન થયું છે કે પરીવર્તન.

મહેબુબાની વિધાનસભા બેઠકના ૪૦ મતદાન મથકો પર ‘શુન્ય’ મતદાન

ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી માટે ગઈકાલે ત્રીજા તબકકા માટે મતદાન યોજાયું હતુજેમાં જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીની વિધાનસભા બેઠક એવી અનંતનાગ જિલ્લાનાં બિજબેહરાના ૬૫ મતદાન મથકોમાથી ૪૦ મતદાન મથકો પર એકપણ મતદારો મતદાન કરવા ફરક્યા ન હતા જેથી આ મતદાન મથકો શુન્ય ટકા મતદાન થવા પામ્યું હતુ કાશ્મીરમાં સક્રિય અલગતાવાદી તત્વોએ લોકસભા ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હોય જેના પગલે આવા તત્વોનાં ડરના મતદારો આ મતદાન મથકો પર ફરકયા ન હોવાનું ખૂલવા પામ્યું છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકા માટે ગઈકાલે મતદાન યોજાયું હતુ જેમાં દેશના ૧૪ રાજયો અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોની ૧૧૬ બેઠકો પર મતદાન યોજાયું હતુ જેમાં જમ્મુ કાશ્મીરની અનંતનાગ લોકસભા બેઠક માટે મતદાન યોજાયું હતુ આ બેઠક નીચે આવતા ૬૫ મતદાન મથકો પર મતદારો મતદાન કરવા ફરકયા ન હોય શુન્ય ટકા મતદાન થયુંહ તુ આ ૬૫માંથી ૪૦ મતદાન મથકો પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીના વિધાનસભા મતક્ષેત્ર બિજબહેરા નીચે આવે છે. અનંતનાગ બેઠકના ૭૧૪ મતદાન મથકો પર મતદારોએ મતદાન કર્યું હતુ.

મહેબુબાના મતદાર ક્ષેત્રમાં નોંધાયેલા ૯૩,૨૮૯ મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ૧૨૦ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. તેમાના ૪૦ મતદાન મથકો પર શુન્ય ટકા મતદાન થયું હતુ જયારે ૬૦ મતદાન મથકો પર ૧,૮૯૩ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા બે ટકા મતદાન થવા પામ્યું હતુ. સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીમાંમ મતદાન સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા પ્રથમક તબકકામાં યોજાયેલી બારામુલ્લા લોકસભા બેઠકની ચૂંટણીમાં ૧૭ મતદાન મથકો પર શુન્ય ટકા મતદાન થયું હતુ જયારે બીજા તબકકામાં યોજાયેલી શ્રીનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ૯૦ ટકા મતદાન મથકો પર શુન્ય ટકા મતદાન થવા પામ્યું હતુ.

ગુજરાતની ૨૬ બેઠકો પર વર્ષ ૨૦૧૪ અને  ૨૦૧૯માં થયેલા મતદાનની ટકાવારી

લોકસભા બેઠકવર્ષ ૨૦૧૪વર્ષ ૨૦૧૯
કચ્છ૬૧.૭૮ ટકા૫૭.૫૩ ટકા
બનાસકાંઠા૫૮.૫૪ ટકા૬૪.૭૧ ટકા
પાટણ૫૮.૭૪ ટકા૬૧.૭૬ ટકા
મહેસાણા૬૭.૦૩ ટકા૬૪.૯૧ ટકા
સાબરકાંઠા૬૭.૮૨ ટકા૬૭.૨૦ ટકા
ગાંધીનગર૬૫.૫૭ ટકા૬૪.૯૫ ટકા
અમદાવાદ પૂર્વ૬૧.૫૯ ટકા૬૦.૭૭ ટકા
અમદાવાદ પશ્ર્ચિમ૬૨.૯૩ટકા૫૯.૮૨ ટકા
સુરેન્દ્રનગર૫૭.૦૭ ટકા૫૭.૮૪ ટકા
રાજકોટ૬૩.૮૯ ટકા૬૩.૧૨ ટકા
પોરબંદર૫૨.૬૨ ટકા૫૬.૭૭ ટકા
જામનગર૫૭.૯૯ ટકા૫૮.૪૯ ટકા
જુનાગઢ૬૩.૪૩ ટકા૬૦.૭૦ ટકા
અમરેલી૫૪.૪૭ ટકા૫૫.૭૩ ટકા
ભાવનગર૫૭.૫૮ ટકા૫૮.૪૧ ટકા
આણંદ૬૪.૮૯ ટકા૬૬.૦૩ ટકા
ખેડા૫૯.૮૬ ટકા૬૦.૩૨ ટકા
પંચમહાલ૫૯.૩૦ ટકા૬૧.૬૯ ટકા
દાહોદ૬૩.૮૫ ટકા૬૬.૦૫ ટકા
વડોદરા૭૦.૯૪ ટકા૬૭.૬૨ ટકા
છોટા ઉદેપુર૭૧.૭૧ ટકા૭૨.૯૧ ટકા
ભરૂચ૭૪.૮૫ ટકા૭૧.૭૭ ટકા
બારડોલી૭૪.૯૪ ટકા૭૩.૫૭ ટકા
સુરત૬૩.૯૦ ટકા૬૩.૯૯ ટકા
નવસારી૬૫.૮૨ ટકા૬૬.૪૨ ટકા
વલસાડ૭૪.૨૮ ટકા૭૪.૦૯ ટકા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.