Abtak Media Google News

ચૂંટણી પ્રચાર માટે ખૂબ જ ઓછો સમય હાથ હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસ મોટાભાગના સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરે તેવી પ્રબળ સંભાવના

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે. 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી શનિવારથી શરૂ થઇ જશે. આવતા સપ્તાહે ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા આવતા સપ્તાહે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. પ્રચાર માટે ખૂબ જ ઓછા દિવસો હાથમાં હોવાના કારણે રાજકીય પક્ષો પોતાના સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

Advertisement

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારીની પસંદગી માટેની કસરત શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 100 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે શનિવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતી હોય 89 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આગામી સપ્તાહે અલગ-અલગ બે કે ત્રણ તબક્કામાં ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવા અને મતદાનની તારીખ સુધીમાં માત્ર 14 દિવસનું અંતર છે. જેમાં અંતિમ બે દિવસ પ્રચાર-પ્રસાર કરી શકાતો નથી. આવામાં ઉમેદવારો પાસે ચૂંટણી પ્રચાર માટે માત્ર 12 દિવસ હાથમાં રહેશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ પ્રચાર માટે 12 દિવસનો સમયગાળો ઓછો પડે છે આવામાં વિધાનસભાનો વિસ્તાર ખૂબ જ મોટો હોવાના કારણે જો રાજકીય પક્ષો પોતાના સિટીંગ એમએલએની ટિકિટ કાપી નવા ચહેરાને મેદાનમાં ઉતારે તો તેને મતદારો વચ્ચે ઓળખ-પરેડમાં જ મોટાભાગનો સમય પસાર થઇ જતો હોય છે આવામાં એકપણ રાજકીય પક્ષ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપે તેવી સંભાવના હાલ જણાતી નથી.

સત્તાધારી પક્ષ ભાજપ જે બેઠકો પર વર્ષોથી મજબૂત છે અને જે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ વિવાદ કે વિરોધ ઉભો થાય તેવી કોઇ જ શક્યતા નથી તેવી બેઠકો માટે સોમવાર કે મંગળવારે જ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે. બીજી તરફ એવી પણ વાત સંભળાઇ રહી છે કે કોંગ્રેસ દ્વારા આવતીકાલ સાંજ સુધીમાં ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે. જ્યારે આવતા સપ્તાહે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી શકે તેવી પણ શક્યતા હાલ નકારી શકાતી નથી.

ચૂંટણીપંચના નિયમ મુજબ ચૂંટણી જાહેર થવાથી લઇ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા માટે 28થી લઇ 38 દિવસનો સમયગાળો રાખવો જરૂરી છે. જેને ચુસ્તપણે આ વખતે વળગી રહ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 38 દિવસમાં પૂર્ણ થઇ જશે. ચૂંટણી જાહેર થયાના એક દિવસ બાદ જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતી હોય તેવી ઘટના લગભગ પ્રથમવાર બનશે. રાજકીય પક્ષો માટે વિચારવા કે ચૂંટણીના સમીકરણો ગોઠવવા માટે વધુ સમય બચ્યો નથી. આવતા સપ્તાહેના આરંભથી ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઇ જશે. જે રીતે પ્રચાર માટે માત્ર બે સપ્તાહનો સમયગાળો આપવામાં આવ્યો છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ તમામ સિટીંગ ધારાસભ્યોને મોટાભાગે રિપીટ કરશે.

ઉમેદવારો માટે રાત થોડી અને વેશ ઝાઝો જેવો માહોલ

પ્રચાર માટે મળતા સમયમાં 25 થી 33 ટકા સુધીનો કાપ આવે તેવી ભીતિ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સૌથી વધુ ચિંતા ચૂંટણી લડતા ઉમેદવારોને રહેશે. હાર-જીતની બાબત તો એકબાજુ રહી ઉમેદવારોને પ્રચાર-પ્રસાર માટે પણ પુરતો સમય મળશે નહી. પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં યોજાવાનું હોય આવતા સપ્તાહે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. ફોર્મ ભરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવશે ત્યારબાદ ચારથી પાંચ દિવસ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયામાં નિકળી જશે.

ચૂંટણી પંચના નિયમ મુજબ ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે 12 થી 14 દિવસનો સમય મળવો જોઇએ. ફોર્મ પરત ખેંચવા સહિતની પ્રક્રિયા 14 થી 15 નવેમ્બર વચ્ચે પૂર્ણ થશે. ત્યારબાદ ઉમેદવારો પ્રચાર કાર્યમાં લાગી જશે. વિધાનસભાનો મત વિસ્તાર ખૂબ જ મોટો હોય છે. આવામાં 12 થી 14 દિવસના પ્રચાર સમયગાળામાં તમામ મતદારો સુધી પહોંચવું મૂશ્કેલ બની જાય છે. ઉમેદવારો માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવો માહોલ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.