Abtak Media Google News

૨૨ વર્ષ પહેલા થયેલા ખજૂરાહોકાંડમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતીયુ કાઢી માર મારવામાં આવ્યો’તો: ૩૦ જાન્યુઆરી પહેલા ધરપકડ કરીને અદાલતમાં હાજર કરવા આદેશ

૨૨ વર્ષ પહેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતીયુ કાઢીને માર મારવાના કેસમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના સુપ્રીમો પ્રવિણ તોગડીયા સહિત ૩૬ નેતાઓ સામે મેટ્રોપોલીટન કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ કાઢયું છે. તમામ આરોપીઓની ધરપકડ કરીને ૩૦ જાન્યુઆરીના રોજ હાજર કરવા કોર્ટે પોલીસને આદેશ કર્યો છે.

૧૯૯૬માં ખજૂરાહકાંડ સમયે સરદાર પટેલ સ્ટેડિયમમાં બનેલી ઘટનામાં તમામ આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતીયુ કાઢીને માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ભાજપના અન્ય નેતાઓ ઉપર હુમલો થયો હતો. જેમાં શંકરસિંહ વાઘેલાના ટેકેદારો હોવાના આક્ષેપો થયા હતા. આ કેસમાં તમામ આરોપીઓ સામે કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કર્યું છે.

અલબત્ત બિલ્ડર ઈલેશ પટેલ મેટ્રો કોર્ટમાં જઈને વોરંટ રદ્દ કરાવી આવ્યા છે. આ કેસમાં ભાજપના જે નેતાઓ ઉપર હુમલો થયો હતો તે શંકરસિંહ વાઘેલાના ટેકેદારો હતા અને ભાજપમાં બળવો થતા તેઓ વાઘેલા સાથે મધ્યપ્રદેશમાં ખજૂરાહો ગયા હોવાથી બદલો લેવા માટે તેઓ ઉપર હુમલો કર્યો હતો.

ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને વિશ્ર્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા સહિતનાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. તાજેતરમાં રાજય સરકારે કેસ પરત ખેંચી લેવા સરકારી વકીલને પત્ર પાઠવ્યો હતો.

જે પત્રો સરકારી વકીલે કોર્ટમાં રજૂ કરીને એક અરજી આપીને કાયદાકીય જોગવાઈ મુજબ કેસ પરત ખેંચવા મંજૂરી માંગી હતી. જેની સુનાવણી બાદ અદાલતે અરજી ફગાવી દીધી હતી. નીચલી કોર્ટના હુકમ સામે સેશન કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે નીચલી કોર્ટમાં રેકોર્ડ પરત મોકલી દીધુ હતું. આ કેસમાં મુદ્દતે આરોપી હાજર નહીં રહેતા કોર્ટે વિશ્ર્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા સહિતના તમામ આરોપીઓ સામે બિનજામીન પાત્ર વોરંટ કાઢયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.