Abtak Media Google News

ટોક્યોના હનેડા એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડ પ્લેન સાથે સંભવિત અથડામણ બાદ જાપાન એરલાઈન્સનું એક વિમાન આગમાં ભભૂકી ઉઠી હતી. એરલાઈને જણાવ્યું હતું કે તમામ 379 મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકેએ પ્લેનમાં આગની ઘટનાના ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં રેસ્ક્યુ ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

લેન્ડિંગ સમયે વિમાન કોસ્ટ ગાર્ડના પ્લેન સાથે અથડાયું: પાંચ લોકોના મોતના અહેવાલ

કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે તેનું પ્લેન પેસેન્જર પ્લેન સાથે અથડાયું હોવાની શક્યતાની તપાસ કરી રહ્યું છે. તે જ સમયે એનએચકેએ અહેવાલ આપ્યો કે કોસ્ટ ગાર્ડ પ્લેનના છ ક્રૂ સભ્યોમાંથી પાંચ મૃત્યુ પામ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાઇલટને બહાર કાઢવામાં આવ્યો હતો. હનેડાએ ઘટના બાદ તમામ રનવે બંધ કરી દીધા છે, તેવું એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું.

અહેવાલ અનુસાર કોસ્ટ ગાર્ડ પ્લેન સોમવારે મધ્ય જાપાનમાં આવેલા 7.6-ની તીવ્રતાના ભૂકંપથી પ્રભાવિત વિસ્તારને મદદ કરવા માટે પુરવઠો પરિવહન કરવાના મિશન પર હતું. એનએચકે ફૂટેજમાં પ્લેનના એન્જિન વિસ્તારની નજીકથી આગની જ્વાળાઓ આવતી દેખાઈ રહી છે કારણ કે અગ્નિશામકો આગ પર લડી રહ્યા હતા. ફાયર બ્રિગેડની 70 જેટલી ગાડીઓ મોકલવામાં આવી હતી. પરંતુ સાંજે 6:30 (સ્થાનિક સમય) સુધીમાં પ્લેન લગભગ સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયું હતું. હાનેડાના તમામ રનવે લગભગ સાંજે 6 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા હતા. કેટલીક ફ્લાઇટ્સ ચિબા પ્રીફેક્ચરના નરિતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

અહેવાલ અનુસાર જાપાન એરલાઈન્સે કહ્યું કે પેસેન્જર પ્લેન કાં તો રનવે પર અન્ય પ્લેન સાથે અથડાયું હતું અથવા લેન્ડિંગ બાદ ટેક્સીવે સાથે અથડાયું હતું. જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને પર્યટન મંત્રાલયે કહ્યું કે તે આ મામલે તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.