Abtak Media Google News

હડતાળને પગલે જિલ્લાના 2 લાખથી વધુ પરિવારોને અસર પહોંચે તેવી શક્યતા

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 539 સસ્તા અનાજની દુકાનો આવેલી છે જ્યાંથી જિલ્લાના 2 લાખથી વધુ રેશન કાર્ડધારોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન સહીતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઇને અગાઉ પણ બે દિવસની હડતાળ કરવામાં આવી હતી.
તેમ છતાં સરકાર દ્વારા તેનો કોઇ ઉકેલ ન લાવતા સસ્તા અનાજના દુકાનદારોના રાજ્ય સંગઠન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપવામાં હતું. પરંતુ પાકીસ્તાન સાથેની તણાવભરી સ્થિતીને લઇને રાજ્ય સંગઠનના પ્રમુખે ગુરૂવારે મોડી રાત્રે હડતાળ મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.
આ હડતાળનામાં જિલ્લાના 539 દુકાનધારકો પણ જોડાશે જેને લઇને જિલ્લાના 2 લાખથી વધુ પરિવારનો અસર પહોંચે તેવી શક્યતા છે. રાજ્ય સંગઠન દ્વારા પહેલા અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ દેશની તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લઇને ગુરૂવારે મોડી રાત્રે તે મોકુફ રાખવાની જાહેરાત કરાઈ હતી ત્યારે જિલ્લાના સંગઠનોએ 4 દિવસની હડતાળનું એલાન આપ્યું છે.
જેનાથી જિલ્લાના મધ્યમવર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતી સર્જાવાની શક્યતા છે. પરવાનેદારોની મુખ્ય માંગમાં અન્ય રાજ્યોની જેમ ક્વિન્ટલ દીઠ કમિશન 200 રૂપિયા આપવું, આધાર કાર્ડની કામગીરીમાંથી મુક્તી આપવી અથવા તે પેટે સરકાર દ્વારા વળતર આપવામાં આવે, સર્વરની કનેક્ટીવીટીની સમસ્યા દુર કરવી, પરવાનેદારોને વહીવટી ખર્ચ પેટે દર માસે અમુક રકમ આપવી, વિમાકવચ આપવું સહીતની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે.
આ અંગે સુરેન્દ્રનગર ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ નારાયણભાઇ ચાવડાએ જણાવ્યું કે રાજ્ય સંગઠન દ્વારા અમને વિશ્વાસમાં લીધા વગર જ હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પરવાનેદારો 4 દિવસની પ્રતિક હડતાળ રાખી વિરોધ દર્શાવશે. સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના પરવાનેદારોએ 4 દિવસની પ્રતિક હડતાળને લઇને પુરવઠા અધિકારીને લેખીત રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.