Abtak Media Google News

અબતક, નવી દિલ્‍હી

પાકિસ્તાને પોતાની જેલોમાંથી ૨૦ ગુજરાતી માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો ગીર સોમનાથ જિલ્લામાં પોતાના વતનમાં પરત ફરશે. જોકે, હજું પણ પાકિસ્તાનની જેલોમાં ૩૫૦ કરતાં વધુ માછીમારો જેલમાં બંધ છે. ભારત સરકારે તેમને પણ મુક્ત કરવાની રજૂઆત કરી છે.

ગુજરાતના ૨૦ માછીમારો વાઘા સરહદેથી તે ભારતમાં પ્રવેસીને ટ્રેન મારફતે ગુજરાતમાં આવશે. આ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે. પાકિસ્તાનના ઈધી ટ્રસ્ટ ફાઉન્ડેશનના સહયોગથી તમામ માછીમારોને વાઘા સરહદે પહોંચાડવામાં આવશે.

માછીમારોને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે અને
ત્યારબાદ એ તમામ માછીમારો ગીર સોમનાથ જિલ્લામાં પોતાના વતનમાં પરત ફરશે

પાકિસ્તાનના અધિકારીઓએ કહ્યું હતું કે આ માછીમારોએ અરબી સમુદ્રની જળસીમા ઓળંગીને પાકિસ્તાનની સરહદમાં આવી ગયા હતા. તે પછી તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ માછીમારોએ નિયત કરેલી જેલની સજા કાપી હતી.

તે ઉપરાંત ૩૫૦ કરતાં વધુ માછીમારો હજુય પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમણે પણ સજા ભોગવી લીધી છે અને ઓળખ પણ થઈ ચૂકી છે એટલે તેમને મુક્ત કરવાની રજૂઆત ભારત સરકારે કરી છે.

માછીમારો માટે કામ કરતા ઈધી ફાઉન્ડેશન પ્રમાણે ભારતના લગભગ ૬૦૦ જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાની શક્યતા છે. જેમાંથી ૩૫૦ જેટલા માછીમારોએ નિયત સજા પૂર્ણ કરી લીધી છે અને તેમની નાગરિકતાની ચકાસણી થઈ ગઈ છે. તેથી તેમને થોડા સમય બાદ મુક્ત કરાય તેવી શક્યતા છે.

ગીર સોમનાથ જિલ્લાના આ માછીમારો પાકિસ્તાનની લાંધી જેલમાં બંધ હતા. એમાંથી ઘણાં માછીમારોએ તો ત્રણેક વર્ષ પહેલાં જ તેમની સજા પૂરી કરી લીધી હતી, છતાં પાકિસ્તાને નાગરિકતાની ચકાસણીના બહાને તેમને જેલમાં બંધ રાખ્યા હતા. તેમને વાઘા બોર્ડર સુધી પહોંચાડતા પહેલાં કપડાં અને તે સિવાયની ગિફ્ટ્સ આપવામાં આવશે. થોડીક રોકડ રકમ પણ અપાશે એવું ઈધી ફાઉન્ડેશનના પ્રમુખ ફૈઝલ ઈધીએ કહ્યું હતું.

આ સંગઠન વિખ્યાત સમાજસેવક અબ્દુલ સતાર ઈધીના નામે ચાલે છે. તેમને ભારતે પણ ગાંધી પીસ પ્રાઈઝ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની જેલમાં સબડતાં ૬૦૦ જેટલાં માછીમારોને ટૂંક સમયમાં મુક્ત કરાવી લેવાશે એવો આશા ભારતીય અધિકારીઓએ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.