Abtak Media Google News

સતત બીજા દિવસે પીજીવીસીએલના દરોડા

આજી-1, આજી-2, મોરબી રોડ અને કોઠારીયા રોડ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ગઈકાલે હાથ ધરાયેલ ચેકીંગમાં 25 લાખની વીજ ચોરી ઝડપાઇ

સતત બીજા દિવસે પીજીવીસીએલના દરોડા યથાવત રહ્યા છે. આજે મવડી, વાવડી અને ખોખડદળમાં વીજતંત્રની 44 ટિમો ત્રાટકી છે. જ્યારે આજી-1, આજી-2, મોરબી રોડ અને કોઠારીયા રોડ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ગઈકાલે હાથ ધરાયેલ ચેકીંગમાં 25 લાખની વીજ ચોરી ઝડપાઇ છે.

રાજકોટ શહેરી તેમજ આસપાસના વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જૂન મહિના બાદ જુલાઈ મહિનાની શરૂઆત થતા ત્રીજા સપ્તાહમાં રાજકોટ શહેરી વિસ્તારમાં ગઈકાલે અલગ-અલગ 45 ટીમો દ્વારા શિવાજી પાર્ક, લાલપરી વિસ્તાર, જયજવાન સોસાયટી, બેડીપરા શ્રમજીવી, ગંજીવાડા, સીતારામ પાર્ક અને ઓમ પાર્ક સહિતના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 896 વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 107 વીજ કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા 25.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

બીજી તરફ આજે પીજીવીસીએલની 44 ટીમોએ મવડી, વાવડી અને ખોખડદળ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં રણુંજા ફીડર હેઠળના ઋષિપ્રસાદ, પંચનાથ, રણુજા, ભવનાથ ફીડર હેઠળના જડેશ્વર, વેલનાથ, હરિઓમ, શિવ પાર્ક, સરદાર ફીડર હેઠળના રસુલપરા, રામનગર, મોહમ્મદીબાગ, આવકાર, ચામુંડા ફીડર હેઠળના વિશ્વેશ્વર, આંબેડકરનગર શેરી નંબર 1 થી 4, ગોકુલનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ છે.આ ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયોગ્રાફર, 12 લોકલ પોલીસ અને 15 એસઆરપીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છ કે, ગત જૂન મહિનાના બીજા સપ્તાહના 5 દિવસ દરમિયાન શહેરી વિસ્તારમાં દરોડા પાડી પીજીવીસીએલ દ્વારા 5 દિવસમાં 1.30 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં અંદાજિત 2000થી વધુ કનેક્શન ચેક કરી 450થી વધુ ક્નેક્શનમાંથી વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે મેં મહિના દરમિયાન પણ રાજકોટ શહેરમાંથી કુલ 1 કરોડ 14 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.