Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આખી રાત વરસાદ વરસ્યો: વાંકાનેર અને રાણપુરમાં ૩ ઈંચ, ચોટીલા અને ચુડામાં ૧॥સવારથી ઝરમર વરસાદ

આ વર્ષે ચોમાસાની સીઝનનું કેન્દ્રબિંદુ જાણે મોરબી જિલ્લાનું ટંકારા બન્યું હોય તેમ સૌથી વધુ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગતરાત્રે ટંકારામાં વધુ ૩॥ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સીઝનમાં આજસુધીમાં ટંકારામાં ૪૯ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આખીરાત ધીમીધારે વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં વધુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક પખવાડીયાથી સતત વરસાદ ચાલુ છે. બુધવારે સૌરાષ્ટ્રના તમામ ૧૧ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને ચુડામાં દોઢ ઈંચ, સાયલા, લીંબડી, વઢવાણમાં ૧ ઈંચ, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને રાજકોટ શહેરમાં દોઢ ઈંચ, લોધીકા, ગોંડલમાં એક ઈંચ, જસદણ, જેતપુર, જામકંડોરણા, પડધરીમાં અડધો ઇંચ, મોરબી જિલ્લાના માળીયામિંયાણામાં અડધો ઈંચ, મોરબીમાં ૨ ઈંચ, ટંકારામાં ૩॥ઈંચ, વાંકાનેરમાં ૩ ઈંચ, અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચ, અમરેલી, બાબરા, ધારી, ખાંભા, લાઠી, લીલીયા, સાવરકુંડલા અને વડીયામાં પોણો ઈંચ, ભાવનગર જિલ્લાના ઉમરાળા, તળાજામાં દોઢ ઈંચ, જેસર, પાલિતાણા, વલ્લભીપુરમાં પોણો ઈંચ જયારે બોટાદ જિલ્લાના રાણપુરમાં અઢી ઈંચ, ગઢડા અને બરવાળામાં દોઢ તથા બોટાદ શહેરમાં એક ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજસુધીમાં ૭૪.૬૧ ટકા વરસાદ વરસી ગયો છે.

મોરબી જિલ્લા પર આ વર્ષે મેઘરાજાએ વિશેષ હેત રાખ્યું હોય તેમ મોરબીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે આખો દિવસ ધીમીધારે વરસાદ વરસ્યા બાદ રાત્રે મેઘરાજાનું જોર વધ્યું હતું. ટંકારામાં વધુ ૩॥ઈંચ અને વાંકાનેરમાં ૩ ઈંચ વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. ટંકારામાં મોસમનો ૨૩૨ ટકા, વાંકાનેરમાં ૧૫૭ ટકા, મોરબીમાં ૧૨૨ ટકા, હળવદમાં ૧૧૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદના કારણે હજુ સેંકડો લોકો પ્રભાવિત થયા છે. ત્યારે ગત રાત્રે વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા જનજીવન પર વ્યાપક અસર પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.