Abtak Media Google News

સંઘ, શિક્ષિત, રાજકીય વ્યક્તિ અને કવિ અત્યાર સુધીમાં કુલપતિ રહી ચુક્યા છે: સંઘને વરેલા ડો.કનુભાઈ માવાણી સતત બે ટર્મ કુલપતિ રહ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23 મે, 1967ના રોજ થયેલી. રાજકોટ શહેરની પશ્ચિમે રૈયા અને મુંજકા ગામ વચ્ચેના ઉચ્ચ ભૂમિપ્રદેશમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ક્ષેત્રફળ 410 એકર હતું, જેમાંથી 50 એકર જમીન મેડિકલ કોલેજ માટે અપાતાં હાલમાં (ઈ. સ. 2008માં) 360 એકર જમીનમાં યુનિવર્સિટી વિસ્તરેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓનો સમાવેશ થતો હતો જો કે જૂનાગઢમાં યુનિવર્સીટીની સ્થાપના થતા ત્યારબાદ જૂનાગઢ અને પોરબંદરની કોલેજો અલગ થવા પામી હતી.

યુનિવર્સિટીની સ્થાપના વખતે કોલેજોની સંખ્યા 27 હતી, જે 3132008ના રોજ 310 હતી. જો કે આજે યુનિવર્સીટી અંતર્ગત 242 કોલેજો છે.આરંભે ત્રણેક અનુસ્નાતક ભવનો હતાં, જેમાં ઉત્તરોત્તર વધારો થતાં યુનિવર્સિટીના નેજા હેઠળ નીચે મુજબનાં 27 અનુસ્નાતક ભવનો કાર્યરત છે : (1) ગુજરાતી, (2) અર્થશાસ્ત્ર, (3) સમાજશાસ્ત્ર, (4) ઇતિહાસ, (5) બાયોસાયન્સ, (6) ભૌતિકશાસ્ત્ર, (7) રસાયણશાસ્ત્ર, (8) આંકડાશાસ્ત્ર, (9) ગણિતશાસ્ત્ર, (10) ઇલેક્ટ્રોનિક્સ, (11) વાણિજ્ય, (12) શિક્ષણશાસ્ત્ર, (13) કાયદાશાસ્ત્ર, (14) ગૃહવિજ્ઞાન, (15) પત્રકારત્વ, (16) અંગ્રેજી અને તુલનાત્મક સાહિત્ય, (17) સંસ્કૃત, (18) મનોવિજ્ઞાન, (19) હિન્દી, (20) એમ.બી.એ., (21) ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન, (22) કમ્પ્યૂટર-સાયન્સ, (23) માનવ-અધિકારો, (24) સમાજકાર્ય, (25) ફિલોસોફી, (26) ફાર્મસી અને (27) શારીરિક શિક્ષણ. આ ઉપરાંત યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ કોલેજ તથા કમ્પ્યૂટર-સેન્ટર કાર્યરત છે.યુનિવર્સિટીની 242 જેટલી સંલગ્ન કોલેજોમાં જુદી જુદી વિદ્યાશાખાઓના વિવિધ વિષયોનાં અનુસ્નાતક-કેન્દ્રો ચાલે છે. પ્રવેશવંચિત, વ્યવસાયને કારણે કે અન્ય પ્રતિકૂળતાઓને લીધે નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓના હિતમાં વિનયન અને વાણિજ્ય વિદ્યાશાખામાં પ્રથમ વર્ષથી અનુસ્નાતક-કક્ષા સુધીના એક્સ્ટર્નલ અભ્યાસક્રમબાહ્ય પરીક્ષાની જોગવાઈ છે. વળી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનાં પ્રાદેશિક કેન્દ્રો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સક્રિય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંઘનો પ્રવેશ 1996માં થયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં છેલ્લા બે દાયકાથી કુલપતિ પદ અને સંઘ વચ્ચે કનેક્શન જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1996માં સંઘનો પ્રવેશ થયો હતો. વર્ષ 1996માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ પદ પર સંઘના કલ્પક ત્રિવેદીની પ્રથમ વખત નિમણૂંક કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 1999થી આજ સુધી કુલપતિ પદ પર સંઘ સાથે જોડાયેલી વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે. જો કે વચ્ચે એક ટર્મ માટે પોલિટિકલ કનેક્શનથી ડો.પ્રતાપસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી હતી.

સ્થાપના દિવસે મુખ્ય વહિવટી બિલ્ડીંગ ખાતે સામુહિક પ્રાર્થના યોજાઇ

સૌરાષ્ટ્ર યુનિ. ના પ7માં સ્થાપના દિવસ નીમીતે યુનિવર્સિટી કેમ્પસ પ્લાઝામાં આવેલા સરસ્વતિ મંદીરમાં સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ પ્રો. ગીરીશભાઇ ભીમાણી દ્વારા સરસ્વતિ માતાજીનું પુજન-અર્ચન અને સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મુખ્ય વહીવટી બીલ્ડીંગ ખાતે સામુહિક પ્રાર્થના યોજાઇ હતી.સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ પ્રો. ગીરીશભાઇ ભીમાણીએ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ.નો પ7મો સ્થાપના દિવસની આજે ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં સ્થાપના કાળથી પ્રથમ કુલપતિ તરીકે લબ્ધપ્રતિષ્ઠિત, સાક્ષર ડો. ડોલરરાય માંકડ જેવા શિક્ષણના પાયાના પથ્થરના માર્ગદર્શન હેઠળ શરુ થયેલી આ વિકાસયાત્રામાં ગુજરાતના હાઇકોર્ટના જજ તરીકે જવાબદારી સંભાળતા એવા એ.આર. બક્ષી, નિવૃત કલેકટર અને સનદી અધિકારી રસિકભાઇ શુકલ જેવા કાબેલ વહીવટકર્તા તેમજ શિક્ષણ જગતમાં જેમનું મોખરાનું સ્થાન રહેલ છે તેવા જે.બી. સાંડીલ્ય, ડો. હરસુખભાઇ સંઘવી, યશવંતભાઇ શુકલ, પ્રો. દેવરતભાઇ પાઠક, ડો. કે.એન. શાહ, જાણીતા કવિ ડો. સિતાંશુભાઇ મહેતા, ડો. શંકરભાઇ દવે, ડો. જયેશભાઇ દેસાઇ, ડો. હરસીતભાઇ જોશી, ડો. કનુભાઇ માવાણી, ડો. કમલેશભાઇ જોશીપુરા: ડો. મહેન્દ્રભાઇ પાડલીયા, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. નીતીનભાઇ પેથાણી સહીતના વિવિધ પ્રકારના અનુભવ, કૌશલ્ય ધરાવતા શિક્ષણ અને અન્ય ક્ષેત્રના તજજ્ઞ અને નિષ્ણાંત કુલપતિઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. અને સૌરાષ્ટ્ર યુનિ. એ રાજયની તમામ યુનિવર્સિટીઓમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેમાં તમામ પૂર્વ કુલપતિ ઓ, પૂર્વ ઉપકુલપતિઓ અને શૈક્ષણીક અને બીનશૈક્ષણિક પરિવાર, વિઘાર્થીઓનું મહત્વનું યોગદાન રહેલ છે.

રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલીકરણમાં યુનિ. અગ્રેસર રહી ઇચ્છીત પરિણામો હાંસલ કરશે: ડો.કમલેશ જોશીપુરા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને વર્તમાનમાં  ભારત સરકારના સભ્ય પ્રોફેસર કમલેશ જોષિપુરા અને ડો કલ્પક ત્રિવેદી  એ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર અને સૌરાષ્ટ્રના શૈક્ષણિક જગતને ઉન્નત, ઉજવળ અને ઉત્તમ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રો .કમલેશ જોષીપુરા અને ડો કલ્પક ત્રિવેદી જણાવ્યું છે કે આ યુનિવર્સિટીના અનેક વિદ્વાન અભ્યાસુઓ અને શ્રેષ્ઠ સંશોધકોએ તેના સ્થાપના કાળથી  યુનિવર્સિટીને ગરીમાંમય ઉંચાઈ બક્ષી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક એમ સર્વે કર્મચારી મિત્રોએ પરિશ્રમપૂર્ણ પ્રયત્નોથી શૈક્ષણિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે એટલું જ નહીં પરંતુ સવિશેષ રીતે વિજ્ઞાન વાણિજ્ય અને માનવવિદ્યા તથા સમાજ વિજ્ઞાનના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધન દ્વારા આ યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત બનાવી છે ત્યારે આગામી સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ અગ્રેસર રહી અને ઇચ્છિત પરિણામો હાંસલ કરશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ છે.

અત્યાર સુધીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17 કુલપતિ

– ડી.આર.માંકડ (18.08.1966 થી 29.08.1970)

– એ.આર.બક્ષી (27.10.1970 થી 18.07.1972)

– જે.બી.સેનડીલ (05.03.1973 થી 15.04.1974)

– વાય.પી.શુક્લ (11.07.1974 થી 06.04.1975)

– એચ.એસ.સંઘવી (03.08.1975 થી 02.08.1978)

– ડી.એન.પાઠક (07.08.1978 થી 06.07.1980)

– એસ.આર.દવે (03.02.1981 થી 02.02.1984)

– આર.બી.શુક્લ (05.04.1984 થી 18.04.1987)

– કે.એન.શાહ (19.04.1987 થી 18.04.1990)

– એસ.વાય.મહેતા (26.04.1990 થી 25.04.1993)

– જે.જે.દેસાઇ (26.04.1993 થી 25.04.1996)

– એચ.એમ.જોશી (30.07.1996 થી 29.07.1999)

– કે.જી.માવાણી (04.08.1999 થી 03.08.205)

– કમલેશ જોશીપુરા (04.08.2005 થી 03.08.2011)

– મહેન્દ્ર પાડલીયા (20.10.2011 થી 19.10.2014)

– પ્રતાપસિંહ ચૌહાણ (25.02.2015 થી 24.02.2018)

– નીતિન પેથાણી (07.02.2019 થી 06.02.2022)

હાલમાં ઇન્ચાર્જ કુલપતિ છેલ્લા દોષ વર્ષથી ડો.ગીરીશ ભીમાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.