Abtak Media Google News

અફઘાનિસ્તાનમાં 6.3ની તિવ્રતાના ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. પ્રમાણમાં જાનમાલને નુકસાન થયુ છે. આ ભૂકંપમાં હાલ મૃત્યુઆંક 2445એ પહોંચ્યો છે.  મૃત્યુઆંક હજી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,445 થઈ ગયો છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 465 મકાનો ધ્વસ્ત થયા છે અને 135ને નુકસાન થયું છે. પશ્ચિમ અફઘાનિસ્તાનમાં રવિવારે આવેલા ભૂકંપમાં ઘણા લોકો ઘાયલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

મૃત્યુઆંક 2445એ પહોંચ્યો, હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયા હોવાનો અંદાજ

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા હોવાના અહેવાલો વચ્ચે શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે. અફઘાનિસ્તાન વહીવટીતંત્રે ભૂકંપનો મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી છે. આપત્તિ સત્તાના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લા જાને જણાવ્યું કે ભૂકંપ અને તેના આફ્ટરશોક્સથી હેરાત પ્રાંતના જેન્દા જાન જિલ્લાના ચાર ગામોને સૌથી વધુ અસર થઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું. ત્યારબાદ 6.3, 5.9 અને 5.5ની તીવ્રતાના સતત ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ડિઝાસ્ટર મંત્રાલયના પ્રવક્તા મુલ્લા જનાન સૈયકે રોઇટર્સને જણાવ્યું હતું કે, 9,240 ઘાયલ થયા છે અને 1,329 ઘરોને નુકસાન થયું છે અથવા નાશ પામ્યા છે.હેરાત પ્રાંતના આરોગ્ય વિભાગના એક અધિકારી ડૉ. ડેનિશે રોઇટર્સને જણાવ્યું હતું કે, 200થી વધુ મૃતકોને જુદી જુદી હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા હતા, મોટાભાગના મૃતકોમાં મહિલાઓ અને બાળકો હતા. મૃતકોને લશ્કરી મથકો અને હોસ્પિટલોમાં પણ લઇ જવામાં આવ્યા છે.

ભૂકંપના કારણે હેરાત પ્રાંતના લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપના ડરથી લોકોએ તેમના ઘરો છોડી દીધા છે અને બધા લોકો રોડ-રસ્તાઓ પર છે. હેરાત પ્રાંતમાં મોટી સંખ્યામાં ભૂકંપના આફટરશોક આવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.