Abtak Media Google News

ખેડામાં મિથેનોલયુક્ત સીરપના કારણે સાત લોકોના મોત થયાના લગભગ બે મહિના બાદ વડોદરાના એક આરોપીના ગોડાઉનમાં મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. 2020 માં, વડોદરાના ગોરવા વિસ્તારમાં નીતિન કોટવાણીના ગોડાઉન પર સ્થાનિક પોલીસ દ્વારા 50% -60% મિથેનોલ સાથે ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવા માટે દરોડો પાડવામાં આવ્યો હતો.

કથિત હર્બલ સિરપમાં 60% મિથેનોલ હોવાનું સામે આવ્યું

ત્યારે પોલીસ દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડા સીરપ દુર્ઘટનાના લગભગ 10 દિવસ પહેલા (28 નવેમ્બર અને 29 નવેમ્બર, 2023), આરોપીઓએ અધિકૃતતા વિના ગોડાઉન ખોલ્યું અને મિથેનોલથી દૂષિત સેનિટાઈઝરનો સ્ટોક ડભાણના ગોડાઉનમાં ખસેડ્યો હતો. જે અન્ય આરોપી યોગેશ સિંધીની માલિકીની છે.સેનિટાઈઝરને હર્બલ સીરપની બોટલોમાં રેડીને વેચવામાં આવતું હતું. વડોદરાના ગોડાઉનમાં પણ મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, તેવું ખેડા પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

યોગેશ સિંધીએ યોગી ફૂડ એન્ડ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડના નામે એફડીસીએ પરમિટ મેળવી હતી અને કોવિડના પ્રથમ તબક્કા દરમિયાન ડભાણમાં યોગી આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સના નામે મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ગોડાઉન સ્થાપ્યું હતું.

ખેડા પોલીસે ડભાણમાં સિંધીના ગોડાઉનમાંથી 590 બોટલો જપ્ત કરી હતી. જે મોટાભાગે ખાલી હતી પરંતુ ચાર બોટલમાં સેનિટાઈઝર સોલ્યુશન બચ્યું હતું.

સેનિટાઈઝરના નમૂનાઓમાં 50%-60% મિથેનોલની હાજરી મળી હતી. સિંધીએ ઘાતક સીરપ બનાવવા માટે ફૂડ કલર, એસેન્સ, સિન્થેટિક ફ્લેવર, સાઇટ્રિક એસિડ અને મિથેનોલ ભેળવ્યા હતા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ ખેડાના ગોડાઉનમાં દારૂ અને અન્ય સામગ્રી ભેળવી હતી. ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે પોલીસે સિંધીના સાળા ગોપીચંદ સંતાની નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે.સંતાનીના ઈ-વોલેટનો ઉપયોગ આરોપી મુંબઈના વેપારી પાસેથી લાવેલા ઈથેનોલની ચૂકવણી કરવા માટે કરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.